રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શિવસ્તુતિ અને અન્ય સ્તુતિ વિશે

(રામચરિતમાનસ)

 

રત્નાવલીએ માનવજાતિને એક મહાન લોકોત્તર સંતની, ભક્તની, કવિની, તપસ્વિની, પરમાત્માના પરમ કૃપાપાત્રની ભેટ ધરી. એ સન્નારીની સર્વોત્તમ સર્વશ્રેયસ્કર સેવાભાવનાની સંસ્મૃતિરૂપે, એની પુણ્યવંતી પ્રશસ્તિ માટે એકાદ શ્ર્લોક કે ચરણનું સર્જન થયું હોત તો એમાં કશું અનુચિત જેવું નહોતું.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

કાશી એટલે વિશ્વનાથપુરી.

પ્રાચીનકાળથી એની એવી જ પ્રખ્યાતિ.

સંતશિરોમણી તુલસીદાસજીએ ત્યાં પોતાના જીવનનો બહુમૂલ્ય સમય નિર્ગમન કર્યો અને પાર્થિવ તનુના પરિત્યાગ સમયે ત્યાં જ, આજના અલિઘાટ પાસેના તુલસીઘાટના શાંત નિવાસસ્થાનમાં છેલ્લો શ્વાસ લીધો.

વિશ્વનાથની એ કાશીપુરી તથા સ્વયં વિશ્વનાથ પ્રત્યે એમને અસાધારણ આકર્ષણ, અનુરાગ, આદરભાવ શા માટે ના હોય? એમના પવિત્ર પ્રાણવાન પ્રતિઘોષો રામચરિતમાનસમાં સ્થળે સ્થળે સ્વાભાવિક રીતે જ પડેલા છે. જે રામને ભજે પરંતુ શંકરને ના ભજે એની રામભક્તિ અધૂરી છે, ફળતી નથી. રામને ભજનારે શંકરને ભજવા જ જોઇએ, અને એવી રીતે શંકરના ભક્તે રામ પ્રત્યે પ્રેમાદરભાવ રાખવો જ જોઇએ એવી સુસ્પષ્ટતા એમણે નિર્ભીક રીતે સ્વાનુભવના સુદ્રઢ આધાર પર કરેલી છે. એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે કવિના સમયમાં રામભક્તો અને શિવભક્તો વચ્ચે સાંપ્રદાયિક મતભેદો, વિરોધો, કટુતા કે વૈમનસ્યનું પ્રમાણ વિશેષ હશે. એમની અંદર પારસ્પરિક સંપ, સહયોગ, સહાનુભૂતિ નહિ હોય, કિન્તુ અજ્ઞાનમૂલક નિરર્થક ચડસાચડસી કે તેજોદ્વેષ હશે. પરિણામે પ્રજાને એકત્વના ભાવનાસૂત્રથી સાંધવાનું શક્ય કે સરળ નહિ હોય. એ દ્રષ્ટિએ વિચારતાં, કવિએ પોતાના સમાજના સંશોધક તથા સુધારક તરીકે કાર્ય કરીને અવનવી પ્રરણા પૂરી પાડી છે. ભગવાન રામના અને શંકરના ભક્તોની વચ્ચે આત્મીયતા કેળવવા માટે પ્રાણવાન પથપ્રદર્શન પુરું પાડ્યું છે. કવિની અને એમની રામચરિતમાનસ કવિતાકૃતિની એ શકવર્તી સેવા છે.

કવિએ પોતાનો યુગધર્મ એવી રીતે તો બજાવ્યો જ છે કિન્તુ સાથસાથે સર્વકાળના શાશ્વત ધર્મભાવ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે, રામચરિતમાનસમાં રામ શિવને પૂજે, વખાણે અને શિવ રામને પૂજે, વખાણે. રામ શિવને અને શિવ રામને આરાઘ્ય માને એ સિદ્ધિ કાંઇ નાનીસૂની ના કહેવાય. એમાં સાધકનું શ્રેય સમાયેલું છે.

બાલકાંડના આરંભમાં જ શિવની પ્રશસ્તિનો પરિચય કરાવતા કવિ કહે છે: 

 

भवानीशङ्करौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ ।

याभ्यां विना न पश्यन्ति सिद्धाःस्वान्तःस्थमीश्वरम् ॥

 

 "શ્રદ્ધા અને વિશ્વાસરૂપી શંકરપાર્વતીને વંદુ છું, જેમના અનુગ્રહ સિવાય સિદ્ધપુરુષો પોતાના અંતઃકરણમાં રહેલા ઇશ્વરને જોઇ શકતા નથી."

 

वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणम्

यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते ॥

 

"જ્ઞાનમય, નિત્ય, શંકરસ્વરૂપ સદગુરુને વંદું છું, જેમના આશ્રયને લીધે ચંદ્ર વક્ર હોવા છતાં સર્વત્ર સૌ કોઇનાથી વંદાય છે."

શિવપ્રશસ્તિના એ સદભાવસૂચક ઉદગારો ભગવાન શંકર પ્રત્યેના પરમપ્રેમના અને આદરભાવના સૂચક છે.

સિદ્ધપુરુષો ભગવાન શંકર અને પાર્વતીના પરમાનુગ્રહ વિના પરમાત્મદર્શન નથી કરી શકતા એવું કહીને સૂચવવામાં આવ્યું કે એમની શરણાગતિ અનિવાર્યરૂપે આવશ્યક છે. પ્રશસ્તિના શ્લોકમાં ભવાનીશંકરને શ્રદ્ધાવિશ્વાસ સ્વરૂપ કહ્યાં છે. એનું કારણ શું હોઇ શકે? શ્રદ્ધા અને વિશ્વાસમાં બાહ્ય રીતે, ભાષાની દ્રષ્ટિએ તફાવત હોઇ શકે પરંતુ ભાવનાત્મક રીતે કોઇ પ્રકારનો તફાવત દેખાતો નથી. શ્રદ્ધા અને વિશ્વાસ વસ્તુતઃ એક જ છે, એમ ભવાનીશંકર બાહ્ય રીતે દ્વિવિધ હોવા છતાં તત્વતઃ એક જ છે. જે શંકર છે તે જ ભવાની અને જે ભવાની છે તે જ શંકર છે. પોતાની અમોઘ અભિનયલીલાને અનુસરીને એને માટે એક છે તે જ બે બન્યાં છે અથવા બે સ્વરૂપે પ્રતીત થાય છે. એમની અંતરંગ એકતાને એવી રીતે એ સુંદર સારગર્ભિત શ્ર્લોક દ્વારા સૂચવવામાં આવી છે, કહો કે સિદ્ધ કરવામાં આવી છે.

બાલકાંડના પ્રારંભના પ્રથમ શ્ર્લોક દ્વારા સરસ્વતીની અને વિનાયકની સ્તુતિ કરવામાં આવી છે. વાણી અને વિનાયક બંને જીવનનાં પરમપવિત્ર પ્રેરક પરિબળો.

કવિ પોતાની કલ્યાણકારિણી કવિતાકૃતિને માટે વાણીવિનાયકની સ્તુતિ કરે એ સહેજે સમજી શકાય તેમ છે. શંકર ભગવાનની સ્તુતિ કરે છે એ પણ સમજી શકાય તેમ છે. પોતાને સાધનાત્મક જીવનમાં અવારનવાર આલંબન આપનાર, પ્રબળ શ્રદ્ધાભક્તિથી સુસંપન્ન બનાવનાર, અનુગ્રહ વરસાવનાર, રામદર્શનનો મંગલ માર્ગ દર્શાવનાર પવનસુત હનુમાનની પ્રશસ્તિ કરે છે એ પણ સમુચિત કહેવાય.

 

उद्भवस्थितिसंहारकारिणीं क्लेशहारिणीम्

सर्वश्रेयस्करीं सीतां नतोऽहं रामवल्लभाम् ॥

 

સીતાની અને 'રામનામના ઇશ્વર શ્રીહરિ' ની પ્રશસ્તિ કરી એમને વંદે એ પણ સ્વાભાવિક લાગે છે. એ સૌની સાથે કરાયેલી સદગુરુની સુંદર શબ્દોની સ્તુતિ પણ હૃદયસ્પર્શી છે. એના અનુસંધાનમાં આગળ પર કવિ સંત તથા અસંતને પણ વંદે છે, એ સઘળી વંદના રસપ્રદાયક છે.

એ વિવિધ વંદનાનો આસ્વાદ લેતાં મને એક વિચાર આવ્યો, આજે પણ આવે છેઃ

માનવ મહાન બન્યા પછી પોતાને મહાન બનાવવામાં પરોક્ષ-અપરોક્ષ મદદ કરનારા પોતાનાથી મહાન, જેમને જીવનમાં શકવર્તી સહાયતા પહોંચાડી હોય એવા અસાધારણ આત્માઓને પ્રેમપૂર્વક કૃતજ્ઞભાવે સ્મરે છે, સ્તવે છે અથવા અનુરાગની અંજલિ ધરે છે. સંતશિરોમણી તુલસીદાસના જીવનમાં એક સમય એવો હતો જ્યારે એ સ્ત્રીથી સંમોહિત થયેલા.

ધર્મભાવનાને અનુસરીને એ કોઇ અપરાધ નહોતો. છતાં પણ સંજોગો જ એવા સરજાયા કે એ સંતપુરુષની ધર્મપત્નીએ સદબુદ્ધિથી પ્રેરાઇને એમને મોહનિંદ્રામાંથી જગાડ્યા. એમના પૂર્વસંસ્કારોને લીધે એ તરત જ જાગ્યા. મોહનું રહ્યું સહ્યું અલ્પ આવરણ દૂર થયું અને એમણે રામભક્તિ દ્વારા રામદર્શન માટે સંકલ્પ કરીને સંસારત્યાગ કર્યો. એમની એ પ્રાતઃસ્મરણીયા ધર્મપત્ની રત્નાવલિની સ્મૃતિ કવિના હૃદયમાં રહી જ હશે. તુલસીદાસ ગૃહત્યાગ કરી બહાર નીકળીને તપ્યા, રત્નાવલી ઘરમાં રહીને તપી. એણે પોતાના જીવનના બહુમૂલ્ય કર્તવ્યને જ્ઞાત-અજ્ઞાત રીતે પૂર્ણ કર્યું. માનવજાતિને એક મહાન લોકોત્તર સંતની, ભક્તની, કવિની, તપસ્વિની, પરમાત્માના પરમ કૃપાપાત્રની ભેટ ધરી. એ સન્નારીની સર્વોત્તમ સર્વશ્રેયસ્કર સેવાભાવનાની સંસ્મૃતિરૂપે, એની પુણ્યવંતી પ્રશસ્તિ માટે એકાદ શ્ર્લોક કે ચરણનું સર્જન થયું હોત તો એમાં કશું અનુચિત જેવું નહોતું. કિન્તુ કવિના સમયની સમાજરચના એવી નહિ હોય જે કવિને એવા કૃતજ્ઞભાવના પ્રદર્શનની પ્રેરણા પૂરી પાડે. રત્નાવલીએ તુલસીને તુલસીદાસ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો તોપણ એ અંધારામાં જ રહી ગઇ.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer