|
રામચિતમાનસના કલ્યાણકવિએ રામને આરંભથી જ ઇશ્વરના અવતાર તરીકે અંકિત કર્યા છે.
રામ ઇશ્વર છે એવી એમની શ્રદ્ધાભક્તિ અનુભૂતિમૂલક સુદ્રઢ માન્યતા છે. બાલકાંડના
પ્રારંભમાં જ મંગલાચરણના સારગર્ભિત સરસ શ્લોકમાં એ માન્યતા પ્રત્યે
અંગુલિનિર્દેશ કરતાં એમણે ગાયું છે કે સમગ્ર વિશ્વ, બ્રહ્માદિ દેવો અને અસુરો
જેમની માયાને વશ છે, જેમની સત્તાથી સમગ્ર જગત રજ્જુમાં સર્પની ભ્રાંતિની પેઠે
સત્ય જણાય છે અને સંસારસાગરને તરવાની ઇચ્છાવાળાને જેમનાં ચરણ એકમાત્ર નૌકારૂપ
છે, તે સર્વે કારણોથી પર રામનામના ઇશ્વર શ્રીહરિને હું વંદુ છું.
यन्मायावशवर्तिं
विश्वमखिलं ब्रह्मादिदेवासुरा
यत्सत्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः
।
यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं
रामाख्यमीशं हरिम् ॥
વાલ્મીકિ રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ આરંભમાં રામને એક અખિલ અવની મંડળના
સર્વગુણસંપન્ન સુયોગ્ય પુરુષ તરીકે વર્ણવીને પાછળથી પરમપુરુષ, પરમાત્મા અથવા
પુરુષોત્તમરૂપે આલેખ્યા છે. સંતશિરોમણિ તુલસીદાસે રામચિતમાનસમાં રામને બદલે
પ્રભુ શબ્દનો પ્રયોગ ખૂબ જ મુક્ત રીતે, છૂટથી કર્યો છે. તે સુંદર શબ્દપ્રયોગ
એમની રામ પ્રત્યેની અસાધારણ શ્રદ્ધાભક્તિનો અને સુદ્રઢ માન્યતાનો સૂચક છે.
અગત્યની ચિત્તાકર્ષક પરમ ઉલ્લેખનીય વાત તો એ છે કે એ શબ્દપ્રયોગ અવારનવાર થયો
હોવા છતાં પણ કવિની કાવ્યરચનામાં ક્યાંય ક્લિષ્ટતા કે કૃત્રિમતા નથી લાગતી.
કવિતારચનામાં એ શબ્દપ્રયોગ સહજ રીતે જ ભળી ગયો છે.
રામાયણના મહાત્મયમાં જણાવ્યું છે કે ત્રેતાયુગના પ્રારંભમાં પ્રગટેલા વાલ્મીકિ
મુનિએ જ કલિયુગમાં તુલસીદાસ રૂપે અવતાર લીધેલો.
वाल्मीकि मुनि जो भये त्रोतायगके द्वार ।
सो अब इहि कलिकालमें लिये तुलसी अवतार ॥
તુલસીદાસ વિશેના એ ઉદગારોમાં કશી અતિશયોક્તિ નથી દેખાતી. એ ઉદગારો સંપૂર્ણ સાચા
લાગે છે. સંતશિરોમણિ તુલસીદાસ તથા મહામુનિ વાલ્મીકિ ઉભય ઇશ્વરદર્શી ઋષિ છે અને
રામને ઇશ્વર માને છે. મહર્ષિ વાલ્મીકિ પછી વરસો પછી પ્રગટીને સંતશિરોમણિ
તુલસીદાસે રામભક્તિપ્રસારનું ને જીવનશુદ્ધિનું અમુલખ કલ્યાણકાર્ય કરી બતાવ્યું.
એમણે રામકથાના રૂપમાં વરસોની દેશકાળાતીત સનાતન પરબ પ્રસ્થાપી. મંગલ
માર્ગદર્શિકાને મૂકી. મહામૂલ્યવાન મૂડી ધરી. એમની નિર્ભયતા ઓછી નહોતી. એમણે
ભાષાની પરંપરાગત પૂજાપદ્ધતિને પસંદ કરવાને બદલે, એને ગૌણ ગણીને, સંસ્કૃતને બદલે
લોકભાષામાં રામાયણની રચના કરી. એની પાછળ અસાઘારણ હિંમત, આત્મબળ, સમયસૂચકતા તથા
લોકાનુકંપા રહેલી. એ લોકોને માટે, બહુજનસમાજને માટે કાવ્યરચના કરવા માંગતા હતા.
એટલે એમને પરંપરાની પૂજા પોસાય તેમ નહોતી. એ આર્ષદ્રષ્ટા હતા. એમનું આર્ષદર્શન
સફળ થયું. એમની રામકથાએ વાલ્મીકિ કરતાં અધિક લોકપ્રિયતાને પ્રાપ્ત કરી. અધિક
કલ્યાણકાર્ય કરી બતાવ્યું. એ પંડિતોની ઇજારાશાહી બનવાને બદલે જનસાધારણની
પ્રેરણાદાત્રી સંજીવની બની. એનું એક અગત્યનું કારણ એની ભાષા પણ.
રામને ઇશ્વરના અવતાર તરીક વર્ણવતા કવિને કશો સંકોચ થતો નથી. કવિ એમના
પ્રાગટ્યને સહજ રીતે જ વર્ણવે છે.
नौमी तिथि मधु मास
पुनीता । सुकल पच्छ अभिजित हरिप्रीता ॥
"પવિત્ર
ચૈત્રમાસ, શુકલ પક્ષ, નવમી અને હરિને પ્રિય અભિજિત મુહુર્ત."
सुर समूह बिनती करि पहुँचे
निज निज धाम ।
जगनिवास प्रभु प्रगटे अखिल लोक बिश्राम ॥
"દેવો
પ્રાર્થના કરીને પોતપોતાના ધામમાં પહોંચ્યા. સૌને શાંતિ અર્પનારા જગતના નિવાસ
પ્રભુ પ્રકટ થયા."
અને
भए
प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी ।
માતા કૌશલ્યાએ ભગવાનની સ્તુતિ કરી. એમણે કહ્યું કે આ અલૌકિક રૂપને તજીને
સામાન્ય રૂપ ધારીને તમે અતિપ્રિય બાળલીલા કરો. એથી મને અનુપમ સુખાનુભવ થશે. એ
સ્તુતિ તથા પ્રાર્થનાને સાંભળીને ભગવાને બાળસ્વરૂપ ધારીને રડવા માંડ્યું કવિ
કહે છે કે ભગવાનનું શરીર દિવ્ય અને સ્વેચ્છાએ બનેલું છે. એમણે વિપ્ર, ગાય, દેવ
તથા સંતના મંગલ માટે મનુષ્યાવતાર લીધો છે. એ માયાથી, એના ગુણથી તથા ઇન્દ્રિયોથી
અતીત છે.
बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज
अवतार ।
निज इच्छा निर्मित तनु माया गुन गो पार ॥
એમનાં ચરિત્ર પણ કવિના કથન પ્રમાણે અલૌકિક હતાં.
ब्यापक अकल अनीह अज निर्गुन नाम न रूप ।
भगत हेतु नाना बिधि करत
चरित्र अनूप ॥
"સર્વવ્યાક,
અકળ, ઇચ્છારહિત, અજન્મા, નિર્ગુણ, નામરૂપથી રહિત ભગવાન ભક્તોને માટે અનેક
પ્રકારનાં અનુપમ ચરિત્રો કરે છે.
રામને માટે કવિ એવી અવતારમૂલક મંગલમયી માન્યતા ધરાવતા હોય ત્યારે એમની કવિતામાં
વિવિધ પ્રસંગોના નિરુપણ અથવા આલેખન સમયે એનો પ્રતિઘોષ પડે એ સ્વાભાવિક છે.
રામચરિતમાનસના પ્રસંગોના સંબંધોમાં એ હકિકત સાચી ઠરે છે. તુલસીદાસજીએ રામને
માટે વારંવાર પરમપૂજ્ય ભાવસૂચક પ્રભુ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ પ્રયોગ એટલો
બધો છૂટથી મુક્ત રીતે કરવામાં આવ્યો છે કે વાત નહીં. એ એમની રામ પ્રત્યેની
વિશિષ્ટ ભાવનાને પ્રદર્શાવે છે.
જે હકિકત રામને લાગુ પડે છે તે સીતાને પણ લાગુ પડે છે. સીતાને પણ તે પરમાત્માની
મહામાયાના, પરમશક્તિના પ્રતીકસમી સમજે છે અને રામચરિતમાનસમાં પ્રસંગોપાત્ત એવા
રીતે આલેખે છે.
|