રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રચનાની વિશિષ્ટતા

(રામચરિતમાનસ)

 

રામચરિતમાનસ કેવળ પારાયણગ્રંથ, પૂજાગ્રંથ કે પ્રવચનગ્રંથ નથી. એની શોભાયાત્રા, કથા કે પધરામણીથી પરિતૃપ્તિ નથી પામવાની. એ તો જીવનગ્રંથ છે. રટવાનો નહિ, જીવવાનો ગ્રંથ છે. ગ્રંથો કેવળ પ્રશસ્તિ, પારાયણ, પ્રવચન કે પૂજાનાં સાધન બનવાને બદલે આચારનાં માધ્યમ બનવા જોઇએ.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસની રસમય રચના રામચરણકમલાનુરાગી સ્વનામધન્ય તુલસીદાસે પોતાના જીવનના ઉત્તરકાળમાં કરી. એંસી વરસની વયમર્યાદા વટાવ્યા પછી. એ દરમિયાન દુનિયાના અનેકવિધ શુભાશુભ, અનુકૂળ-પ્રતિકૂળ, વિરોધાભાસી અવુભવો કર્યા. ગૃહત્યાગના સીમાચિન્હસરખા સંક્રાતિસમય પછી ચિત્રકૂટ જેવા એકાંત પવિત્ર પર્વતપ્રદેશમાં વસીને, સર્વસંગપરિત્યાગી બનીને, રામદર્શન માટે કઠોર સાધના કરી. રામના અસાધારણ અલૌકિક અનુગ્રહને અનુભવવા આધ્યાત્મિક અનુશાસન અથવા અભ્યાસક્રમનો અનવરત રીતે આધાર લીધો. વિવેકસ વિરતિ, શ્રદ્ધાભક્તિથી પ્રેરાઇને તપઃપૂત આરાધના આદરી. મંથન પછી માખણ મળે તથા તીખા તાપ પછી વરસાદ વરસે એમ એમને રામકૃપાની સનાતન સુધા સાંપડી. તપશ્ચર્યા સફળ બનતાં કૃતકૃત્યતાનો અભિલષિત વરસાદ વરસ્યો. જીવન શાંત, મુક્ત, ધન્ય બન્યું. રામદર્શનથી કૃતાર્થ થયું. એ પછીથી સુદીર્ઘ સમયે રામચરિતમાનસની રચના થઇ. રામચરિતમાનસ પાછળ એકલી વિદ્વત્તા, એકલું શાસ્ત્રાધ્યયન, પરિશીલન, દેહદમન નથી. કવિની કેવળ કલ્પનાકળા કે નૈસર્ગિક જન્મજાત પ્રતિભા પણ કામ નથી કરતી. અસામાન્ય શૈલી કે નિરૂપણશક્તિ પણ નથી સમાઇ. એની પાછળ તો સાધના છે. તત્વવિચાર નથી કિન્તુ તત્વદર્શન છે. પરમાત્માનો અસીમ અનુગ્રહ એટલે રામચરિતમાનસમાં આટલી શક્તિ છે. અખૂટ પ્રેરણા છે. શાંતિની સામગ્રી છે. પ્રતીતિ છે. કેવળ કવિતા નથી, આરાધના છે. જીવનસાધના અને એની સિદ્ધિની રૂપરેખા કે છાયા છે. કવિ કેવળ શબ્દોનો શિલ્પી, કલ્પનાનો કળાકાર નહીં પરંતુ તત્વદર્શી બને છે, અને કવિતા નથી રચતો પરંતુ એની દ્વારા કવિતા રચાઇ જાય છે, ત્યારે એની અંદરથી કેવી કળાત્મકતા અને સંજીવનીશક્તિ પ્રાદુર્ભાવ પામે છે તેની કલ્પનાત્મક પ્રતીતિ કરવી હોય તો રામચરિતમાનસ પરથી કરી શકાશે. તુલસીદાસે એ કૃતિ દ્વારા વરસોથી મૂંગે મોંઢે અથવા અજ્ઞાત રીતે અસંખ્ય આત્માઓને અનુપ્રાણિત કર્યા છે. પ્રકાશ પહોંચાડ્યો છે, શાંતિ બક્ષી છે, પથપ્રદર્શન કર્યું છે. રાજપુરુષો, કથાકારો, કેળવણીકારો, પ્રખર પ્રવક્તાઓ અને સાહિત્યસ્વામીઓ જે નથી કરી શક્યા તે એક રામચરિતમાનસની રચના કરીને કર્યું છે. એ શું દર્શાવે છે? એ જ કે માનવે પોતાની જાતનું નવનિર્માણ કરવાની, પોતાને પ્રભુમય બનાવવાની, શક્તિ પેદા કરવાની આવશ્યકતા છે. એ પછી એની એક જ કૃતિ, રચના કે ઉક્તિ અન્યને માટે કલ્યાણકારક બનશે. એની સંકલ્પશક્તિ, પ્રવૃતિ કે ઉપસ્થિતિ શ્રેયસ્કર ઠરશે.

પુષ્પ પોતે પરિમલથી પરિપ્લાવિત બને એટલે પરિમલ આપોઆપ પ્રસરશે. દીપક પ્રકાશિત થાય એટલે પ્રકાશ આપોઆપ ફેલાશે. સરિતા સલીલવંતી બનશે એટલે અન્યને સલિલ ધરશે. બીજાને કાંઇક ચિરસ્થાયી, અમર, આવશ્યક, આશીર્વાદરૂપ આપી જવા માટે એની પૂર્વતૈયારીરૂપે, માનવે તપવું, સહવું, પરમાત્માપરાયણ બનવું પડશે, સ્વયં જ્યોતિર્મય થવું પડશે.

રામચરિતમાનસ અને એના રચયિતા કવિવરનો એ શાંત છતાં શાશ્વત સંદેશ છે.

કેટલાંક વિદ્વાનો કે વિચારકો શ્રીમદ ભાગવતને મહર્ષિ વ્યાસ દ્વારા સમાધિદશામાં રચાયેલો ગ્રંથ માને છે. એની દ્વારા શું અભિપ્રેત છે એ તો એ જ જાણે, પરંતુ એના અનુસંધાનમાં બીજી રીતે આપણે કહી શકીએ કે રામચરિતમાનસ રામના પરમકૃપાપાત્ર, રામપ્રેમપરિપ્લાવિત પ્રાણવાળા ભક્તકવિનો ભાવગ્રંથ છે. એની રચના પરમાત્મપ્રેમના પ્રેરક પરિબળની મદદથી પ્રેમની પરિભાષામાં થયેલી છે. એને સંપૂર્ણપણે સમજવા અથવા એનો આસ્વાદ અનુભવવા પરમાત્માના પ્રેમ અને વિશ્વાસથી સમલંકૃત થવાની આવશ્યકતા છે.

રામચરિતમાનસનાં ઠેરઠેર પારાયણો થાય છે, નવાહ્નનો ચાલે છે, પ્રવચનો યોજાય છે, પૂજન કરાય છે, એની શોભાયાત્રા નીકળે છે. આરતી ઉતરે છે. એવી રીતે એ મહાન લોકોપયોગી કલ્યાણકારક ગ્રંથરત્ન તરફ સામાન્ય જનસમાજનું ધ્યાન આકર્ષાય છે એ સારું છે પરંતુ એટલું પર્યાપ્ત નથી. રામચરિતમાનસ કેવળ પારાયણગ્રંથ, પૂજાગ્રંથ કે પ્રવચનગ્રંથ નથી. એનુ પૂજન ગમે તેવા પૂજ્યભાવે કરાતું હોય તોપણ પર્યાપ્ત નથી. એની શોભાયાત્રા, કથા કે પધરામણીથી પરિતૃપ્તિ નથી પામવાની. એ તો જીવનગ્રંથ છે. રટવાનો નહિ, જીવવાનો ગ્રંથ છે. એની ચોપાઇઓને અને એના દોહાઓને કંઠસ્થ કરીને કે ગાઇને ઇતિકર્તવ્યતા માનીને બેસી નથી રહેવાનું, એમાંથી પ્રેરણા મેળવીને એને જીવવા અથવા આત્મસાત કરવા તૈયાર થવાનું, સર્વ કાંઇ કરી છૂટવાનું છે. ત્યારે જ એ જીવનઉપયોગી બનશે ને જીવનમાં પવિત્ર પરિવર્તન પેદા થશે. સમાજમાં રામચરિતમાનસ આટલું બધું વંચાય કે વિચારાય છે તોપણ જરૂરી જીવનપરિવર્તન થાય છે ખરું? પોતાના અને અન્યના ઉત્કર્ષમાં માનનારે એ પશ્ન ખાસ પૂછવા જેવો છે. ગ્રંથો કેવળ પ્રશસ્તિ, પારાયણ, પ્રવચન કે પૂજાનાં સાધન બનવાને બદલે આચારનાં માધ્યમ બનવા જોઇએ.

રામચરિતમાનસ જેવા મહામૂલ્યવાન ગ્રંથરત્નની રચના એવા જ હેતુથી કરવામાં આવી છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer