|
શત યોજન અર્ણવને ઓળંગે કોણ ? વાનરવીરોને માટે એ પ્રશ્ન ભારે અટપટો થઇ પડ્યો.
જાંબવાને જણાવ્યું કે હું હવે વૃદ્ધ થયો છું મારા શરીરમાં પહેલાં જેવું બળ નથી
રહ્યું. વામન અવતારમાં બલિને બાંધતી વખતે પ્રભુ એટલા બધા વધ્યા હતા કે તેમના
શરીરનું વર્ણન ન થાય. મેં બે ઘડીમાં દોડીને એ શરીરની સાત પ્રદક્ષિણા કરેલી.
દધિમુખે જણાવ્યું કે હું સત્યાશી યોજન દોડી શકું છું.
અંગદે કહ્યું કે હું સમુદ્રને પાર કરી શકું પરંતુ પાછા આવવામાં સહેજ સંશય રહે
છે.
હનુમાન એ સઘળો વાર્તાલાપ શાંતિથી બેસીને સાંભળી રહેલાં. એમને જાંબવાને જણાવ્યું
કે હે બળવાન હનુમાન, તમે શા માટે મૂંગા બનીને બેસી રહ્યા છો ? તમે પવનપુત્ર છો.
બળમાં પવનસમાન છો. બુદ્ધિ, વિવેક, વિજ્ઞાનની ખાણ છો. જગતમાં એવું ક્યું કઠિન
કાર્ય છે જે તમારાથી ના થઇ શકે ? તમારો અવતાર રામના કાર્યને માટે જ થયેલો છે.
राम काज लगि तब अवतारा
। सुनतहिं भयउ पर्वताकारा ॥
એ શબ્દોએ હનુમાનના અંતરાત્મામાં શક્તિસંચાર કર્યો. પરવત જેવા વિશાળકાય બની ગયા.
એ બોલ્યા કે હું ખારા સમુદ્રને રમતમાત્રમાં ઓળંગી શકું. સહાયકો સહિત રાવણને અને
ત્રિકૂટ પર્વતને લાવી શકું.
એ વારંવાર સિંહનાદ કરવા લાગ્યા.
જાંબવાને એમને સીતાને મળીને એમના સમાચાર લાવવા જણાવ્યું ને કહ્યું કે રામ પોતે
રાક્ષસોનો નાશ કરીને સીતાને પાછી મેળવશે.
પ્રત્યેક આત્મા એવી રીતે અલૌકિક છે. અસાઘારણ યોગ્યતા કે શક્તિથી સંપન્ન છે. એની
અલૌકિકતા અજ્ઞાત અથવા દબાયેલી હોવાથી એ દીનતા, હીનતા, પરવશતાને અનુભવે છે.
અવિદ્યારૂપી અર્ણવને પાર કરવાની શ્રદ્ધાને ખોઇ બેઠો છે. અશાંત છે. એને જાંબવાન
જેવા સમર્થ સ્વાનુભવસંપન્ન સદગુરૂ સાંપડે તો એમના સદુપદેશથી એ એના વાસ્તવિક
સચ્ચિદાનંદ સ્વરૂપને સમજે અને જાણે કે હું શુદ્ધ
બુદ્ધ
મુક્ત છું. મોહરહિત છું. એની સુષુપ્ત આત્મશક્તિ, ચેતના ઝંકૃત બનીને જાગી ઉઠે.
પછી તો એ હનુમાનની પેઠે સુદુસ્તર સુવિશાળ સંમોહ
સાગરને પાર કરવા કટિબદ્ધ બને. શાંતિરૂપી સીતાનો સંસર્ગ સાધે. કૃતસંકલ્પ કે
કૃતકૃત્ય બને.
હનુમાનની એ કથા એવો સારગર્ભિત જીવનોપયોગી સંદેશ પૂરો પાડે છે.
|