|
ભારતીય સંસ્કૃતિ જન્માંતરમાં માને છે કે વિશ્વાસ ધરાવે છે. વર્તમાન જીવન જ
એકમાત્ર આદિ અને અંતિમ જીવન છે એવું એ નથી માનતી. હિમાલયની આકાશને આલિંગનારી
ઉત્તુંગ પર્વતપંક્તિને પંખીને કેટલીકવાર એવું લાગે છે કે હવે એની પાછળ કોઇ
પર્વત જ નહીં હોય. પરંતુ આગળ વધતાં અન્ય અનેક પર્વતપંક્તિઓને પેખી શકાય છે.
પર્વતોનો એ વિસ્તાર અનંત હોય તેવું અનુભવાય. એ જ વાત પ્રકારાંતરે જન્માંતરના
વિષયને લાગુ પડે છે. રામચરિતમાનસના બાલકાંડમાં એની પુષ્ટિ કરવામાં આવી છે.
શિવપાર્વતીના, દેવર્ષિ નારદના અને પ્રતાપભાનુના પ્રસંગો એનું સુખદ સમર્થન કરે
છે. એમના અનુસંઘાનમાં એક બીજો પ્રસંગ પણ જોવા મળે છે. મનુ અને શતરૂપાનો પ્રસંગ.
એ પ્રસંગ દ્વારા નિશ્શંક રીતે જણાવવામાં આવ્યું છે કે મનુ અને શતરૂપા જ એમના
જન્માંતરમાં મહારાજા દશરથ અને કૌશલ્યા રૂપે જન્મેલાં.
મનુ અને શતરૂપાના પ્રસંગને કવિએ ખૂબ જ સફળતાપૂર્વક, રોચક રીતે રજૂ કર્યો છે.
होइ न बिषय बिराग भवन बसत भा चौथपन ।
हृदयँ बहुत दुख लाग
जनम गयउ हरिभगति बिनु ॥
"ઘરમાં
રહેતા ઘડપણ આવ્યું તોપણ વિષયો પર વૈરાગ્ય ના થયો ત્યારે મનુને મનમાં અતિશય દુઃખ
થયું કે હરિની ભક્તિ સિવાય માનવજન્મ જતો રહ્યો."
बरबस राज सुतहि तब दीन्हा । नारि समेत गवन बन
कीन्हा ॥
"પુત્રને
પરાણે રાજ્ય સોંપીને એમણે એમની સન્નારી શતરૂપા સાથે વનગમન કર્યું."
द्वादस अच्छर मंत्र पुनि जपहिं सहित अनुराग ।
बासुदेव पद
पंकरुह दंपति मन अति लाग ॥
"નૈમિષારણ્યના
પવિત્ર તીર્થપ્રદેશમાં રહીને
'ૐ
નમો ભગવતે વાસુદેવાય'
એ દ્વાદશાક્ષર મંત્રનો પ્રેમપૂર્વક જાપ કરતાં ભગવાન વાસુદેવના ચરણકમળમાં તે
બંનેનું મન જોડાઇ ગયું."
प्रभु सर्बग्य दास निज जानी । गति अनन्य तापस नृप रानी ॥
मागु मागु
बरु भै नभ बानी । परम गभीर कृपामृत सानी ॥
"સર્વજ્ઞ
પ્રભુએ અનન્ય ભાવે પોતાના શરણે આવેલાં એ પરમતપસ્વી રાજારાણીને પોતાનાં ભક્ત
જાણીને પરમગંભીર કૃપારૂપી અમૃતરસથી છલેલી આકાશવાણી દ્વારા જણાવ્યું કે વરદાન
માગો."
મનુ તથા શતરૂપાએ પ્રભુના દિવ્ય દર્શનની માંગણી કરી એટલે પ્રભુએ એમની સમક્ષ
પ્રગટ થઇને કોઇક બીજા વરદાનને માગવા માટે આદેશ આપ્યો.
મનુએ અતિશય સંકોચ સાથે પ્રભુના જેવા પુત્રની માંગણી કરી. શતરૂપાને પૂછતાં તેણે
તે માગણીનું સમર્થન કર્યું અને આગળ પર કહ્યું કે તમારા પોતાના ભક્તો જે સુખ
પામે છે ને જે ગતિને મેળવે છે તે જ સુખ, તે જ ગતિ, તેવી ભક્તિ તમારાં ચારુ
ચરણોનો તેવો પ્રેમ,તેવું જ્ઞાન અને તેવી રહેણીકરણી અમને આપો.
મનુએ જણાવ્યું કે મણિ વિના સર્પ અને પાણી વિના માછલી રહી શકતી નથી તેમ મારું
જીવન તમારે આધીન રહો. તમારાં ચરણોમાં મારી પ્રીતિ પુત્ર પર પિતાની પ્રીતિ હોય
તેવી થાય. ભગવાને એમની માગણીને માન્ય રાખીને જણાવ્યું કે તમારી સઘળી ઇચ્છા પૂરી
થશે. હવે તમે દેવરાજ ઇન્દ્રની રાજધાનીમાં જઇને વસો. ત્યાં ભોગવિલાસ કરીને
કેટલોક કાળ પસાર કર્યા પછી તમે અયોધ્યાના રાજા થશો ને હું તમારો પુત્ર થઇશ.
तहँ करि भोग
बिसाल तात गउँ कछु काल पुनि ।
होइहहु अवध भुआल तब मैं होब तुम्हार सुत ॥
इच्छामय नरबेष सँवारें । होइहउँ प्रगट निकेत तुम्हारे ॥
अंसन्ह सहित
देह धरि ताता । करिहउँ चरित भगत सुखदाता ॥
"હું
ઇચ્છામય માનવશરીર ધારીને તમારે ત્યાં પ્રાદુર્ભાવ પામીશ. હે તાત, હું મારા અંશ
સાથે દેહને ધારીને ભક્તોને સુખ આપનારાં ચરિત્રો કરીશ."
आदिसक्ति जेहिं जग उपजाया । सोउ अवतरिहि मोरि यह माया
॥
"જેણે
જગતને ઉત્પન્ન કર્યું છે તે આદિ શક્તિ અથવા મારી માયા પણ મારી સાથે અવતાર ધારણ
કરશે."
એમ કહીને ભગવાન અંતર્ધાન થયા. એમના જણાવ્યા પ્રમાણે કાળાંતરે મનુ તથા શતરૂપાએ
અમરાપુરીમાં વાસ કરીને રાજા દશરથ અને કૌશલ્યારૂપે જન્મ ધારણ કર્યો ત્યારે
ભગવાને રામ રૂપે અને એમની માયાએ સીતારૂપે જન્મ લીધો. મનુ અને શતરૂપાની એ કથા
રામજન્મના કારણને દર્શાવવા માટે કહેવામાં આવી છે. એ કથા જેમ જન્માંતરનું અથવા
પુનર્જન્મનું સમર્થન કરે છે તેમ ભગવાનનાં દર્શનની ભાવનાનું અને ભગવાનના અવતારના
આદર્શનું પણ પ્રતિપાદન કરે છે. અવતારની ભાવના રામાયણકાળ જેટલી જૂની છે એનું
પ્રતિબિંબ વાલ્મીકિ રામાયણમાં પણ પડેલું જોવા મળે છે. |