|
પરમાત્માના
સાક્ષાત્કારની ઇચ્છાવાળા પરમાત્માના પ્રેમપંથના સાધકપ્રવાસીઓ પોતાના વિચારો,
ભાવો, સંકલ્પો, આદર્શો તથા સાધનાત્મક અભ્યાસક્રમ અને વિશ્વાસમાં સુદૃઢ રહેવું
જોઇએ. એવી સુદૃઢતા સિવાય સાધનાની સિદ્ધિ ના સાંપડે. પ્રવાસપંથમાં ક્રમેક્રમે
આગળ વધીને એ સંસિદ્ધિના સુમેરુશિખરને સર ના કરી શકે. એવી સુદૃઢતા સિવાય એ
સાધનાપંથમાં આવનારાં પાર વિનાનાં પ્રબળ પ્રલોભનોમાં પડીને પોતાના મૂળ માર્ગને
ભૂલી ઝાય, વાસના-લાલસા તથા ભયસ્થાનોનો શિકાર બની જાય, અને નાનીમોટી
પ્રાપ્તિ-અપ્રાપ્તિઓનાં આટાપાટામાં અટવાઇ જાય. એનું ધ્યેય અથવા પ્રાપ્તવ્ય
સંપૂર્ણ સમજ સાથેનું, સુનિશ્ચિત અને એક જ હોવું જોઇએ. એની સિદ્ધિ માટે જ એનો
પુરુષાર્થ જોઇએ. અન્ય આડ વાતોમાં કે ભળતી લાલચોમાં પડીને જીવનના સર્વોત્તમ
સાધનાત્મક ધ્યેયને ગૌણ ગણવાની કે વિસ્મરવાની ભૂલ ના કરી બેસાય એને માટે એણે
સુદૃઢ, સુસજ્જ, સાવધાન રહેવું જોઇએ. એનો પરમાત્મપ્રેમ અને વિશ્વાસ અવર્ણનીય,
અચળ, અનન્ય અને પરાકાષ્ઠા પર પહોંચેલો હોવો જોઇએ. ત્યારે જ તે સંપૂર્ણ પણે સફળ
મનોરથ બની શકે છે.
પાર્વતીના
જ્યોતિર્મય તપઃપૂત જીવનમાંથી એ પણ શીખવા મળે છે.
શંકરની સૂચનાને
અનુસરીને સપ્તર્ષિ પાર્વતીના પ્રેમની પરીક્ષા માટે તપસ્વિની પ્રેમમૂર્તિ
પાર્વતી પાસે પહોંચીને એમને એમના નિશ્ચયમાંથી ચળાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
પાર્વતીના
મનોરથને એમના શ્રીમુખે સાંભળીને એમણે હસીને કહ્યું કે નારદના ઉપદેશને સુણીને
કોનાં ઘર વસ્યાં છે ?
नारद कर उपदेसु सुनि कहहु बसेउ किसु गेह ॥
"તેમણે દક્ષના
પુત્રોને જે ઉપદેશ આપેલો તેથી તેમણે પાછા આવીને ઘરને નહોતું જોયું. ચિત્રકેતુ
રાજાનું ઘર નારદે જ ભંગાવેલું અને હિરણ્યકશિપુના પણ બૂરા હાલ કરેલા. જે
સ્ત્રીપુરુષો નારદની શિખામણ સાભળે છે તે ઘરને છોડીને અવશ્ય ભિક્ષુક બને છે.
એમનું મન કપટી છે. માત્ર શરીર પર સજ્જનનાં ચિહ્નો છે. તે સૌ કોઇને પોતાના જેવા
કરવા ઇચ્છે છે."
तेहि कें बचन मानि बिस्वासा । तुम्ह
चाहहु पति सहज उदासा ॥
निर्गुन निलज कुबेष कपाली । अकुल अगेह दिगंबर ब्याली
॥
"તેમનો વિશ્વાસ
રાખીને તમે સ્વભાવથી જ ઉદાસીન, ગુણરહિત, નિર્લજ્જ, ખરાબ વેશવાળા, ખોપરીઓની
માળાવાળા, કુળ તથા ઘર વિનાના, નગ્ન અને સર્પોને ધારણ કરનારા પતિની ઇચ્છા રાખો
છો."
"એવા વરને
મેળવીને શી રીતે સુખી થશો ?
ઠગના ભોળવવાથી તમે ભૂલ્યાં છો. પંચના કહેવાથી શિવે સતી સાથે વિવાહ કરેલો તોપણ
તેને ત્યાગીને મરાવી નાખેલી. હવે એમને કશી ચિંતા નથી રહી. ભિક્ષાનું ખાય છે અને
સુખથી સૂએ છે. સ્વભાવથી એકલા રહેનારાના ઘરમાં કદી સ્ત્રી ટકી શકે
?"
સપ્તર્ષિઓના
મુખમાં મુકાયેલા એ શબ્દો વધારે પડતા અને કર્કશ લાગે છે. ખાસ કરીને નારદને માટે
વપરાયેલા ઠગ જેવા શબ્દો અનુચિત દેખાય છે. સપ્તર્ષિઓના મુખની એ જ વાતને શંકર કે
નારદ વગોવ્યા વિના જરાક વધારે સૌજન્યસભર શબ્દોમાં, વધારે સારી રીતે મૂકી શકાઇ
હોત.
સપ્તર્ષિઓએ પતિ
તરીકે વિષ્ણુનું સૂચવેલું નામ પાર્વતીને લેશપણ પસંદ ના પડ્યું. એ તો શિવને જ
વરી ચૂકેલાં.
એમની નિષ્ઠાને
જોઇને સપ્તર્ષિ પ્રસન્ન થયા એટલું જ નહીં પરંતુ એમનાં ચરણોમાં મસ્તક નમાવીને
ચાલી નીકળ્યા.
|