|
અવસરનો આરંભ
એકાએક એવી રીતે થયો, પરંતુ ભગવાન શંકર સાથે વિહરતા સતી પાર્વતીને એ નિહાળીને
શંકા થઇ. એમને થયું કે શંકરે જગદીશ્વર તથા જગતવંદ્ય હોવા છતાં એક રાજપુત્રને
સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા અને એમનાથી પ્રભાવિત થયા તે બરાબર છે
?
બ્રહ્મ શું માનવશરીર ધારી શકે ?
એમની સ્ત્રીનું હરણ થાય અને એ એને શોધવા નીકળે
?
શંકરના શબ્દોમાં
શ્રદ્ધા હોવા છતાં પાર્વતીને એવી શંકા જાગી.
શંકરે
એમના મનોભાવોને જાણીને એમને રામની પરીક્ષા કરવાની ભલામણ કરી.
પાર્વતી સીતાનું
સ્વરૂપ લઇને રામની પરીક્ષા માટે આગળ વધ્યાં. રામે એમને ઓળખી કાઢ્યાં અને એકલાં
કેમ ફરો છો, શંકર ક્યાં છે, એવું પૂછ્યું. એથી પાર્વતી લજ્જાવશ થયાં. એમને
સર્વત્ર રામલક્ષ્મણસીતાનું દર્શન થવા લાગ્યું. એમની સાથે અનેક સતી, બ્રહ્માણી,
લક્ષ્મી દેખાઇ.
એ માર્ગમાં
ભયભીત બનીને આંખ મીંચીને બેસી ગયાં.
આંખ
ઉઘાડી ત્યારે કશું જ ના દેખાયું.
રામને
મનોમન વંદીને એ શંકર પાસે પહોંચ્યાં.
શંકરે એમને
પૂછ્યું ત્યારે એમણે અસત્યભાષણ કરીને જણાવ્યું કે રામની પરીક્ષા નથી લીધી. એમને
કેવળ તમારી પેઠે પ્રણામ કર્યા છે.
कछु न परीछा
लीन्हि गोसाइ
।
कीन्ह प्रनामु
तुम्हारिहि नाइ ॥
શંકરે ધ્યાન
ધરીને પાર્વતીના ચરિત્રને જાણી લીધું. રામની માયાને મસ્તક નમાવીને એમણે છેવટે
એમનો માનસિક પરિત્યાગ કર્યો. એ જાણીને સતી દુઃખી થયાં. એમને શરીરધારણ ભારરૂપ
લાગ્યું.
પાર્વતી દ્વારા
કરાયલી પરીક્ષાનો એ પ્રસંગ એકંદરે આહલાદક અને અભિનવ હોવા છતાં શિવપાર્વતીના
વ્યક્તિત્વને પૂરો ન્યાય કરે છે એવું નથી લાગતું. રામની વિશિષ્ટતા તથા મહત્તાને
પ્રદર્શાવવા કવિએ કલ્પનાપ્રસંગને આલેખ્યો લાગે છે;
પરંતુ રામના વ્યક્તિત્વને અસામાન્ય અથવા મહાન બતાવવા જતાં શિવપાર્વતીના સંયુક્ત
વ્યક્તિત્વને એમણે છેક જ વામન જેવું અતિસામાન્ય આલેખ્યું છે. અલબત્ત, અજ્ઞાત
રીતે એ આખાય પ્રસંગને ટાળી શકાયો હોત તો સારું થાત.
એનું તટસ્થ
અવલોકન રસપ્રદ થઇ પડશે.
મંગલાચરણના
આરંભના શ્લોકમાં શિવપાર્વતીને વિશ્વાસ તથા શ્રદ્ધાસ્વરૂપ કહીને કહેવામાં આવ્યું
છે કે એમના વિના યોગી પોતાના અંતઃકરણમાં રહેલા ઇશ્વરનું દર્શન નથી કરી શકતો.
એવી અસાધારણ યોગ્યતાવાળી પાર્વતીને શંકા થઇ અને એથી પ્રેરાઇને એમણે રામની
પરીક્ષા કરી એ આશ્ચર્યકારક છે. એમની પરીક્ષાપ્રવૃત્તિની પાછળ ભગવાન શંકરની
પ્રેરણા અને અનુમતિ હતી. છતાં પણ એને લીધે શંકરે એમના પ્રત્યે સહાનુભૂતિ
બતાવવાને બદલે એમની ઉપેક્ષા કરી. શંકરનો એવો વ્યવહાર એમને તદ્દન સામાન્ય
કક્ષાના પુરુષની હરોળમાં મૂકી દે છે. અથવા એમનાં કરતાં પણ ઊતરતી શ્રેણીમાં મૂકી
દે છે. કારણ કે સામાન્ય સંસારી પુરુષ પણ પોતાની પત્નીને બનતી સહાનુભૂતિથી
સમજવાનો પ્રયત્ન કરીને એની ક્ષતિ માટે પરમ પ્રેમથી પ્રેરાઇને ક્ષમા કરે છે.
રામચરિતમાનસના વર્ણન પ્રમાણે શિવ એટલી ઉદારતા નથી દર્શાવી શક્તા.
એ વર્ણનમાં
પાર્વતીને અસત્યભાષણ કરતાં આલેખીને એમને અજ્ઞાત રીતે પણ અન્યાય કરાયો છે. એમનું
પાત્રાલેખન એમના જગદંબા સહજ ગૌરવને અનુરૂપ બનવાને બદલે છેક જ સાધારણ બની જાય
છે.
ભગવાન શંકર
સમજતા હતા કે પાર્વતી પરમ પવિત્ર ને પ્રામાણિક છે, તોપણ એમને જે સંતાપ થાય છે એ
અસ્થાને લાગે છે. એમણે સંતાપવશ બનીને સમાધિમાં પ્રવેશ કર્યો. એ સમાધિ સત્યાશી
હજાર વરસે છૂટી ત્યાં સુધી પાર્વતીની દશા કેવી કરુણ થઇ હશે તે વિચારવા જેવું
છે. સત્યાશી હજાર વરસની કાળગણના કેવી રીતે કરવી તે વિદ્વાનોએ વિચારવાનું છે.
|