|
પાર્વતીના તપની
તીવ્રતાને દર્શાવતાં રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે :
नित नव चरन उपज अनुरागा । बिसरी देह तपहिं मनु लागा ॥
संबत सहस मूल फल
खाए । सागु खाइ सत बरष गवाँए ॥
"એમને ભગવાન
શંકરના ચરણોમાં રોજ અભિનવ અનુરાગ પેદા થયો. દેહને ભૂલીને એમનું મન તીવ્રતમ
તપમાં જ લાગી ગયું. એક હજાર વરસ સુધી કંદમૂળ તથા ફળ ખાધાં અને સો વરસ સુધી શાક
ખાઇને તપ કર્યું."
"કેટલાક દિવસ
પાણી તથા પવન પર રહીને પસાર કર્યા તો કેટલાક દિવસ કઠોર ઉપવાસ કર્યા. ત્રણ હજાર
વર્ષ સુધી સુકાઇને પૃથ્વી પર પડેલાં વેલા અને પાંદડાં જ ખાધાં. પછી સૂકાં
પાંદડાં પણ છોડી દીધાં ત્યારે એમનું નામ અપર્ણાં પડ્યું. એમના શરીરને ક્ષીણ
થયેલું જોઇને ગગનમાં ગંભીર બ્રહ્મવાણી થઇ કે તમારા સર્વ મનોરથ સફળ થયા છે.
અસહ્ય ક્લેશોને છોડી દો. હવે તમને શંકર મળશે."
એ વર્ણનમાં
લખવામાં આવેલાં પાર્વતીએ કરેલા તપનાં વરસો કોઇને વિચારાધીન કે વિવાદાસ્પદ
લાગવાનો સંભવ હોવા છતાં, પાર્વતીના તપની તીવ્રતા સંબંધી કોઇ પ્રકારનો સંદેહ નથી
રહેતો. કેટલું બધું કઠોર તપ ?
એવું નિષ્ઠાપૂર્વકનું તપ ફળે જ એમાં શંકાને સ્થાન ના જ હોય.
પાર્વતીની પેઠે
જગતમાં જન્મેલા જીવે પણ પરમાત્માની પ્રીતિ કરવાની છે. પ્રત્યેક જીવ પોતાના
પૂર્વસંબંધથી પરમાત્મા સાથે સંકળાયેલો છે, પરમાત્માનો છે, પરમાત્માસ્વરૂપ છે,
પરંતુ એને એનું વિસ્મરણ થયું છે. દેવર્ષિ નારદે પાર્વતીની પાસે પહોંચીને એમના
શંકર સાથેના પૂર્વસંબંધનું સ્મરણ કરાવ્યું અને ઉજ્જવળ ભાવિનું રેખાદર્શન
કરાવીને તપશ્ચર્યાની પ્રેરણા પ્રદાન કરી. એમ સદગુરુ કે શાસ્ત્રો, માનવને
પરમાત્મા સાથેના મૂળભૂત પરમદિવ્ય પૂર્વસંબંધનું સ્મરણ કરાવે છે. એવી સંસ્મૃતિથી
અભિનવ સ્નેહ, અનુરાગ, લગનીને પામીને માનવ પરમાત્માના સાક્ષાત્કાર માટે
સાધનાત્મક પુરુષાર્થમાં પ્રવૃત બને છે. પ્રત્યેક માનવે એવી રીતે પાર્વતી
બનવાનું છે;
પાર્વતીની પ્રેમભૂમિકામાંથી પસાર થઇને છેવટે શિવના, પરમાત્માના, થવાનું છે.
પરમાત્માને માટે
સાચા દિલથી પ્રાર્થનાર, રડનાર, ઝંખનાર, સાધના કરનાર, તપનારને કદી પણ કોઇ કારણે
નિરાશ થવું પડતું નથી. પરમાત્માના મંગલ મંદિરદ્વારે પાડેલો પ્રેમપૂર્વકનો મૂક
પ્રામાણિક પોકાર કદી પણ વ્યર્થ જતો નથી. સંભળાય જ છે. એમની સ્નેહમયી સ્મૃતિમાં
ચઢાવેલું આતુરતાપૂર્વકના અશ્રુનું એક જ ફૂલ, વેદનાનો ધૂપ, આરઝૂની આરતી, ફળે છે.
સાધક જેને સાચા દિલથી ઝંખે છે, મેળવવા માગે છે, તે તેને મળે છે. એની સાધના
છેવટે ફળે છે. પરંતુ એણે સર્વસમર્પિત થવું જોઇએ. લૌકિક પારલૌકિક પદાર્થોમાંથી
મનને પાછું વાળીને પોતાના પરમારાધ્ય પ્રેમાસ્પદ પરમાત્મામાં કેન્દ્રિત કરવું
જોઇએ. ભોગ આપતાં, ફના થતાં, પાછું વાળીને ના જોવું જોઇએ.
પાર્વતીનો પાવન
પ્રેમપ્રસંગ એવો પ્રેરક સનાતન સાધનાત્મક સંદેશ પૂરો પાડે છે.
|