રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મહર્ષિ વાલ્મીકિનો મેળાપ

(અયોધ્યાકાંડ)

 

"જેને જાગતાંસૂતાં આપનું જ શરણ હોય છે; જે પરસ્ત્રીને માતા માને છે ને પરધનને વિષ બરાબર સમજે છે; બીજાની સંપત્તિથી હરખાય છે ને વિપત્તિથી દુઃખી થાય છે, તેમના મન તમારાં શુભ ઘર છે."

- મહર્ષિ વાલ્મીકિ

 

< Back | Ayodhya Kand | Next >

       

વનમાં વિચરતી વખતે રામ, લક્ષ્મણ, સીતાને મહર્ષિ વાલ્મીકિનાં દર્શનનો લાભ મળ્યો. વાલ્મીકિએ એમનો આશ્રમમાં લઇ જઇને સમુચિત સત્કાર કર્યો અને આશીર્વાદ આપ્યા. એને વર્ણવતી વખતે તુલસીદાસજીએ મહર્ષિ વાલ્મીકિને માટે બિપ્રબર શબ્દનો પ્રયોગ કર્યો છે તે ખાસ ધ્યાન ખેંચે છે.

 

मुनि कहुँ राम दंडवत कीन्हा। आसिरबादु बिप्रबर दीन्हा ॥

 

મહર્ષિ વાલ્મીકિના પરિચયનો પ્રત્યક્ષ ને સુદ્રઢ પાયો એ સમય દરમિયાન નંખાયો હોય એવું લાગે છે.

મહર્ષિનો એ પરિચય પ્રગાઢ બન્યો અને આગળ પર આશીર્વાદરૂપ ઠર્યો. છેવટનાં વરસોમાં રામના આદેશાનુસાર સીતાને વનમાં તમસા નદીના પવિત્ર તટપ્રદેશ પર છોડી દેવામાં આવી ત્યારે મહર્ષિ વાલ્મીકિ એને એમના સમીપસ્થ શાંત એકાંત આશ્રમે લાવેલા. એમણે એને આશ્રય આપેલો. લવ અને કુશને સ્વચરિત રામાયણના ગાનમાં પારંગત કર્યા પછી એમને અને સીતાને રામસભામાં રામની પાસે લાવનારા પણ એ જ હતા.

એમનુ રચેલું રામાયણ વિદ્વાનો તથા સામાન્ય જનસમાજમાં સુપ્રસિદ્ધ છે.

મહર્ષિ વાલ્મીકિ સાથેનો રામનો વાર્તાલાપ મહર્ષિના ઉદગારોને લીધે ચિરસ્મરણીય બન્યો છે. એ ઉદગારો કવિની અસામાન્ય કવિત્વશક્તિના સૂચક છે. રામ મહર્ષિ વાલ્મીકિને પોતાને રહેવા માટેના કોઇક સુયોગ્ય સાનુકૂળ સ્થળ વિશે પૂછે છે. એ પશ્નને નિમિત્ત બનાવીને મહર્ષિ જણાવે છે કેઃ

"આપના યશરૂપી નિર્મળ માનસરોવરમાં જેમની જીભ હંસિની બનીને આપના ગુણસમુહરૂપી મોતીને ચણે છે તેમના હૃદયમાં વાસ કરો. જેમને કામ, ક્રોધ, મદ કે માન નથી; મોહ-લોભ, ક્ષોભ, રાગદ્વેષ નથી; કપટ-દંભ કે માયા નથી, એમના અંતરમાં વસો."

"જે સૌને પ્રિય ને સૌનું હિત કરનારા છે, સુખદુઃખને તથા સ્તુતિનિંદાને સમાન સમજે છે, વિચાર કરીને સત્ય તથા પ્રિય વચન બોલે છે ને જેને જાગતાંસૂતાં આપનું જ શરણ હોય છે; જે પરસ્ત્રીને માતા માને છે ને પરધનને વિષ બરાબર સમજે છે; બીજાની સંપત્તિથી હરખાય છે ને વિપત્તિથી દુઃખી થાય છે, તેમના મન તમારાં શુભ ઘર છે."

"જે અવગુણને છોડીને સૌના ગુણને ગ્રહણ કરે છે; આપને જ ભરોસે ચાલે છે, કેવળ આપને જ હૃદયમાં ધારે છે, મન વચન કર્મથી આપના જ દાસ છે, એમના હૃદયમાં વાસ કરો."

એ પછી મહર્ષિએ એમને ચિત્રકૂટના પવિત્ર પ્રદેશમાં રહેવાની સૂચના કરી.

મહર્ષિ વાલ્મીકિના એ ઉદગારોમાં આદર્શ ભક્તનું રેખાચિત્ર સમાયેલું છે. ભગવાન એવા ભક્ત કે સાધક પર પોતાની કૃપાવર્ષા વરસાવે છે અથવા એને પોતાનું દેવદુર્લભ દર્શન આપે છે એવી સ્પષ્ટતા એ પ્રત્યુત્તર દ્વારા સારી પેઠે કરાઇ છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer