રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિશ્વામિત્ર મુનિનો પુણ્યપ્રવેશ

(બાલ કાંડ)

 

"સીતાની અલૌકિક શોભા જોઇને મારા પવિત્ર મનને સ્વભાવથી જ ક્ષોભ થાય છે. તેનું કારણ તો વિધાતા જાણે. રઘુવંશીનો એવો સહજ સ્વભાવ હોય છે કે એમનું મન કદી કુમાર્ગે પગ મૂકતું નથી. મને મારા મનનો પૂરો વિશ્વાસ છે. એણે સ્વપ્નમાં પણ પરસ્ત્રીને નથી જોઇ."

- શ્રી રામ

 

< Back | Bal Kand | Next >

       

રામના કૌમાર્યકાળ દરમિયાન એક અગત્યનો પ્રસંગ બની ગયો. રામચરિતમાનસમાં કહ્યા પ્રમાણે એક દિવસ મહામુનિ વિશ્વામિત્રે વિચાર્યુ કે પ્રભુએ અવતાર લીધો છે. એમના સિવાય રાક્ષસોનો સંહાર નહીં થઇ શકે. માટે એમનું દેવદુર્લભ દર્શન કરીને એમને મારા આશ્રમમાં લઇ આવું.

એ અયોધ્યા પહોંચ્યા.

દશરથે એમનું સાદર સપ્રેમ સ્વાગત કર્યું. મુનિને સુયોગ્ય સેવાકાર્ય બતાવવા જણાવ્યું. મુનિએ રાક્ષસોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા રામ તથા લક્ષ્મણની માંગણી કરી.

 

देहु भूप मन हरषित तजहु मोह अग्यान ।

धर्म सुजस प्रभु तुम्ह कौं इन्ह कहँ अति कल्यान ॥

 

"હે રાજા, મોહ અને અજ્ઞાનને છોડીને મનમાં હર્ષ પામીને મેં જે માગ્યું છે તે આપ. તને ધર્મ તથા યશની પ્રાપ્તિ થશે અને એમનુ પરમકલ્યાણ."

રાજા દશરથને માટે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર મુનિને સોંપવાનું કાર્ય એટલું સહેલું નહોતું. રાજાને મુનિની વાણી 'અતિ અપ્રિય' લાગી. પરંતુ મહામુનિ વશિષ્ઠે સમજાવવાથી એ માની ગયા.

વિશ્વામિત્ર મુનિએ એમને માર્ગમાં બલા તથા અતિબલા વિદ્યા શીખવી. એ વિદ્યાના પ્રભાવથી ભૂખતરસ ના લાગતી અને બળ તથા તેજનો પ્રવાહ અખંડ રહેતો.

 *

મિથિલાનગરીમાં જનકરાજા સીતાના સ્વયંવરના ઉપલક્ષમાં ધનુષયજ્ઞ કરી રહેલા. વિશ્વામિત્ર મુનિ રામલક્ષ્મણને મિથિલાનગરીમાં લઇ ગયા. માર્ગમાં ગૌતમમુનિની સ્ત્રી અહલ્યાનો ઉદ્ધાર થયો.

મિથિલાનગરીમાં રામ અને સીતાનો પ્રથમ પરિચય અતિશય આહલાદક છે. રામચરિતમાનસના કવિની કવિતાકળા એ પરિચયપ્રસંગે અને એ પછી સફળ બનીને સુચારુરૂપે ખીલી ઉઠી છે.

સીતાની શોભાને નિહાળીમે રામ સુખ પામ્યા. એ વિશ્વામિત્ર મુનિની અનુજ્ઞાથી લક્ષ્મણ સાથે રાજા જનકના ઉદ્યાનમાં પુષ્પો લેવા માટે આવેલા. સીતા ત્યાં પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં સરવરતટ પર આવેલા માતા પાર્વતીના મંદિરનાં દર્શનપૂજન માટે આવેલી. એવી રીતે એ બંનેનો મેળાપ થયો. અલબત્ત ખૂબ જ દૂરથી. એ મેળાપ અદભૂત હતો. રામના મન પર એ મેળાપની કેવી અસર થઇ એ ખાસ જાણવા જેવું છે. એમણે સીતાના સ્વરૂપને નિહાળીને આશ્ચર્ય, આનંદ, આકર્ષણનો અનુભવ તો કર્યો જ પરંતુ સાથેસાથે લક્ષ્મણને જણાવ્યું કેઃ

"જેને માટે ધનુષયજ્ઞ થાય છે તે જ આ જનકપુત્રી સીતા છે. સખીઓ એને ગૌરીપૂજન માટે લાવી છે. તે ફૂલવાડીને પ્રકાશિત કરતી ફરે છે."

"એની અલૌકિક શોભા જોઇને મારા પવિત્ર મનને સ્વભાવથી જ ક્ષોભ થાય છે. તેનું કારણ તો વિધાતા જાણે. મારું શુભદાયક જમણું અંગ ફરકે છે."

"રઘુવંશીનો એવો સહજ સ્વભાવ હોય છે કે એમનું મન કદી કુમાર્ગે પગ મૂકતું નથી. મને મારા મનનો પૂરો વિશ્વાસ છે. એણે સ્વપ્નમાં પણ પરસ્ત્રીને નથી જોઇ."

 

रघुबंसिन्ह कर सहज सुभाऊ । मनु कुपंथ पगु धरइ न काऊ ॥

मोहि अतिसय प्रतीति मन केरी । जेहिं सपनेहुँ परनारि न हेरी ॥

 

રામના એ ઉદગારો એમના અંતઃકરણની ઉદાત્તતાના પરિચાયક છે. એમનું સીતાને માટેનું આકર્ષણ અત્યંત નૈસર્ગિક અને અસામાન્ય હોવા છતાં એ કેટલા બધા જાગ્રત છે તેની પ્રતીતિ કરાવે છે. એ માનવસહજ આકર્ષણના પ્રવાહમાં વહી જતા નથી પરંતુ એનું તટસ્થ રીતે અવલોકન અથવા પૃથ્થકરણ કરી શકે છે. એમના વિશદ વ્યક્તિત્વના એ નોંધપાત્ર વિશેષતાને કવિ સફળતાપૂર્વક સરસ રીતે રજૂ કરી શક્યા છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer