|
સમુદ્ર પર સેતુના રમણીય રચના પૂરી થઇ.
રામ એ સરસ સેતુરચનાથી પ્રસન્ન થયા.
એમણે એ ચિરસ્મરણીય સુખદ ભૂમિમાં શિવલિંગને સ્થાપીને પૂજા કરી.
વિષ્ણુ તથા શંકર તત્વતઃ બે નથી પરંતુ એક જ છે. કેટલાક કટ્ટર ઉપાસકો એમને
અજ્ઞાનને લીધે અલગ માને છે અને એમની વચ્ચે ભેદભાવ રાખે છે. રામચરિતમાનસના
કલ્યાણકવિ ભેદભાવની એ દુર્ભેદ્ય દિવાલને દૂર કરીને સાંપ્રદાયિક સંકીર્ણતામાં
સપડાયેલા સમાજને એમાંથી મુક્ત કરીને સમાજની શક્તિ વધારવાની દિશામાં અતિશય
ઉપયોગી અગત્યનું શકવર્તી કલ્યાણકાર્ય કરી બતાવ્યું છે. સમાજમાંથી સાંપ્રદાયિક
વૈમનસ્યને હઠાવવા માટે એમણે ઉપયોગી ફાળો પ્રદાન કર્યો છે. એને માટે એમને જેટલાં
પણ અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. લંકાકાંડના આરંભમાં એમણે રામના શ્રીમુખમાં વચનો
મુક્યાં છેઃ
सिव समान प्रिय मोहि न दूजा ॥
सिव द्रोही मम भगत कहावा। सो नर सपनेहुँ मोहि न पावा ॥
संकर बिमुख भगति चह मोरी। सो नारकी मूढ़ मति थोरी ॥
"શંકર સમાન મને બીજું કોઇ પ્રિય નથી. શંકરનો દ્રોહી થઇને જે મારો ભક્ત કહેવડાવે
છે તે મનુષ્ય મને સ્વપ્નમાં પણ નથી પામતો. જે શંકરથી વિમુખ બનીને મારી ભક્તિ
ઇચ્છે છે તે નરકમાં જનારો, મૂઢ અને મંદ બુદ્ધિવાળો છે."
संकर प्रिय मम द्रोही सिव द्रोही मम दास।
ते नर करहि कलप भरि धोर नरक महुँ बास ॥
"જે
શંકરનો પ્રેમી પરંતુ મારો દ્રોહી હોય અને શંકરનો દ્રોહી બનીને મારો દાસ થવા
ઇચ્છતો હોય, તે નર કલ્પો લગી નરકમાં વાસ કરે છે."
जे रामेस्वर दरसनु
करिहहिं। ते तनु तजि मम लोक सिधरिहहिं ॥
जो गंगाजलु आनि चढ़ाइहि। सो साजुज्य मुक्ति
नर पाइहि ॥
"જે
રામેશ્વરનાં દર્શન કરશે તે શરીરને છોડીને મારા લોકમાં જશે. જે ગંગાજળને લાવીને
આની ઉપર ચઢાવશે તે સાયુજ્ય મુક્તિને મેળવીને મારા સ્વરુપમાં મળી જશે."
"જે
છળને છોડી, નિષ્કામ થઇ, રામેશ્વરને સેવશે તેને શંકર મારી ભક્તિ આપશે."
શિવ અને વિષ્ણુના નામે જ નહીં પરંતુ ધર્મ, સંપ્રદાય, સાધના તથા જાતિના નામે
ચાલતા અને ફાલતાફૂલતા સર્વપ્રકારના ભેદભાવોને તથા એમનામાંથી જાગનારી વિકૃતિઓ કે
ઝેરજ્વાલાઓને તિલાંજલિ આપવાની અનિવાર્ય આવશ્યકતા છે. સમાજ એવી રીતે સ્વસ્થ,
સુદ્રઢ, સુસંવાદિ અને શાંતિમય બની શકે.
|