|
રામ જેવી રીતે પોતાના સન્મિત્ર સુગ્રીવનો પક્ષ લઇને વાલિનો નાશ કર્યો તેવી રીતે
બીજા કોઇનો નાશ કર્યો નથી. રામકથાના રસિકો કહે છે કે રામ જેવા પરમપ્રતાપી પુરૂષ
માટે કોઇ જ નૈતિક નિયમો નથી, દોષ નથી.
समरथको नहीं दोष गोसांइ
એ જે ચાહે તે કરે. એને કોઇ પ્રકારનું બંધન નથી. ના હોય. એ જે વખતે જે યોગ્ય
લાગે તે કરતો હોય છે.
જો કે રામને માટે એ કથન સંપૂર્ણપણે લાગુ ન પાડી શકાય. રામ મર્યાદા પુરુષોત્તમ
કહેવાતા. ધર્મ અને નીતિની પરંપરાગત પ્રસ્થાપિત મર્યાદામાં રહીને જીવન ચલાવતા.
એટલે ફાવે તેવું ના કરી શકે. વગર
વિચાર્યે જડની પેઠે પગલાં ના ભરે. એમનાં પગલાં પ્રથમથી માંડીને છેવટ સુધી
ગણતરીપૂર્વકનાં જ હોય.
રામે વાલિને વૃક્ષની ઓથે રહીને મારવાને બદલે યુદ્ધવિદ્યાના એ વખતના નિયમ
પ્રમાણે યુદ્ધ દરમિયાન સામે રહીને, એને શક્તિ અનુસાર સામનો કરવાનો અવસર આપીને
માર્યો હોત તો એ કાર્ય ઉત્તમ લેખાત. પરંતુ રામે એનો પીઠ પાછળ ઘા કરીને નાશ
કરવાનું સમુચિત ધાર્યું. એમનું એ કાર્ય એ મર્યાદા પુરુષોત્તમ હોવાથી સદાને માટે
ને કેટલાંક લોકોમાં ટીકાપાત્ર બન્યું.
વાલિએ પોતે પોતાના પ્રતિભાવને પ્રગટ કરતાં કહ્યું કે
धर्म हेतु अवतरेहु गोसाई। मारेहु मोहि ब्याध की नाई ॥
मैं बैरी सुग्रीव पिआरा। अवगुन कबन नाथ मोहि मारा ॥
'તમે
ધર્મની રક્ષા માટે અવતર્યા છો તોપણ મને શિકારીની પેઠે છુપાઇને માર્યો. મને વેરી
અને સુગ્રીવને મિત્ર માન્યો. મને ક્યા દુર્ગુણને લીધે માર્યો ?'
રામે જણાવ્યું કે, 'હે
શઠ! નાના ભાઇની સ્ત્રી, પુત્રની સ્ત્રી, બેન તથા કન્યા ચારે સમાન છે. એમને
કુદ્રષ્ટિથી જોનારાને મારવામાં પાપ નથી. મૂઢ, તેં અતિશય અભિમાનને લીધે તારી
સ્ત્રીની શિખામણ સામે ધ્યાન આપ્યું નહીં સુગ્રીવને મારા બાહુબળનો આશ્રિત જાણીને
પણ હે અધમ, અભિમાની તું એને મારવાને માટે તૈયાર થયો.'
એ શબ્દો દ્વારા રામે વાલિનો અપરાધ કહી બતાવ્યો પરંતુ
'મને
શિકારીની પેઠે માર્યો'
એવી વાલિની વાતનો સંતોષકારક ખુલાસો ના કર્યો. પોતાના પ્રત્યુત્તરમાં રામ આ
મુદ્દાને સ્પર્શ્યા જ નહીં. એ કહી શક્યા હોત કે તારા જેવા નરાધમને વ્યાઘની પેઠે
મારવા-મરાવવામાં પણ દોષ નથી. પરંતુ એમની આદર્શ ધર્મમર્યાદાનું શું ? એમણે કહી
હોત તે જ ધર્મમર્યાદા અથવા એનો સમયોચિત અવસરાનુરૂપ વ્યક્તિગત અપવાદ?
એના જ અનુસંધાનમાં એક બીજી વાત કહો કે વિસ્મૃત વાત. રામે સુગ્રીવ સાથે મૈત્રી
સ્થાપીને એને સર્વ પ્રકારે સહાયતા પહોંચાડવાની પ્રતિજ્ઞા કરી. સુગ્રીવની કથા
સાંભળી. એને સમય પર વાલિ સાથે લડવા મોકલ્યો. એ બધું બરાબર, કિન્તુ એમણે વાલિની
વાતને સાંભળી જ નથી. આદર્શ પુરૂષ કે મિત્ર તરીકે મિત્રની વાત કે લાગણીથી દોરવાઇ
જવાને બદલે, વાલિની વાતને સાંભળવાનું એમનું કે કોઇનું પણ કર્તવ્ય લેખાય. એમણે
વાલિનો સંપર્ક સાધીને, એની સાથે વાતચીત ગોઠવીને એને સમજાવવાનો પ્રયત્ન કરીને,
દુર્ગુણમુક્ત કરીને, બંને બંધુઓ વચ્ચે પારસ્પરિક પ્રતિ કે સદભાવના સ્થાપવાની
કોશિશ કરી હોત તો એવી કોશિશ આવકારદાયક અને સ્તુત્ય ગણાત. એવી કોશિશ નિષ્ફળ જતાં
છેવટે યુદ્ધનો માર્ગ રહેત. સુગ્રીવને એને માટે ભલામણ કરાત. સુધરવાનો જેવો અવસર
એમણે પાછળથી રાવણને આપ્યો એવો અવસર વાલિને આપ્યો જ નથી. પોતાના તરફથી એવો કશો
પ્રયત્ન નથી કર્યો. એને સુધારવાની વાત જ વિસરાઇ ગઇ છે.
એમ તો રાજ્યને પામ્યા પછી સુગ્રીવ પણ રામને ભૂલી, પ્રતિજ્ઞાને વિસરીને
ભોગવિલાસમાં ડૂબી ગયેલો. તોપણ એમણે એને સુધરવાનો કે જાગ્રત બનવાનો અવસર આપ્યો.
વાલિ એવો અવસરથી વંચિત રહ્યો. નહિ તો બંને બંધુઓ કદાચ મિત્રો બનીને રામના પડખે
ઉભા રહ્યા હોત.
એ દ્રશ્ય કાંઇ અનોખુ જ હોત.
રામકથાનો પ્રવાહ વધારે વિમળ અને વિશાળ બન્યો હોત.
|