રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

રામના દર્શનની પ્રતિક્રિયા

(બાલ કાંડ)

 

સીતાના સ્વયંવરમાં ધનુષ્યભંગ માટે રામ પધાર્યા ત્યારે જુદાજુદા માનવો પર તેની પ્રતિક્રિયા કેવી થઇ, તેનું આલેખન કંસના નાશ માટે ગયેલા ભગવાન કૃષ્ણનાં દર્શનની જુદીજુદી વ્યક્તિઓ પર પડેલી પ્રતિક્રિયાનું સ્મરણ કરાવે છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

સીતાના સ્વયંવરમાં ધનુષ્યભંગ માટે રામ પધાર્યા ત્યારે તેમનું સ્વરૂપ જુદાજુદા જનોને કેવું લાગ્યું, જુદાજુદા માનવો પર તેની પ્રતિક્રિયા કેવી થઇ, તેનું આલેખન રામચરિતમાનસમાં ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. એ આલેખન કંસના નાશ માટે ગયેલા ભગવાન કૃષ્ણનાં દર્શનની જુદીજુદી વ્યક્તિઓ પર પડેલી પ્રતિક્રિયાનું સ્મરણ કરાવે છે. શ્રીમદ ભાગવતના દશમા સ્કંધમાં એ પ્રતિક્રિયાને વર્ણવવામાં આવી છે. રામચરિતમાનસના વર્ણન સાથે એ વર્ણન સરખાવવા જેવું છે.

"બળરામ સાથે રંગમંડપમાં પ્રવેશેલા કૃષ્ણને મલ્લોએ વજ્રસમા, નરોમાં નરોત્તમ જોવા જોયા. સ્ત્રીઓએ મૂર્તિમાન કામદેવ જેવા. ગોપોએ સ્વજન જેવા, રાજાઓએ શાસક અધિનાયક જેવા, બાળકોએ માતાપિતા જેવા, કંસે મૃત્યુસરખા, વિદ્વાનોએ વિરાટ જેવા, યોગીઓએ પરમતત્વ જેવા અને વૃષ્ણીવંશીઓએ સર્વશ્રેષ્ઠ દેવતા હરિ સરખા જોયા."

રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છેઃ 

 

जिन्ह कें रही भावना जैसी । प्रभु मूरति तिन्ह देखी तैसी ॥

 

"જેની જેવી ભાવના હતી તેણે તે વખતે પ્રભુની મૂર્તિનું દર્શન કર્યું."

"મહારણધીર રાજાઓએ વીરરસે પોતે જ શરીર ધારણ કર્યું હોય તેવું પ્રભુનું રૂપ જોયું, પ્રભુની ભયંકર આકૃતિને નિહાળી કુટિલ રાજાઓ ડરી ગયા. પાછળથી છળથી રાજાઓનો વેશ ધરીને રહેલા અસુરોએ પ્રભુને પ્રત્યક્ષ કાળસમાન જોયા. નગરજનોને બંને બંધુઓ મનુષ્યોના અલંકારરૂપ અને નેત્રોને સુખદાયક દેખાયા."

 

नारि बिलोकहिं हरषि हियँ निज निज रुचि अनुरूप ।

जनु सोहत सिंगार धरि मूरति परम अनूप ॥

 

"સ્ત્રીઓ હૈયામાં હર્ષાન્વિત બનીને પોતપોતાની રુચિ અનુસાર જાણે શૃંગારરસ જ પરમ અનુપમ મૂર્તિ ધરીને શોભી રહ્યો હોય તેમ જોવા લાગી."

"વિદ્વાનોએ પ્રભુને વિરાટ સ્વરૂપે જોયા. એમને અનેક મુખ, પગ, નેત્રો અને મસ્તકો હતાં. જનકનાં કુટુંબીઓને સગાંસંબંઘી જેવા પ્રિય દેખાયા. જનક સાથે રાણીઓ પ્રભુને પોતાના બાળકની પેઠે જોવા લાગી."

 

जोगिन्ह परम तत्वमय भासा । सांत सुद्ध सम सहज प्रकासा

 

"યોગીઓને એ શાંત શુદ્ધ, સમ, સહજ પ્રકાશરૂપ, પરમ તત્વમય લાગ્યા."

"હરિભક્તોએ બંને બંધુને સર્વસુખપ્રદાયક ઇષ્ટદેવસમાન જોયા. સીતાએ જે ભાવથી રામને નિહાળ્યા તે ભાવ, સ્નેહ તથા સુખ કહી શકાય તેમ નથી."

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer