રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પરંપરાગત પ્રવાહ

(રામચરિતમાનસ)

 

રામચરિતમાનસ પ્રબોધ પેદા કરવા તથા પરમાત્મપ્રેમ પ્રગટાવવા, પરિપુષ્ટ કરવા માટે જ છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસનો પુણ્યપ્રવાહ ભક્તકવિ તુલસીદાસથી પ્રાદુર્ભાવ પામ્યો એવું કવિ પોતે કહેતા નથી. કવિનું મંતવ્ય કંઇક અંશે એવું છે કે રામકથા અનાદિ છે. અતિશય પ્રાચીન છે. પરંપરાથી ચાલી આવે છે. રામજન્મ પણ પ્રત્યેક યુગમાં થયા કરે છે. રામલીલાનો પણ અંત નથી. પ્રત્યેક યુગમાં એનો અભિનય પોતાની વિશિષ્ટ રીતે થયા કરે છે. રામકથાની પરંપરા પોતાના સુધી કેવી રીતે પહોંચી તે દર્શાવતા સંતશિરોમણી તુલસીદાસે ગાયું છેઃ  

 

जागबलिक जो कथा सुहाई । भरद्वाज मुनिबरहि सुनाई ॥
कहिहउँ सोइ संबाद बखानी । सुनहुँ सकल सज्जन सुखु मानी

 

"જે કથા મહર્ષિ યાજ્ઞવલ્ક્યે મુનિવર ભારદ્વાજને સંભળાવેલી તે કથા હું સંવાદ સાથે વર્ણવું છું. સૌ સજ્જનો તેને સુખપૂર્વક સાંભળો." 

 

संभु कीन्ह यह चरित सुहावा । बहुरि कृपा करि उमहि सुनावा ॥
सोइ सिव कागभुसुंडिहि दीन्हा । राम भगत अधिकारी चीन्हा ॥

 

"શંકર ભગવાને સુંદર રામચરિત્ર રચીને કૃપા કરીને ઉમાને સંભળાવ્યું. તે ચરિત્ર શંકરે કાકભુશુંડિને પરમ રામભક્ત અને અધિકારી જાણીને પ્રદાન કર્યું."

 

तेहि सन जागबलिक पुनि पावा । तिन्ह पुनि भरद्वाज प्रति गावा ॥
ते श्रोता बकता समसीला । सवँदरसी जानहिं हरिलीला ॥

 

"કાકભુશુંડિ દ્વારા એ ચરિત્ર યાજ્ઞવલ્ક્ય મુનિને મળ્યું. એમણે ભારદ્વાજને સંભળાવ્યું. એ શ્રોતાવક્તા સમાન શીલવાળા, સમદર્શી તથા પ્રભુની લીલાને જાણનારા હતા."

 

जानहिं तीनि काल निज ग्याना । करतल गत आमलक समाना ॥

औरउ जे हरिभगत सुजाना । कहहिं सुनहिं समुझहिं बिधि नाना ॥

 

"પોતાના જ્ઞાનથી તે ત્રણે કાળને હાથમાં રાખેલા આમળાની જેમ જાણી શકતા. બીજા પણ વિદ્વાન હરિભક્તો એ કથાને અનેક રીતે કહે છે, સાંભળે છે અને સમજે છે."

એ કથાની પ્રાપ્તિ પોતાને કેવી રીતે થઇ એના રહસ્યનું ઉદઘાટન કરતાં કવિ એના અનુસંધાનમાં લખે છેઃ

 

मै पुनि निज गुर सन सुनी कथा सो सूकरखेत ।

समुझी नहि तसि बालपन तब अति रहेउँ अचेत ॥

 

 "એ કથાને મેં મારા ગુરુ પાસેથી વારાહક્ષેત્રમાં સાંભળેલી. એ વખતે મારી બાલ્યાવસ્થા હોવાથી હું તેને સારી પેઠે સમજી ના શક્યો."

 

तदपि कही गुर बारहिं बारा । समुझि परी कछु मति अनुसारा ॥

भाषाबद्ध करबि मैं सोई । मोरें मन प्रबोध जेहिं होई ॥

 

"તોપણ ગુરુએ તે કથાને વારંવાર કહી ત્યારે મારી બુદ્ધિના મર્યાદામાં રહીને હું એને થોડીક સમજી શક્યો. એ જ કથાને હવે હું ભાષાબદ્ધ કરી રહ્યો છું જેથી મારા મનમાં પ્રબોધ પેદા થાય."

કવિ આગળ કહે છે કે -

 

निज संदेह मोह भ्रम हरनी । करउँ कथा भव सरिता तरनी

बुध बिश्राम सकल जन रंजनि । रामकथा कलि कलुष बिभंजनि ॥

 

"એ કથા વ્યક્તિગત સંદેહ, મોહ, ભ્રમને દુર કરનારી અને સંસારસરિતાને તરવા માટે નૌકારૂપ છે. વિદ્વાનોને આરામ આપનારી, સૌનું રંજન કરનારી અને કલિકાળનાં પાપો કે દોષોનો નાશ કરનારી છે."

એ બધાં અવતરણો પરથી સ્પષ્ટ થાય છે કે કથાનું આધુનીકરણ કવિનું છે. ભાષા, શૈલી, નિરુપણ એમનું છે. ચરિત્ર પુરાતન છે. પ્રસંગો મોટે ભાગે પરંપરાગત છે. ક્યાંક ક્યાંક સંશોધન સંવર્ધનવાળા. કવિની કળાની એ દ્વારા કસોટી થઇ છે. એમની કવિતાશક્તિ, સૂઝબૂઝ એરણ પર ચઢી છે. એમાં એ સફળતાસહિત પાર ઉતર્યા છે. એના પરિણામે એમનો રહ્યો સહ્યો સંદેહ, મોહ અને ભ્રમ તો મટ્યો જ હશે; અન્યનો પણ મટ્યો છે, મટે છે અને મટશે. એમને માટે એ સંસારસરિતાની નૌકા બની તેમ અન્ય અનેકને માટે બની છે, બને છે અને બનશે. વિદ્વાનોને માટે વિશ્રામરૂપ, સકળ જનસમાજને આનંદ આપનારી, કલિકાળનાં કિલ્મિષમાંથી મુક્તિ ધરનારી સિદ્ધ થઇ છે, થાય છે અને થશે એમાં સંદેહ નથી.

એની રચનાથી કવિને તો પ્રબોધની પ્રાપ્તિ થઇ જ હશે, પરંતુ એનો લાભ લેનારાને પણ પ્રબોધ સાંપડ્યો હશે, સાંપડ્યો છે અને સાંપડશે.

રામચરિતમાનસ પ્રબોધ પેદા કરવા તથા પરમાત્મપ્રેમ પ્રગટાવવા, પરિપુષ્ટ કરવા માટે જ છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer