|
વંદન, સ્તવન કે પ્રણામનો વિષય નીકળ્યો છે ત્યારે બીજી એક અગત્યની વાત પ્રત્યે
અંગૂલિનિર્દેશ કરી લઉં. સંસારમાં ધાર્મિક, આધ્યાત્મિક અને ઇતરવિષયક
સાહિત્યકૃતિઓ અસંખ્ય રચાઇ છે. પરંતુ એવી સાહિત્યકૃતિ ભાગ્યે જ મળશે - અરે એવી
સાહિત્યની ઉક્તિ પણ ભાગ્યે જ સાંપડશે જેમાં સજ્જનની સાથે દુર્જનને અને
સંતપુરુષની સાથે સાથે અસંતને વંદવામાં આવ્યા હોય. એને માટે ખૂબ જ વિશાળતા,
તટસ્થતા, પ્રભુપરતા જોઇએ. અસંત અથવા દુર્જનને મોટે ભાગે નીંદવામાં,
તિરસ્કારવામાં, ઉપેક્ષાની નજરે નિહાળવામાં આવે છે. એમની પ્રશસ્તિની વાત તો દૂર
રહી, એમને યાદ કરીને મોં બગાડવામાં આવે છે. રામચરિતમાનસના કૃતાર્થ કવિ એમાં
વિરલ, અસાધારણ અપવાદરૂપ છે. એમણે એમની આગવી રીતે ગાયું છેઃ
बहुरि बंदि खल गन सतिभाएँ । जे बिनु काज दाहिनेहु बाएँ ॥
पर हित हानि
लाभ जिन्ह केरें । उजरें हरष बिषाद बसेरें ॥
"હવે
હું દુષ્ટોના સમૂહને સાચા ભાવથી વંદન કરું છું. એ કોઇ પણ કારણ વિના પોતાનું હિત
કરનારાનું પણ અહિત કરે છે. એમને બીજાના હિતની હાનિમાં લાભ લાગે છે, બીજાનું
ઉજ્જડ કરવામાં હર્ષ થાય છે ને બીજાની ઉન્નતિમાં ખેદ કે વિષાદ."
बंदउँ संत असज्जन चरना । दुखप्रद
उभय बीच कछु बरना ॥
बिछुरत एक प्रान हरि लेहीं । मिलत एक दुख दारुन देहीं
॥
"હું
સંત અને અસંત બંનેના ચરણોમાં વંદન કરું છું. બંને દુઃખદાયક હોવા છતાં એમનામાં
થોડોક ફેર છે. સંતપુરુષ છૂટા પડે છે તો પ્રાણને હરી લે છે અને અસંત અથવા દુર્જન
મળે છે તો દારુણ દુઃખ આપે છે."
કેટલી સરસ કલ્પના અને એની અભિવ્યક્તિની ભાષા પણ કેટલી બધી અસરકારક અને ભાવવાહી?
खल परिहास होइ हित मोरा । काक कहहिं कलकंठ कठोरा ॥
हंसहि बक दादुर
चातकही । हँसहिं मलिन खल बिमल बतकही ॥
"દુષ્ટોના
હસવાથી મારું હિત જ થશે. મધુર કંઠવાળી કોયલને કાગડાઓ કઠોર જ કહેશે. બગલા હંસની
અને દેડકા ચાતક પક્ષીની હાંસી કરે છે તેમ મલિન મનના દુર્જનો વિમળ વાણીનો ઉપહાસ
કરે છે."
जड़ चेतन जग जीव जत सकल
राममय जानि ।
बंदउँ सब के पद कमल सदा जोरि जुग पानि ॥
"જગતના
જડચેતન સઘળા જીવોને રામમય જાણીને સૌના ચરણકમળમાં હું બંને હાથ જોડીને વંદું
છું."
કવિની એક આગવી વિશેષતા છે. એ વિશેષતા કવિતાનું તટસ્થ સુસૂક્ષ્મ અવલોકન કરવાથી
સહેજે સમજી શકાય છે. કવિ દુર્જનને અથવા અસંતને વંદે છે ખરા પરંતુ પાછળથી આકરા
શબ્દપ્રયોગો દ્વારા એમની આલોચના કરવામાં કે ખબર લેવામાં પણ બાકી નથી રાખતા.
એનું એક તર્કસંગત કારણ કદાચ એ પણ હોઇ શકે કે એમને એવા દુર્જનો દ્વારા એમના
જીવનકાળ દરમ્યાન ખૂબખૂબ સોસવું પડેલું. એક વાર તો કાશી ત્યાગ પણ કરવો પડેલો.
એટલે એમના પ્રત્યેના મીઠા આક્રોશથી પ્રેરાઇને એમના વાસ્તવિક સ્વરૂપને શબ્દાંકિત
કરવામાં એ પાછી પાની નથી કરતા કે સંકોચ નથી અનુભવતા. એમને એ યથાર્થ રીતે ઓળખાવે
છે. એવા ઉપરથી એવી છાપ પડવાનો સંભવ છે કે કવિની આરંભની દુર્જનવંદના વ્યંગાત્મક
કે શિષ્ટાચાર પૂરતી છે. પરંતું ખરેખર તેવું નથી. કવિ દુર્જનની વંદના તો સાચા
ભાવથી પ્રેરાઇને જ કરે છે છતાં પણ એમના સ્વરૂપનું ચિત્રણ કરવાનું પોતાનું
કર્તવ્ય સમજીને અવસર આવ્યે એને યથાર્થ રીતે પૂરું કરે છે. એ ચિત્રણ કોઇકને
કાંઇક અંશે કટુ લાગે તોપણ કવિનું હૃદય તો કટુતાથી મુક્ત જ છે. કવિ પરમાત્માના
પરમકૃપાપાત્ર ભક્ત કે સાચા સર્વોત્તમ સત્પુરુષ હોવાથી એમનામાં એવી કટુતા
સ્વપ્ને પણ ના હોઇ શકે. નહોતી.
દુર્જનનો એમનો શાબ્દિક પરિચય સંક્ષેપમાં આ પ્રમાણે છેઃ
हरि हर जस राकेस राहु से । पर अकाज
भट सहसबाहु से ॥
जे पर दोष लखहिं सहसाखी । पर हित घृत जिन्ह के मन माखी ॥
"વિષ્ણુ
તથા શંકરના સુયશરૂપી પૂર્ણિમાના ચંદ્રને માટે જે રાહુરૂપ છે, બીજાનું બૂરું
કરવામાં હજાર હાથવાળા યોદ્ધા જેવા છે;
બીજાના દોષને હજાર આંખે જુએ છે અને બીજાના હિતરૂપી ઘીને બગાડવા માટે જેમનું મન
માખી જેવું છે."
तेज
कृसानु रोष महिषेसा । अघ अवगुन धन धनी धनेसा ॥
उदय केत सम हित सबही के । कुंभकरन
सम सोवत नीके ॥
"જે
દુષ્ટોનું તેજ
અગ્નિ જેવું છે, જેમનો ક્રોધ અગ્નિ સરખો અસહ્ય છે. જે પાપ અને દુર્ગુણના ધનથી
કુબેર જેવા ધનવાન છે;
જેમનો ઉદય સૌ કોઇના નાશ માટે થાય છે;
જે કુંભકર્ણની પેઠે સદા સૂતા રહે એમાં જ કલ્યાણ છે."
पर अकाजु लगि तनु परिहरहीं । जिमि हिम उपल कृषी दलि गरहीं
॥
बंदउँ खल जस सेष सरोषा । सहस बदन बरनइ पर दोषा ॥
"હિમ
પાકનો નાશ કરીને નાશ પામે છે તેમ દુર્જન બીજાનું બગાડવા માટે પોતાના પ્રાણનો પણ
ત્યાગ કરે છે. હું દુષ્ટ લોકોને શેષનાગ સમાન સમજીને વંદુ છું. તે બીજાના દોષોને
રોષે ભરાઇને હજારો વદનથી વર્ણવે છે."
पुनि प्रनवउँ पृथुराज
समाना । पर अघ सुनइ सहस दस काना ॥
"એમને
પૃથુરાજ માનીને પ્રણામ કરું છું, તે બીજાના પાપને દસ હજાર કાનથી સાંભળે છે.
તેમને ઇન્દ્રની પેઠે મદિરાપાન પ્રિય લાગે છે. કઠોર વચનરૂપી વજ્ર સદા ગમે છે. તે
બીજાના દોષને હજાર આંખેથી જુએ છે."
उदासीन
अरि मीत हित सुनत जरहिं खल रीति ।
"દુષ્ટોની
રીત
જ એવી
હોય છે કે તે ઉદાસીન,
શત્રુ કે મિત્ર કોઇનું પણ હિત સાંભળીને બળી જાય છે." |