|
રામના મળરહિત મન પર એ પ્રતિકૂળ પરિસ્થિતિનો કશો જ પ્રતિકૂળ પ્રભાવ ના પડ્યો.
એમને પ્રથમથી જ રાજ્યની લાલસા ન હતી. એમણે કૈકેયી દ્વારા સઘળી વાત સાંભળીને
દશરથને આશ્વાસન આપ્યું, કૈકેયીનો આભાર માન્યો, ને વનગમનની તૈયારી દર્શાવી. એમના
શ્રીમુખમાં કેટલા બધા સરસ શબ્દો મુકાયા છે ?
सुनु जननी सोइ सुतु बड़भागी। जो पितु मातु बचन अनुरागी ॥
तनय मातु पितु तोषनिहारा। दुर्लभ जननि सकल संसारा ॥
"હે
માતા સાંભળો. જે માતાપિતાનાં વચનો પર પ્રેમ રાખતો હોય તે જ પુત્ર ભાગ્યશાળી
કહેવાય છે. માતા તથા પિતાને સંતોષનારો સુપુત્ર સમસ્ત સંસારમાં દુર્લભ છે."
"વનમાં
ખાસ કરીને મુનિવરોનો મેળાપ થશે. એથી મારું સર્વપ્રકારે શ્રેય સધાશે. તેમાં વળી
તે માટે પિતાજીની આજ્ઞા છે ને તમારી સંમતિ."
"પ્રાણપ્રિય
ભરત રાજ્ય પામશે. મને આજે વિધિ સર્વ રીતે અનુકૂળ છે. જો આવા કાર્યને માટે વનમાં
ના જઉં તો મૂર્ખના સમાજમાં મને પ્રથમ ગણવો જોઇએ."
अंब एक दुखु मोहि बिसेषी। निपट बिकल नरनायकु देखी ॥
थोरिहिं बात पितहि दुख भारी। होति प्रतीति न मोहि महतारी ॥
"માતા,
રાજા ખૂબ જ વ્યાકુળ બની ગયા છે એથી મને મોટું દુઃખ થાય છે. વાત ઘણી નાની હોવા
છતાં પિતાને ભારે દુઃખ થઇ રહ્યું છે એનો મને વિશ્વાસ નથી થતો."
કેવી સાનુકૂળ પ્રતિક્રિયા
!
રામે કૌશલ્યાની અનુમતિ મેળવી લીધી. કૌશલ્યા પાસે પહોંચેલી સીતાને ઘરમાં રહીને
સૌની સેવા કરવાનું કહ્યું. વનની વિષમતાઓનો અને વિપત્તિઓનો પણ ખ્યાલ આપ્યો. છતાં
પણ સીતાનું મન ઘરમાં રહેવા માટે ના માન્યું. સીતાના શબ્દોનો સારભાગ સમજવા જેવો
છેઃ
"હે
પ્રાણનાથ, હે કરુણાધામ, સુંદર, સુખદાયક, સર્વાન્તરયામી
!
હે રઘુકુળરૂપી કુમુદના ચંદ્ર
!
તમારા સિવાયનું સ્વર્ગ પણ મારે માટે નરકસમાન છે."
जिय बिनु देह नदी बिनु बारी। तैसिअ नाथ पुरुष बिनु नारी ॥
नाथ सकल सुख साथ तुम्हारें। सरद बिमल बिधु बदनु निहारें ॥ ४ ॥
"જીવ સિવાય જેમ શરીર અને જળ વિનાની નદી તે જ પ્રમાણે પુરુષ વિના સ્ત્રી હોય છે.
હે નાથ, તમારી સાથે રહીને તમારું શરદ ઋતુના નિર્મળ ચંદ્ર જેવું મુખમંડળ જોતાં
મને સર્વપ્રકારનું સુખ મળી રહેશે."
खग मृग परिजन नगरु बनु बलकल बिमल दुकूल।
नाथ साथ सुरसदन सम परनसाल सुख मूल ॥ ६५ ॥
"તમારી સાથે પશુપક્ષીઓ મારાં કુટુંબી થશે. વન નગર બનશે અને વૃક્ષોની છાલ સુંદર
નિર્મળ વસ્ત્ર. પર્ણકુટી સરસ સુખના મૂળરૂપ થઇ રહેશે."
"ઉગાર હૃદયના વનનાં દેવદેવીઓ સાસુ-સસરાની પેઠે મારી સંભાળ રાખશે. દર્ભ તથા કોમળ
પાંદડાની સુંદર પથારી પ્રભુની સાથે કામદેવની મનહર તળાઇ થશે. કંદમૂલફળનો આહાર
અમૃતસમાન થશે. પર્વતો અયોધ્યાના સેંકડો રાજમહેલ સમાન. દિવસે આનંદમાં રહેતી
ચકવીની જેમ પ્રભુના ચારુ ચરણકમળને નિહાળીને હું પ્રત્યેક પળે પ્રસન્ન રહીશ."
"હે નાથ, તમે વનના વિવિધ દુઃખો તથા ભય, વિષાદ, પરિતાપ વિશે કહ્યું. પરંતુ હે
કૃપાનિધાન, તે સઘળાં ભેગાં થાય તોપણ પ્રભુના વિયોગના દુઃખના લવલેશ સમાન પણ ના
થઇ શકે."
"હે દીનબંધુ, સુંદર સુખદાતા ! શીલ સ્નેહના ભંડાર ! ચૌદ વરસની અવધિ સુધી મને
અયોધ્યામાં રાખશો તો મારો પ્રાણ નહીં રહે."
"ક્ષણે ક્ષણે તમારાં ચરણકમળને નિહાળીને ચાલવાથી મને થાક નહિ લાગે. હું તમારી
સર્વ પ્રકારે સેવા કરીશ. માર્ગનો તમારો થાક દુર કરીશ. તમારા પગ ધોઇને, વૃક્ષોની
છાયામાં બેસીને, તમને પંખો નાખીશ. પ્રસ્વેદ કણોવાળું તમારું શ્યામ શરીર જોવાથી
દુઃખનો વખત ક્યાં રહેશે ?"
"સપાટ ભૂમિ પર ઘાસ તથા કૂંપળો બિછાવીને આ દાસી આખી રાત તમારા પગ દબાવશે. તમારી
મનહર મૂર્તિના દર્શનથી મને થાક નહિ લાગે. સિંહણને સસલું કે શિયાળ જેમ જોઇ શકતું
નથી તેમ પ્રભુની સાથે મને આંખ ઉંચી કરીને જોનારું કોણ છે ? હું સુકુમારી છું તો
તમે વનને યોગ્ય છો ? તમને તપ યોગ્ય છે ને મારે માટે વિષયોનો ઉપભોગ ?"
સીતાના ઉદગારો એના પ્રાણમાં પ્રકટેલા તથા પ્રબળ બનેલા પતિપ્રેમને પ્રકટ કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને માટે પુરુષ અને પુરુષને માટે સ્ત્રી શરીરના
સુખોપભોગનું કે જીવનના અંગત આમોદપ્રમોદનું સાધન નથી પરંતુ જીવનનું સારસર્વસ્વ
છે. જીવનસાધનાના સ્વર્ણસોપાનની સામગ્રી છે. સૌથી અધિક છે. એની સ્વર્ગીય
સંનિધિમાં રહેવું અને એની સેવા કરવી એ એનું કર્તવ્ય મનાય છે. સીતાએ એ કર્તવ્યને
વાચા આપી. એને પૂર્ણપણે વફાદાર રહીં. એના ઉદગારો વીરતાના, સહનશીલતાના,
નિર્ભયતાના, રામ પ્રત્યેના પરમપવિત્ર પ્રબળતમ પ્રેમના ને શ્રદ્ધાભક્તિના દ્યોતક
છે.
એ શબ્દોને સાંભળ્યા પછી રામે એને સાથે આવવાની અનુમતિ આપી.
સીતાને એથી શાંતિ થઇ.
|