રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પાર્વતીનું પાત્ર

(રામચરિતમાનસ)

 

પાર્વતીને રામની પરીક્ષા કરવા માટે સીતાનો કપટવેશ લેતી બતાવવામાં પાર્વતીનું પરંપરાગત સમાજસુપ્રસિદ્ધ ગૌરવ નથી સચવાતું. એ જગજ્જનની એક અતિસામાન્ય શંકાશીલ સ્વભાવની ભ્રાંતિવશ સ્ત્રી હોઇ શકે એવું માનવા માટે મન તેયાર થતું નથી.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસમાં માતા પાર્વતીના મહાન પ્રાણવાન પાત્રને જે રીતે રજૂ કરાયું છે તે રીત અનોખી અને કરુણ છે.

પાર્વતી તથા શંકરને શ્રદ્ધા વિશ્વાસરૂપ માનીને કવિ આરંભમાં વંદન કરે છે. પાર્વતી જગદંબાસ્વરૂપ છે. રામને વનમાં વિલોકીને અને શંકરને એમની સ્તુતિ કરતા જોઇને પાર્વતીને સંદેહ થાય છે. સીતાના હરણ પછી રામ વિરહથી વ્યથિત થઇને સીતાને શોધવા નીકળે છે ત્યારે શિવપાર્વતીને માર્ગમાં એમનો મેળાપ થાય છે. ત્યારે શિવ દ્વારા રામની ભગવાનરૂપે કરાયેલી સ્તુતિનો મર્મ પાર્વતી સમજી શકતાં નથી. શંકરની સૂચનાનુસાર તે રામની પરીક્ષા કરવા તૈયાર થઇને સીતાના સ્વરૂપને ધારણ કરે છે. પરંતુ રામની પાસે પહોંચ્યા પછી રામ એમને તરત જ ઓળખી કાઢે છે ને પૂછે છે કે વનમાં આમ એકલા કેમ ફરો છો ? શંકર ક્યાં છે ? એ સાંભળીને પાર્વતી સ્ત્રીસહજ સંકોચ તથા લજ્જા પામે છે. એ એકાંત અરણ્યમાંથી રામની પાસેથી પાછા ફરે છે ત્યારે શંકરના પૂછવા છતાં પણ પોતાના કપટવેશની - રામચરિતમાનસના શબ્દપ્રયોગ પ્રમાણે - અને બીજી કથાને કહેતા નથી. એવું કહીને કવિએ માતા પાર્વતીના પાત્રને પ્રમાણમાં અતિસામાન્ય સ્તર પર લાવી મૂક્યું છે, અને અસત્યભાષણ કરતું બતાવ્યું છે. ભગવાન શંકર પણ, પોતાની આજ્ઞા અથવા અનુમતિથી પાર્વતીએ રામની કસોટી કરી હોવાં છતાં, એના પ્રત્યે પૂર્વની પેઠે પ્રેમ પ્રદર્શાવતા નથી. એ પણ ભગવાન આશુતોષ શંકરની પેઠે સહૃદયતાથી તથી ઉદારતાથી વર્તવાને બદલે એને અપરાધિની તરીકે અવલોકે છે. પરિણામે પાર્વતીને પોતાનું જીવન અકારું લાગે છે.

એ પછી દક્ષ પ્રજાપતિના યજ્ઞના અને એમાં પાર્વતીએ કરેલા દેહત્યાગની કથા આરંભાય છે. પાર્વતીની પેલી પરીક્ષાકથા શ્રોતઓને કે વાચકોને કદાચ આનંદ આપતી હશે પરંતુ પ્રસન્નતાપ્રેરક, આદર્શ, અભિનંદનીય નથી લાગતી. પ્રતીતિકારક પણ નથી પૂરવાર થતી. ભક્તકવિ તુલસીદાસે રામના દિવ્ય મહિમાને દર્શાવવા અથવા રામની મહાનતાની ઝાંખી કરાવવા એ પ્રસંગ યોજ્યો હોય તોપણ, એમ કરતાં શંકર તથા પાર્વતી બંનેના પાત્રોને સાવ સામાન્ય બનાવી દીધા. અતિસામાન્ય સ્તર પર પહોંચાડી દીધાં છે. રામનું ગૌરવ વધારવા જતાં જાણ્યે-અજાણ્યે શંકર પાર્વતીના ગૌરવને ઘટાડ્યું છે. એમના લોકોત્તર વ્યક્તિત્વને અકારણ અસાધારણ અન્યાય કર્યો છે. એકને વિરાટ તરીકે વર્ણવતી વખતે બીજાં બે વિરાટને વામન રૂપે અંકિત કર્યા છે. શંકર પાર્વતીના પ્રેમી કે પ્રશંસકોને એવું ચિત્રણ ભાગ્યે જ ગમશે.

સંસારના સામાન્ય સુવિચારશીલ સુવિશાળ હૃદયના માનવો પણ પોતાની પત્ની કોઇક ભૂલ કરી બેસે તો વિશાળ હૃદયે ક્ષમા કરે છે. તો આ તો ભગવાન શંકર. એમનો પાર્વતી પ્રત્યેનો વ્યવહાર ઉત્તમ કે પ્રશસ્ય નથી લાગતો. પાર્વતીને પણ રામની પરીક્ષા કરવા માટે સીતાનો કપટવેશ લેતી બતાવવામાં પાર્વતીનું પરંપરાગત સમાજસુપ્રસિદ્ધ ગૌરવ નથી સચવાતું. એ જગજ્જનની એક અતિસામાન્ય શંકાશીલ સ્વભાવની ભ્રાંતિવશ સ્ત્રી હોઇ શકે એવું માનવા માટે મન તેયાર થતું નથી.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer