|
શૂર્પણખાની પાસેથી સઘળી વાતને સાંભળીને રાવણે સીતાહરણની યોજના કરી. એણે મારીચની
પાસે પહોંચીને એને સુવર્ણમૃગ બનવાની આજ્ઞા આપી. મારીચે પહેલાં તો એને નીતિની
વાતો કરીને સારી પેઠે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાવણે તલવાર તાણી ત્યારે
ભયભીત અને વિવશ બનીને એના સહભાગી થવાનું કબૂલ્યું. મારીચનું મનોબળ મજબૂત હોત ને
એ સિદ્ધાંતપ્રેમી કે આદર્શનિષ્ઠ હોત તો તલવારથી ડરીને રાવણને સાથ આપવા તૈયાર ના
થાત.
રાવણની પૂર્વયોજનાનુસાર સીતાનું હરણ થયું એમાં સીતાનો ફાળો પણ નાનોસરખો નથી
દેખાતો. સીતાએ સુવર્ણમૃગથી સંમોહિત બનીને રામ પાસે એની માગણી કરી અને એ
માંગણીને ચાલુ રાખી. લક્ષ્મણે સાવધાનીસૂચક વિરોધી વિચાર રજૂ કર્યો તોપણ રામ
મૃગની પાછળ દોડી ગયા. માયાના મિથ્યા સુવર્ણમૃગોથી સંમોહિત બનીને એમને હસ્તગત
કરવા માગનારો માનવ છેવટે દુઃખી થાય છે. એની શાંતિરૂપી સીતા હરાઇ જાય છે.
સીતાહરણનો પ્રસંગ એવો આધ્યાત્મિક બોધપાઠ પૂરો પાડે છે.
પંચવટીના ગોદાવરી તટવર્તી એકાંત આવાસમાં સીતાને ના નિહાળવાથી રામ દેખીતી રીતે જ
અતિશય દુઃખી બનીને વિરહવ્યથિત હૃદયે વિલાપ કરવા લાગ્યા. કવિએ એ વિલાપમાં રામના
સીતા પ્રત્યેના પ્રેમભાવની સફળ, સુંદર, સંપૂર્ણ અભિવ્યક્તિ કરી છે. એ
અભિવ્યક્તિ આનંદદાયક છે.
કોઇને એવી આશંકા થવાનો સંભવ છે કે રામે ઇશ્વરાવતાર હોવા છતાં સીતાના વિયોગથી
વ્યથિત બનીને ક્રંદન કેમ કર્યું ? આપણે કહીશું કે રામ બીજું કરે પણ શું ? એમને
માટેનો એક વિકલ્પ પંચવટીને સૂની જોઇને ઉલ્લાસ વ્યક્ત કરવાનો હતો. હે સીતા, તું
ગઇ તે સારું થયું. તારું હરણ આનંદદાયક છે. તારા સિવાય આ સ્થળ સરસ લાગે છે ને
શાંતિ આપે છે. - આવી અભિવ્યક્તિ શું સારી ગણાત ? રામ જડની જેમ સંવેદનરહિત બનીને
કંઇ બોલત નહીં તોપણ એમ કહેવાત કે એમને કશી લાગણી નથી. સીતાનું હરણ થયું છે તોપણ
એમનું રુંવાડુંયે નથી હાલતું. કાળજું ક્રંદન નથી કરતું. એમણે વિરહને વ્યક્ત
કર્યો એ અપરાધ નહોતો. માનવોચિત વ્યવહાર હતો. એમને માટે એ શોભાસ્પદ હતો. વિરહથી
વ્યથિત થવા છતાં એ વનમાં વિહર્યા, એમણે સીતાની શોધ કરી અને બીજી સ્ત્રીને
વરવાનો વિચાર પણ ના કર્યો;
નીતિની મંગલમય મર્યાદિત માર્ગથી એ ચલિત ના થયા તથા ભાન ના ભૂલ્યા એ એમની
મહાનતા. વિશેષતા. એવી અસાધારણતા સૌ કોઇમાં ના હોય.
|