રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અંગદનું દૂતકાર્ય

(લંકાકાંડ)

 

દૂતનું કાર્ય બને તેટલી સ્થિરતા તથા સ્વસ્થતાથી કરવાનું શાંતિપૂર્વકનું કલ્યાણકાર્ય હોય છે. કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની તટસ્થ વિચારશક્તિની અને સત્યલક્ષી મધુમયી વાણીની એને પોતાના કાર્યની સફળતા માટે અનિવાર્ય આવશ્યકતા હોય છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Lanka Kand | Next >

       

પોતાની પાસે સૌથી પ્રથમ પહોંચેલા હનુમાનને અને એ પછી આવેલા અંગદને રાવણ જે પ્રકારે સંબોધે છે તે પ્રકાર લગભગ એકસરખો લાગે છે. રાવણે હનુમાનને "કવન તૈં કીસા", 'હે વાનર, તું કોણ છે?' એવું કહ્યું તો અંગદને "કવન તૈં બંદર" કહ્યું. ઉભયની સાથે કરાયેલો વાર્તાલાપનો એ પ્રકાર સરખાવવા જેવો છે.

અંગદને રામે રાવણ પાસે પોતાના દૂત તરીકે મોકલ્યો. એને જણાવ્યું કે, "મારા કામને માટે લંકામાં જા. તું ખૂબ જ ચતુર છે. શત્રુ સાથે એવી રીતે વાતચીત કરવા કે જેથી આપણું કામ થાય ને તેનું કલ્યાણ સધાય."

દૂતનું કાર્ય બને તેટલી સ્થિરતા તથા સ્વસ્થતાથી કરવાનું શાંતિપૂર્વકનું કલ્યાણકાર્ય હોય છે. કોઇપણ પ્રકારના પૂર્વગ્રહ વગરની તટસ્થ વિચારશક્તિની અને સત્યલક્ષી મધુમયી વાણીની એને પોતાના કાર્યની સફળતા માટે અનિવાર્ય આવશ્યકતા હોય છે. રામચરિતમાનસને વાંચવાથી પશ્ન ઉદભને કે અંગદનું કાર્ય આદર્શ દૂતકાર્ય છે ખરું ? એનું કાર્ય આરંભથી જ ભારેલા અગ્નિને ચેતાવવાનું અથવા વાઘના મોંમા હાથ નાખવાનું છે. એનો મિજાજ લડાયક લાગે છે. એ વિવાદ કે ઘર્ષણ ઘટાડવાને બદલે વધારવાની પ્રવૃતિ કરી રહ્યો છે. એની અંદર દૂતનો આદર્શ લક્ષણોનો અભાવ છે. રામ દ્વારા એની દૂત તરીકેની પસંદગી યથાર્થ રીતે નથી થઇ, અથવા બીજી રીતે, વધારે સારા શબ્દોમાં કહીએ તો કવિ દ્વારા એની દૂત તરીકેની પાત્રતા કે પ્રવૃતિ સુયોગ્ય રીતે રજૂ નથી થઇ.

અંગદ આરંભ જ વિનોદ, આક્ષેપ, અવહેલનાથી કરે છે. એ બાબતમાં એ રાવણ કરતાં લેશ પણ ઉતરતો નથી દેખાતો. રાવણને શાંતિથી, મીઠાશથી સમજાવવાનો પ્રયાસ કરવાને બદલે એ વાર્તાલાપના શરૂઆતના તબક્કામાં જ એવી ભળતી અને કડવી વાત કરે છે કે જે રાવણને વધારે ઉગ્ર બનાવે.

 

दसन गहहु तृन कंठ कुठारी। परिजन सहित संग निज नारी ॥

सादर जनकसुता करि आगें। एहि बिधि चलहु सकल भय त्यागें ॥

 

"દાંતમાં તણખલું અને કંઠમાં કુહાડી લઇને, કુટુંબીજનોને તથા તારી સ્ત્રીઓને લઇને, સીતાને સન્માનપૂર્વક આગળ કરીને, સર્વ ભયને છોડીને ચાલ."

"હે શરણાગતનું પાલન કરનારા રઘુવંશમણિ રામ, મારી રક્ષા કરો, એવું જણાવ. એટલે તારી વેદનામયી વાણી સાંભળીને પ્રભુ રામ તને નિર્ભય કરશે."

 

રાવણ અને અંગદનો વાર્તાલાપ એવી રીતે મલ્લવિદ્યાનું કે કુસ્તી રમતા પહેલવાનોના દ્વંદ્વનું સ્મરણ કરાવે છે. એમનો સંવાદ કે વિસંવાદી વિવાદ ધાર્યા કરતાં વધારે પૃષ્ઠોને રોકે છે. સંક્ષેપમાં કહીએ તો અંગદે રાવણ પાસે પહોંચીને બીજું ગમે તે કર્યું હોય પરંતુ વિષ્ટિકાર્ય તો નથી જ કર્યું. એની દ્વારા રામના દૂતને છાજે અથવા શોભે એવું ઠંડા મગજનું પ્રેમમય ગૌરવકાર્ય નથી થયું. પ્રજજ્વલિત પ્રચંડ અગ્નિજ્વાળાને શમાવવાનો પ્રયત્ન કરવાને બદલે એમાં આહુતિઓ જ નાખી છે. રામે કે સુગ્રીવે એને એ માટે સહેજે ઠપકો નથી આપ્યો.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer