|
રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે સ્ત્રીઓને,
દશરથને અને કૌશલ્યાદિ રાણીઓને કેટલો બધો આનંદ હતો ? એમના જીવનમાં મહાન પર્વદિન
પેદા થયેલો. રામનો ને અન્ય સૌનો એમણે અંતરના ઊંડા ઉમળકાભેર સત્કાર કરેલો. એ
વખતે એમને કલ્પના પણ નહિ કે એ આનંદ, પર્વપ્રસંગ અથવા સત્કાર ક્ષણજીવી છે. એની
પાછળ ચિંતા, વિષાદ, વેદનાના ઘેરા ઓળા પથરાયેલા છે. રામના રાજ્યાભિષેકનો અસાધારણ
ઉલ્લાસાનુભવ હજુ તો તાજો જ હતો. એ ઉલ્લાસરસમાં સ્નાન કરનારા દશરથને ખબર પણ નહીં
કે એ ઉલ્લાસનું શમન ધાર્યા કરતાં ઘણાં ઓછા સમયમાં થઇ જવાનું છે. "ન જાણ્યે
જાનકીનાથે સવારે શું થવાનું છે" એ સુપ્રસિદ્ધ કાવ્યપંક્તિ પ્રમાણે રામ અને
સીતાને પણ પોતાના વનગમનની માહિતી ન હતી. સુખથી સંભ્રાંત બનેલો માનવ એ જ સુખના
સમીપવર્તી સંકટને જોઇ શકતો નથી.
રામ,લક્ષ્મણ તથા સીતાને વનમાં જતા જોઇને રાજા દશરથનું હૃદય રડી રહ્યું. એમની
દશા અતિશય કરુણ બની ગઇ. એ અચેત બનીને ધરતી પર ઢળી પડ્યા.
રામ, લક્ષ્મણ તથા સીતાને વનમાં મૂકીને થોડા દિવસ પછી સચિવ સુમંત્રે અયોધ્યામાં
પ્રવેશ કર્યો ત્યારે દશરથે સઘળા સમાચાર સાંભળીને અતિશય શોક દર્શાવ્યો. એમના
દિલમાં દાહ થયો. એમના જીવન પર કાળનો પડદો પડી ગયો. રામના વારંવારના રટણ સાછે
એમણે છેલ્લો શ્વાસ લીધો.
राम राम कहि राम कहि राम राम कहि राम।
तनु परिहरि रघुबर बिरहँ राउ गयउ सुरधाम ॥
જીવાત્માને પરમાત્મા માટે કેવો પરમપવિત્ર પ્રબળ પ્રેમભાવ જોઇએ એનો ખ્યાલ દશરથના
પાત્ર પરથી સારી પેઠે આવી શકે છે. એને પરમાત્મા વિના ગમે જ નહીં અને પરમાત્મા
વિના જીવવાનું મન ના થાય એવા ભૂમિકા આવશ્યક છે.
|