રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રામની પ્રતિક્રિયા

(અયોધ્યાકાંડ)

 

જાહેર જનતાનું હિત ધરાવતી વાતોમાં જન્મ કે વયને બદલે યોગ્યતા કે પાત્રતા પ્રમાણેની પસંદગી જ અધિક આદર્શ અને આવકારદાયક થઇ પડે. વિચાર ગમે તેટલો આદર્શ, અસાધારણ, ક્રાંતિકારક હોય પરંતુ તે ક્રાંતિ કરે જ નહીં, આચારમાં અનુવાદિત ન બને તો શું કામનું ?

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Ayodhya Kand | Next >

       

રામચરિતમાનસનું એ વર્ણન આગળ વધે છે. રાજા દશરથના રહેવાથી મુનિ વશિષ્ઠ રામના રાજપ્રાસાદે પહોંચ્યા ત્યારે રામે દ્વાર પર આવીને એમનાં ચરણે મસ્તક નમાવીને, સાદર અર્ઘ્ય આપી, ઘરમાં લાવીને એમનું પૂજન-સન્માન કર્યું. સીતા સાથે એમને ચરણસ્પર્શ કર્યો.

એ વર્ણન રામની ગુરુ પ્રત્યેની પ્રીતિ અને એમની નમ્રતા દર્શાવે છે.

જેનું લગ્ન લેવાયું હોય તે ઉમેદવારને કશી માહિતી જ ના હોય અને લગ્નની બધી તૈયારી કરી હોય; બેન્ડવાળાને બોલાવવામાં આવ્યા હોય, કંકોત્રીઓ પાઠવી હોય, જમણવારની તૈયારી થઇ ગઇ હોય અને જાનૈયાઓ પણ એકઠા થયા હોય; જેનું લગ્ન લેવાયું હોય તેને છેક છેલ્લી ઘડીએ ખબર આપવામાં આવતી હોય તેમ, રામને એમના રાજ્યાભિષેક વિશે હજુ હવે કહેવામાં આવે છે. રાજા દશરથને કદાચ એવો વિશ્વાસ હશે કે આજ્ઞાંકિત રામ પોતાની અને વશિષ્ઠની આજ્ઞાને કોઇ પણ પ્રકારના વિરોધ, તર્કવિતર્ક કે સંકોચ સિવાય આનંદપૂર્વક અનુસરશે.

મુનિ વશિષ્ઠે રામને જણાવ્યું કે રાજા તમને યુવરાજપદ આપવા ઇચ્છે છે. એમણે એને માટેની પૂર્વતૈયારી કરી લીધી છે.

 

भूप सजेउ अभिषेक समाजू। चाहत देन तुम्हहि जुबराजू ॥

 

મુનિ વશિષ્ઠ દ્વારા રાજ્યાભિષેકના એ સર્વસુખદ સમાચાર સાંભળ્યા પછી રામની પ્રતિક્રિયા જાણવા જેવી છે. એમને એક અસાધારણ કહી શકાય એવો વિચાર ઉદભવ્યો.

 

जनमे एक संग सब भाई। भोजन सयन केलि लरिकाई ॥

करनबेध उपबीत बिआहा। संग संग सब भए उछाहा ॥

 

"અમે બધા ભાઇઓ એકસાથે જનમ્યા. અમારું ભોજન, શયન, બાલ્યાવસ્થાનું રમવાનું અને અમારા કર્ણવેધ, યજ્ઞોપવિત સંસ્કાર તથા લગ્નપ્રસંગના ઉત્સવો પણ સાથેસાથે જ થયા."

 

बिमल बंस यहु अनुचित एकू। बंधु बिहाइ बड़ेहि अभिषेकू ॥

 

"આ નિર્મળ રઘુવંશમાં મને એક વસ્તુ ખરેખર અયોગ્ય લાગે છે અને તે વસ્તુ એ કે બીજા બધા બંધુઓને મૂકીને મોટા બંધુનો અભિષેક થાય છે."

કવિએ રામના મુખમાં ખૂબ જ સુંદર, આદર્શ, પ્રેરક, ક્રાંતિકારી, સત્યમૂલક શબ્દો મૂક્યા છે. મોટાભાઇનો રાજ્યાભિષેક શા માટે ? વચલા કે નાના ભાઇનો શા માટે નહીં ? અથવા મોટા કે નાના - ગમે તેવા પરંતુ સુયોગ્ય ભાઇનો શા માટે નહીં ? એવી અતિઅગત્યની, જાહેર જનતાનું હિત ધરાવતી વાતોમાં જન્મ કે વયને બદલે યોગ્યતા કે પાત્રતા પ્રમાણેની પસંદગી જ અધિક આદર્શ અને આવકારદાયક થઇ પડે. રામનો વિચાર પ્રશંસનીય હતો. પરંતુ વિચાર વિચાર જ રહ્યો. અમલમાં ના મૂકાયો. વિચાર ગમે તેટલો આદર્શ, અસાધારણ, ક્રાંતિકારક હોય પરંતુ તે ક્રાંતિ કરે જ નહીં, આચારમાં અનુવાદિત ન બને તો શું કામનું ? રામ આગળ ના વધ્યા, એમની લાગણી અને એમના સાત્વિક મનોમંથનમાંથી ઉદભવેલી સદભાવનાને એ દશરથ, વશિષ્ઠ, સચિવ અથવા અન્યની આગળ રજૂ કરી શક્યા હોત. એવી દલીલ દ્વારા કવિ એ વિચારને સગૌરવ આગળ વધારી શક્યા હોત. પરંતુ એમ નથી થઇ શક્યું. એ વસ્તુ ચૂકી જવાઇ કે ત્યાં જ મુકી દેવાઇ છે.

રામ એમની વિચારસરણીને વડીલો સમક્ષ રજૂ કરત તોપણ એને કોઇ માનત નહીં. તોપણ એવી રજૂઆત એમને માટે સંતોષકારક લેખાત. એને લીધે કવિતામાં નવો રસ પેદા થાત. એવી રીતે રામની રાજ્યાભિષેક માટેની નિર્મમતાને વધારે સારી રીતે બતાવી શકાઇ હોત.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer