રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સફેદ વાળનું દર્શન

(અયોધ્યાકાંડ)

 

અમુક વયમર્યાદા કે વૃદ્ધાવસ્થા પછી જાહેરજીવનમાંથી સ્વેચ્છાપૂર્વક નિવૃતિ લેવાની ને પોતાની જવાબદારી બીજા સુપાત્ર પુરુષને સોંપવાની પરંપરા આવકારદાયક છે. એથી મમત્વ ઘટે છે ને બીજાને લાભ મળે છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Ayodhya Kand | Next >

       

બહારથી નાની અથવા સર્વસાધારણ જેવી દેખાતી વસ્તુઓમાંથી જાગ્રત અથવા વિવેકી પુરુષને કોઇવાર અવનવી પ્રેરણાની પ્રાપ્તિ થતી હોય છે. એ પ્રેરણા એના જીવનપ્રવાહને પલટાવવા માટે કે પરિશુદ્ધ કરવા માટે મહત્વનો મહામૂલ્યવાન ફાળો પ્રદાન કરતી હોય છે. એની અસર શકવર્તી બને છે અને સમસ્ત જીવનને અસર પહોંચાડે છે.

વસ્તુ છેક જ નાની હતી. લક્ષમાં ના લઇએ તોપણ ચાલે એવી. પરંતુ રાજા દશરથે ગંભીરતાથી લીધી.

રામચરિતમાનસના કથનાનુસાર રઘુકુળના રાજા દશરથ એક વાર રાજસભામાં વિરાજેલા. એમણે સ્વાભાવિક રીતે જ હાથમાં દર્પણ લઇને મુખને નિહાળીને મસ્તક પરના મુકુટને સરખો કર્યો.

એમણે એકાએક જોયું કે કાન પાસેના કેશ ઘોળા થયા છે.

 

श्रवन समीप भए सित केसा। मनहुँ जरठपनु अस उपदेसा ॥

 

કેશ ઘોળા થવાની હકિકત દેખીતી રીતે જ છેક સાધારણ હતી તોપણ રાજાએ એને ગંભીરતાથી લઇને વિચાર્યું કે વૃદ્ધાવસ્થા જાણે ઉપદેશ આપી રહી છે કે રામને યુવરાજપદ આપી મારે જીવન તથા જન્મની પરમ ધન્યતાનો લ્હાવો લેવો જોઇએ.

સફેદ વાળનું દર્શન કરનારા સઘળા એવી સમજપૂર્વકની સ્વૈચ્છિક નિવૃતિનો વિચાર તથા નિર્ણય નથી કરતા. નહિ તો સમાજમાં જાહેરજીવનનું ચિત્ર કેટલું બધું બદલાઇ જાય અને તંદુરસ્ત થાય ? કેટલીક વાર વાળ અકાળે જ સફેદ બની જાય છે. તોપણ અમુક વયમર્યાદા કે વૃદ્ધાવસ્થા પછી જાહેરજીવનમાંથી સ્વેચ્છાપૂર્વક નિવૃતિ લેવાની ને પોતાની જવાબદારી બીજા સુપાત્ર પુરુષને સોંપવાની પરંપરા આવકારદાયક છે. એથી મમત્વ ઘટે છે ને બીજાને લાભ મળે છે.

રાજા દશરથનો વિચાર એ દ્રષ્ટિએ આદર્શ અને અભિનંદનીય હતો. જોકે એમાં આગળ પર આવનારી અસાધારણ આપત્તિનું બીજ છુપાયેલું એની ખબર એમને ન હતી. એમણે રામના રાજ્યાભિષેકનો કે યુવરાજપદનો વિચાર જ ના કર્યો હોત તો આગળ પરની એના પરિણામે પેદા થયેલી રામવનવાસની માગણીને અને ઘટનાને કદાચ ટાળી શકાઇ હોત. એમનું પોતાનું મૃત્યુ પણ અનિવાર્ય ના બન્યું હોત. પરંતુ માનવ વિચારે છે કાંઇક અને બને છે કાંઇક. જે કાંઇ થાય છે તે સઘળું એના હાથમાં, એની ઇચ્છા પ્રમાણેનું નથી હોતું. રાજાનો સંકલ્પ સારો હતો પરંતુ એનો પ્રતિભાવ સર્વ પર, ખાસ કરીને મંથરા પર અને એની સતત સમજાવટથી કૈકેયી પર સાનુકૂળ ના પડ્યો. એથી જ આગળની અણધારી આપત્તિ આવી પડી.

એક બીજી વાત પ્રત્યે અંગુલિનિર્દેશ કરી લઉં. રાજા દશરથે રાજસભામાં બેસીને હાથમાં લીધેલા દર્પણમાં જોયું એવું વર્ણવવાને બદલે, એમના રાજપ્રાસાદમાં દર્પણમાં જોયું એવું વર્ણન સુસંગત ના લાગત ? રાજસભા કરતાં રાજપ્રાસાદ જ દર્પણમાં જોવાનું સુયોગ્ય સ્થાન લેખી શકાય. રાજાને પોતાને જ રાજસભામાં દર્પણમાં, અને હાથમાં રાખેલા દર્પણમાં દેખતા વર્ણવવા એ રઘુકુળના આદર્શ રાજા દશરથની રાજસભાની ગંભીરતા તથા પવિત્રતાને નથી સૂચવતું.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer