|
રામચરિતમાનસમાં સંતશિરોમણિ
તુલસીદાસે ભગવાન શંકરના મહિમાનું પ્રસંગોપાત્ત જયગાન કર્યું છે. બાલકાંડના
આરંભમાં જ "ભવાનીશંકરૌ વંદે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ" કહીને એમને માતા પાર્વતી સાથે
અનુરાગની આદરયુક્ત અંજલિ આપી છે. મહાકવિ કાલિદાસે એમને એમની રઘુવંશ કવિતાકૃતિમાં
જગતના માતાપિતા તથા પરમેશ્વર માન્યા છે. "જગતઃ પિતરૌ વંદે પાર્વતીપરમેશ્વરૌ."
સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય ભક્તકવિ તુલસીદાસની માન્યતા પણ એવી જ આદરયુક્ત અને
ઉદાત્ત દેખાય છે.
એમણે રચેલા રામચરિતમાનસનો
ગુજરાતીમાં પદ્યાનુવાદ કરતી વખતે મેં એમાં વર્ણવાયેલા શિવપાર્વતીના
લીલાપ્રસંગોનો સમાવેશ નહોતો કર્યો. એનું કારણ એ કે એ લીલાપ્રસંગો રામચરિતમાનસની
મૂળ અથવા મુખ્ય રામકથા માટે અનિવાર્ય રૂપે આવશ્યક નહોતા લાગ્યા. અને બીજું કારણ
એ કે એમના સમાવેશથી પદ્યાનુવાદનો વિસ્તાર અકારણ વધે તેમ હતો. એને લીધે જ એમાં
દેવર્ષિ નારદના મોહપ્રસંગને અને રાજા પ્રતાપભાનુના પ્રસંગને સમાવવામાં નહોતા
આવ્યા. શિવપાર્વતીના લીલાપ્રસંગો અત્યંત રસમય હોવાથી અને વિશેષ કરીને શિવભક્તોને
માટે પરમ આદરપાત્ર અથવા મનનીય હોવાથી એમનો પદ્યાનુવાદ અલગ રીતે કરવાની ભાવના
જાગી. આ કવિતાકૃતિ એ જ સદભાવનાનું સાકાર સ્વરૂપ.
રામચરિતમાનસના કવિની
શ્રદ્ધાભક્તિયુક્ત દ્વિવિધ આધ્યાત્મિક આરાધનાથી અલંકૃત આંખ છેઃ રામભક્તિ તથા
શિવપ્રીતિ. એમના એકમાત્ર આરાધ્યદેવ રામ હોવા છતાં એમને ભગવાન શંકર પ્રત્યે
અસાધારણ આદરભાવ છે. એથી પ્રેરાઇને રામચરિતમાનસના બાલકાંડમાં એમણે એમના કેટલાક
લીલાપ્રસંગોને આલેખ્યા છે. એ લીલાપ્રસંગોનું વિહંગાવલોકન રસપ્રદ થઇ પડશે અને
અસ્થાને નહિ ગણાય.
રામચરિતમાનસની શૈલી
ઇતિહાસલક્ષી હોવાની સાથે કથાલક્ષી વિશેષ છે. એમાં ઇતિહાસ તો છે જ પરંતુ સાથે
સાથે કથારસ પણ ભળેલો છે. એ કથારસની પુષ્ટિ માટે કવિએ પોતાને સ્વતંત્ર
કલ્પનાશક્તિને કામે લગાડીને કયાંક ક્યાંક પેટાકથાઓનું નિર્માણ કર્યું છે.
ક્યાંક ક્ષેપકોનો સમાવેશ કરાયો છે. કવિએ શિવપાર્વતી પ્રસંગનો પ્રારંભ પોતાની
મૌલિક કલ્પનાશક્તિ કે સર્જનકળા દ્વારા જનસમાજને રુચે તેવી નાટ્યાત્મક અને
હૃદયંગમ રીતે કર્યો છે.
પંચવટીમાંથી રાવણ
દ્વારા સીતાનું હરણ થતાં રામ વિરહવ્યથાથી વ્યથિત બનીને લક્ષ્મણ સાથે વનમાં
સીતાની શોધ માટે નીકળ્યા. એ સામાન્ય માનવની જેમ સંપૂર્ણ સંવેદનશીલ બનીને વાટે
વિહરી રહેલા ત્યારે શંકરે એમને અવલોક્યા. હે જગતને પાવન કરનારા સચ્ચિદાનંદ, જય
હો; એમ કહીને કામદેવના નાશક શંકર ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા.
जय सच्चिदानंद जग पावन
। अस कहि चलेउ मनोजनसावन
॥
|