|
શબરીના આશ્રમને છોડીને રામ અને લક્ષ્મણ અરણ્યમાં આગળ વધ્યા ત્યારે રામે કરેલું
વનની શોભાનું વર્ણન ખૂબ જ રસપ્રદ છે. એ વર્ણન એમની વિરહાવસ્થાને અનૂકુળ લાગે
છે.
એ વખતે દેવર્ષિ નારદ સાથે એમનો જે વાર્તાલાપ થાય છે તે વાર્તાલાપના નિમ્નલિખિત
ઉદગારો ખાસ જાણવા જેવા છેઃ
'
હે મુનિ ! જે સઘળો ભરોસો છોડીને કેવળ મને જ ભજે છે તેની, માતા બાળકની રક્ષા કરે
તેમ હું સદા રક્ષા કરું છું. નાનું બાળક અગ્નિ અથવા સાપને પકડવા દોડે છે ત્યારે
માતા તેને એનાથી દૂર રાખીને ઉગારે છે.'
'કામક્રોધમદ
તથા લોભ વગેરે મોહની પ્રબળ સેના છે. એમાં માયમયી સ્ત્રી અતિ દારુણ દુઃખ દેનારી
છે.'
काम क्रोध लोभादि मद प्रबल मोह कै धारि।
तिन्ह महँ अति दारुन दुखद मायारूपी नारि ॥
'પુરાણ
, વેદ અને સંતો કહે છે કે સ્ત્રી મોહરૂપી વનને વિકસિત કરનારી વસંતઋતુ સમાન છે.
સ્ત્રી જપ, તપ, નિયમરૂપી સઘળાં જલાશયોને ગ્રીષ્મઋતુની પેઠે સંપૂર્ણપણે શોષી લે
છે.
કામક્રોધમદમત્સર દેડકાં છે. સ્ત્રી તેમને વર્ષાઋતુ બનીને હર્ષ આપે છે. અશુભ
વાસના કુમુદસમૂહને સ્ત્રી શરદઋતુની જેમ સુખ આપે છે.
સર્વ ધર્મો કમળસમૂહો છે. મંદ વિષયસુખ આપનારી સ્ત્રી હેમંત બનીને તેમને બાળી
નાખે છે. મમતારૂપી જવાસાનો સમૂહ સ્ત્રીરૂપી શિશિરઋતુથી પ્રફુલ્લ બને છે. સ્ત્રી
પાપરૂપી ઘુવડને સુખ દેનારી ઘોર અંધારરાત છે. સ્ત્રી બળ બુદ્ધિ સત્ય શીલરૂપી
માછલીઓને ફસાવનાર બંસી છે. પ્રમદા અવગુણનું મુળ, ક્લેશકારક, સર્વ દુઃખોની ખાણ
છે. માટે હે મુનિ, મેં તમને હૃદયમાં એવું જાણીને વિવાહથી દૂર રાખેલા.'
अवगुन मूल सूलप्रद प्रमदा सब दुख खानि।
ताते कीन्ह निवारन मुनि मैं यह जियँ जानि ॥
સન્નારી સ્ત્રીઓને એ ઉદગારો ભાગ્યે જ ગમશે. એકતરફી, અરુચિકર, અસ્થાને અને
અપમાનજનક લાગશે. પુરૂષોને માટે એવા ઉદગારો ક્યાંય ના હોવાથી, એ ઉદગારો પુરૂષોનો
પરોક્ષ પક્ષ લેનારા અને પૂર્વગ્રહપ્રેરિત જણાશે.
સાચી વાત તો એ છે કે સ્ત્રી કે પુરૂષ કોઇને પણ દોષિત અથવા અધમ માનવાને-મનાવવાને
બદલે બંનેના સર્વસામાન્ય આંશિક શત્રુ કામથી જ પર થવાની વાત પર ભાર મૂકવાની
આવશ્યકતા છે. હતી. કવિ એવી રજૂઆત દ્વારા કવિતાને વધારે સારી, આહલાદક, કોઇ વિશેષ
જાતિ પ્રત્યેની ફરિયાદ, દોષવૃતિ કે કટુતાથી રહિત કરી શક્યા હોત. કવિનો હેતુ
સારો હોવા છતાં ભાષાપ્રયોગ સારો છે એવું ઘણાંને નહીં લાગે. ખાસ કરીને સ્ત્રીઓને
અને એમની વિશિષ્ટતા, મહાનતા તથા ઉપકારકતા સમજનારા ગુણજ્ઞ જનોને.
|