રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

 દેવોનો ઉદ્યોગ

(અયોધ્યાકાંડ)

 

સંજોગોની અસર નીચે આવીને સજ્જન દુર્જન બને છે ને દુર્જન સજ્જન. સંજોગો માનવને દેવ પણ કરે છે ને દાનવ પણ. અનુકૂળ બનાવે છે ને પ્રતિકૂળ પણ.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Ayodhya Kand | Next >

       

રામચરિતમાનસમાં કહ્યા પ્રમાણે રામના રાજ્યાભિષેકની વાત બીજા બધાને તો ગમી પરંતુ દેવોને ના ગમી. એમણે સરસ્વતીને બોલાવીને એના પગ પકડીને અવારનવાર અરજ કરીને જણાવ્યું કે અમારી આપત્તિ જોઇને તમે એવું કરો કે રામ રાજ્યને છોડીને વનમાં જાય ને દેવોનું સઘળું કાર્ય સિદ્ધ થાય.

 

बिपति हमारि बिलोकि बड़ि मातु करिअ सोइ आजु।

रामु जाहिं बन राजु तजि होइ सकल सुरकाजु ॥

 

દેવોની અરજ સરસ્વતીને સહેજ પણ ના ગમી. દેવોએ એને પુનઃ પ્રાર્થીને પોતાના હિતકાર્ય માટે અયોધ્યા જવા જણાવ્યું. દેવોએ વારંવાર એને ચરણ પકડીને સંકોચમાં નાખી એટલે દેવોની બુદ્ધિ ઓછી છે એવું વિચારીને તેણે ત્યાંથી પ્રયાણ કર્યું.

 

नामु मंथरा मंदमति चेरी कैकेइ केरि।

अजस पेटारी ताहि करि गई गिरा मति फेरि ॥

 

"અયોધ્યામાં મંથરા કૈકેયીની દાસી હતી. એને અપયશની ભાગિની બનાવીને, એની બુદ્ધિ ફેરવીને કે બગાડીને સરસ્વતી જતી રહી."

કવિનું આલેખન કથાની દ્રષ્ટિએ કદાચ રોચક લાગે પરંતુ બીજી રીતે વિચારતાં ત્રુટિપૂર્ણ દેખાય છે. કવિ અનાવશ્યક રીતે કલ્પનાનો આશ્રય લઇ રહ્યા છે. દેવોની વાતને વચ્ચે લાવ્યા વગર કથા કહી શકાઇ હોત. દેવોની અરજ સ્વીકારવાનો સૌથી પ્રથમ સરસ્વતીએ ઇન્કાર કર્યો ને વિચાર્યું કે દેવો મંદબુદ્ધિ છે. પરંતુ આગળ પર દેવોના અત્યાગ્રહને વશ થઇને એની દ્રષ્ટિએ જે અયોગ્ય હતું તે કર્મ કરવાની એણે તૈયારી બતાવીને, મંથરાની બુદ્ધિને બદલાવી, એવા આલેખનથી એનું વ્યક્તિત્વ તદ્દન સામાન્ય કક્ષાએ ઉતરી પડે છે. એ આવશ્યક અથવા અપેક્ષિત આત્મબળથી વંચિત બનીને પોતાનું સ્વાભાવિક ગૌરવ ખોઇ બેસે છે. એક કુકર્મમાં મુખ્ય પક્ષકાર બને છે. પરોક્ષ રીતે બધા જ દોષનો ટોપલો એના માથા પર નાખી દેવામાં આવે છે. આપણાં સર્વહિતમાં માનનારાં, અકલંક, આદર્શ, પરમારાધ્ય, પરમ વંદનીય, દૈવી પાત્રોનું એવું આલેખન એમને જ્ઞાત અથવા અજ્ઞાત રીતે અન્યાય કરનારું અને લોકનજરે ઉતરાતાં બતાવનારું બનવાનો સંભવ છે.

સરસ્વતીને અતિશય આગ્રહપૂર્વક અયોધ્યામાં અશુભ આશયથી પ્રેરાઇને મોકલવાનો દેવોનો ઉદ્યોગ અભિનંદનીય નથી લાગતો. એ આખુંય આલોખન ક્ષેપક પણ હોઇ શકે. જો એ યથાર્થ જ હોય તો આદર્શ અને શોભાસ્પદ નથી. માનવ સન્મતિ અને દુર્મતિ - બંનેનો બનેલો છે. એની અંદર ક્યારે કોનું પ્રાબલ્ય થઇ જાય તે વિશે ચોક્કસપણે કશું જ કહી શકાય નહીં. એવા સીધાસાદા સર્વસામાન્ય આધાર પર, દેવોની કે સરસ્વતીની વાતને વચ્ચે લાવ્યા સિવાય, સીધું જ કહી શકાયું હોત કે મંથરાની બુદ્ધિ એની પોતાની દ્વેષવૃતિ, દુર્ભાવના કે બીજા કોઇ કારણથી બગડી ગઇ, અને એણે કૈકેયીના કાનને ભંભેર્યા, તો કોઇ પ્રકારની હરકત ના પેદા થાત. એવું આલેખન સવિશેષ સુંદર અને સુસંગત થઇ પડત.

રામચરિતમાનસના રસિક તથા મર્મજ્ઞ કવિએ મંથરાના પાત્રને ખૂબ જ કળાત્મક રીતે સહજતા અને સફળતા સહિત રજૂ કર્યું છે. એમનું એ પાત્રાલેખન આદર્શ અને અદભૂત છે. એમને કુશળ સફળ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે છે. કૈકેયીનું પાત્રાલેખન પણ એવું જ પ્રાણવાન ને કુશળ છે. મંથરાના પાત્રાલેખન સાથે એ તાણા ને વાણાની પેઠે મળી જાય છે. એકરૂપ થાય છે.

કૈકેયીના કાનને ભંભેરવાનો ને મનને મલિન બનાવવાનો મંથરાનો ઉદ્યોગ શરૂઆતમાં તો સફળ નથી થતો, પરંતુ છેવટે યશસ્વી ઠરે છે. રામ પ્રત્યે પ્રખર સ્નેહ અને સદભાવને સેવનારી કૈકેયી મંથરાની રામવિરોધી વાતને માની લે છે. એ એના વ્યક્તિત્વનો ને કવિની કવિતાકળાનો નાનો સરખો વિજય ના લેખાય.

મંથરાના માર્ગદર્શન પ્રમાણે એ કઠોરતાની મૂર્તિ બનીને કોપભવનમાં પ્રવેશે છે ને દશરથની પરવશતાનો લાભ ઉઠાવીને પૂર્વનાં શેષ રહેલાં બે વરદાન મેળવે છે. કૈકેયી તથા દશરથનો આ સંવાદ કેટલો બધો સૂચક છે ?

 

मागु मागु पै कहहु पिय कबहुँ न देहु न लेहु।

देन कहेहु बरदान दुइ तेउ पावत संदेहु ॥ २७ ॥

 

"હે પ્રિયતમ, તમે માગ માગ કહો છો પણ કોઇ વાર આપતા નથી ને લેતા નથી. તમે મને બે વરદાન માટે કહેલું પરંતુ તે મળવામાં પણ સંદેહ છે."

 

जानेउँ मरमु राउ हँसि कहई। तुम्हहि कोहाब परम प्रिय अहई ॥

थाति राखि न मागिहु काऊ। बिसरि गयउ मोहि भोर सुभाऊ ॥ १ ॥

 

"રાજાએ હસીને કહ્યું કે તારો મર્મ સમજ્યો. તને કોપાયમાન થવાનું ગમે છે. તે વરદાનોને થાપણ તરીકે રાખીને તે કદી માગ્યા જ નથી. મારો સ્વભાવ ભૂલકણો હોવાથી હું તે ભૂલી ગયો છું."

 

झूठेहुँ हमहि दोषु जनि देहू। दुइ कै चारि मागि मकु लेहू ॥

रघुकुल रीति सदा चलि आई। प्रान जाहुँ बरु बचनु न जाई ॥

 

"મને ખોટો દોષ ના દે. બેને બદલે ચાર વરદાન માગી લે. રઘુકુળમાં સદાને માટે એવી પરંપરા ચાલી આવે છે કે પ્રાણ જાય તો ભલે જાય પરંતુ વચન ના જવું જોઇએ."

એવી રીતે સઘળી પૂર્વભૂમિકાને તૈયાર કરીને કૈકેયીએ વરદાન માગી લીધાં. રાજા દશરથ પર વજ્રપ્રહાર થયો. પરંતુ હવે કોઇ વિકલ્પ નહોતા રહ્યો. એ કૈકેયીના સાણસા-વ્યૂહમાં સારી પેઠે સપડાઇ ગયા.

જે કૈકેયી રામને ભરત કરતાં પણ વધારે પ્રિય સમજતી હતી તે ભરતને માટે રાજતિલકનું અને રામના ચૌદ વરસના વનવાસનું વરદાન માગી બેઠી. સંજોગોનો પ્રભાવ માનવ પર કેટલો બધો પ્રબળપણે પડે છે ? સંજોગોની અસર નીચે આવીને સજ્જન દુર્જન બને છે ને દુર્જન સજ્જન. સંજોગો માનવને દેવ પણ કરે છે ને દાનવ પણ. અનુકૂળ બનાવે છે ને પ્રતિકૂળ પણ. જોકે સંજોગોની સત્તા સર્વોપરિ નથી તોપણ નિર્બળ મનના માનવો એમની અસર નીચે સહેલાઇથી આવી જાય છે. કૈકેયી તથા મંથરાના પાત્રો એવો સારગર્ભિત સંદેશો સંભળાવે છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer