|
શૂર્પણખાનો પ્રસંગ નવેસરથી, તટસ્થ રીતે, શાંતિથી, વિવેકપૂર્વક વિચારવા જેવો છે.
રાવણની બેન શૂર્પણખા, રામલક્ષ્મણને પંચવટીમાં દેખીને, આકર્ષાઇને વ્યાકુળ બની.
કવિ કહે છે કે ભાઇ, પિતા, પુત્ર, ગમે તે મનોહર પુરૂષને પેખીને સ્ત્રી કામથી
વ્યાકુળ બનીને મનને રોકી શકતી નથી.
भ्राता पिता पुत्र उरगारी। पुरुष मनोहर निरखत नारी ॥
होइ बिकल सक मनहि न रोकी। जिमि रबिमनि द्रव रबिहि बिलोकी ॥
એ વિધાન સ્ત્રીઓને પોતાને અન્યાય કરનારું અને એકપક્ષીય લાગશે. સમાજમાં સઘળાં
પુરૂષો ડાહીમાના દીકરા હોય અને સ્ત્રીઓ જ દોષિત હોય એવી અસર ઉપજાવનારા એ ઉદગારો
ઉત્તમ નથી. કવિને રત્નાવલિનો અનુભવ યાદ રહ્યો હોય એવું લાગતું નથી.
શૂર્પણખા સુંદર સ્વરૂપને ધારીને રામ પાસે પહોંચીને બોસી કે તમારા સમાન પુરૂષ
તથા મારા સમાન સ્ત્રી નથી. વિધાતાએ આ સંયોગ ખૂબ જ વિચારપૂર્વક કર્યો છે. મેં
ત્રણે લોકને જોયા. મારે યોગ્ય પુરૂષ જગતમાં ન મળવાથી હું કુંવારી રહી છું. તમને
જોઇને મારું મન માની ગયું છે.
રામે કહ્યું કે મારો નાનો ભાઇ કુંવારો છે.
લક્ષ્મણે જણાવ્યું કે હું તો પરાધીન છું, રામનો દાસ છું.
શૂર્પણખા પછી રામ પાસે પહોંચી. રામે એને પુનઃ લક્ષ્મણ પાસે મોકલી. લક્ષ્મણે
કહ્યું કે જે નિર્લજ્જ હશે તે જ તને પરણશે.
શૂર્પણખા ભયંકર રૂપ ધારીને રામ તરફ આગળ વધી ત્યારે લક્ષ્મણે ક્રોધે ભરાઇને એનાં
નાક કાન કાપી લીધાં.
એ આખોય પ્રસંગ રામલક્ષ્મણ જેવા નીતિમાન આદર્શ પુરૂષોને માટે શોભાસ્પદ નથી
લાગતો. એમનો શૂર્પણખા સાથેનો વ્યવહાર અભિનંદનીય નથી. રામે મારો ભાઇ કુંવારો છે
એવું ખોટું કહીને શૂર્પણખાની વારંવાર મશ્કરી કરી અને લક્ષ્મણે તેમાં સાથ આપ્યો
એ એમના વ્યક્તિત્વને હલકું કરી બતાવે છે. કથાની દ્રષ્ટિએ એવો વ્યવહાર રસપ્રદ
હોય તે ભલે, પરંતુ આદર્શ વ્યક્તિત્વની દ્રષ્ટિએ શોભાસ્પદ કે સ્તુત્ય નથી જણાતો.
કવિએ એના આલેખન દ્વારા રામ લક્ષ્મણને ખૂબ જ છીછરા બનાવી દીધા છે.
|