|
પાર્વતી સાથેના
ભગવાન શંકરના લગ્નની વાત નક્કી થઇ ગઇ.
રામચરિતમાનસના
સ્વનામધન્ય ભક્તકવિ સંતશિરોમણિ તુલસીદાસે લગ્નની પૂર્વતૈયારીનું, જાનનું ને
લગ્નનું વર્ણન અતિશય રોચક રીતે કર્યું છે. વર્ણનમાં કથાદૃષ્ટિ દેખાઇ આવે છે.
એમાં વિનોદનો પણ સમાવેશ થયો છે. શિવભક્તોને એ વર્ણન વિશેષ રુચિકર ના પણ લાગે.
सिवहि संभु गन करहिं सिंगारा । जटा
मुकुट अहि मौरु सँवारा ॥
कुंडल कंकन पहिरे ब्याला । तन बिभूति पट केहरि छाला
॥
"શિવના ગણો
શિવને શણગારવા લાગ્યા. જટાનો મુકુટ કરીને તેના પર સર્પની કલગી સજાવી. શિવે
સર્પોનાં કુંડળ તથા કંકણ પહેર્યાં, શરીર પર ભસ્મ લગાવી, અને વ્યાઘ્રચર્મરૂપી
વસ્ત્રને ધારણ કર્યું."
"એક હાથમાં
ત્રિશૂળ ને બીજા હાથમાં ડમરુ લીધું. વૃષભ પર ચઢીને એમણે પ્રયાણ કર્યું ત્યારે
વાજાં વાગવા લાગ્યાં. દેવોની સ્ત્રીઓએ એમને દેખીને સ્મિતપૂર્વક કહ્યું કે આ
વરને યોગ્ય કન્યા જગતમાં નથી."
શિવના ગણોનું
વર્ણન એથી વધારે વિનોદયુક્ત લાગે છે.વળી,
नाचहिं गावहिं गीत परम तरंगी भूत सब ।
देखत अति बिपरीत बोलहिं बचन बिचित्र
बिधि ॥
"ભાતભાતનાં
તરંગી ભૂતો નાચતાં ને ગીત ગાતાં. તે દેખાવે ખૂબ જ કુરુપ હતાં અને વિચિત્ર
પ્રકારનાં વચનો બોલતાં."
કવિ કહે છે કે,
"જગતમાં નાનામોટા જેટલા પર્વતો છે તેમને, તથા જેમને વર્ણવતાં પાર આવતો નથી તે
વનો, સમુદ્રો, સરિતાઓ તથા તળાવોને હિમાલયે આમંત્રણ આપ્યાં. ઇચ્છાનુસાર રૂપને
ધરનારા તે સૌ સુંદર શરીરને ધારણ કરીને, સુંદર સ્ત્રીઓ તથા સમાજ સાથે હિમાલયને
ઘેર જઇને મંગલ ગીતો ગાવા માંડ્યા. હિમાલયે પ્રથમથી જ તૈયાર કરાવેલાં ઘરોમાં સૌએ
ઉતારો કર્યો."
કવિનું એ કથન
સૂચવે છે કે હિમાલયે જડ પદાર્થોને નહીં પરંતુ એમના અધીશ્વરોને અથવા નાનામોટા
શાસકોને આમંત્રણ આપેલાં. જડ પદાર્થો સુંદર સ્ત્રીઓ સાથે આવીને તૈયાર કરાવેલાં
મકાનોમાં વસી શકે નહીં એ સહજ સમજાય તેવું છે. કવિના કથનનો એ સંબંધમાં શબ્દાર્થ
લેવાને બદલે ભાવાર્થ જ લેવો જોઇએ.
|