રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પૂર્ણાહુતિ

(શિવ-પાર્વતી પ્રસંગ)

 

સ્ત્રી સર્જનની શોભા છે. એના સિવાયનું સર્જન નીરસ અથવા અપૂર્ણ લાગે. પુરુષ તથા પ્રકૃતિની સંયુક્ત રાસલીલા કે રસલીલા એ જ જગત.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસની કલ્યાણકારિણી, કલેશહારિણી કવિતાકૃતિમાં કવિની નમ્રતા તથા સરળતાની ઝાંખી આરંભથી માંડીને અંત સુધી સ્થળેસ્થળે થયા કરે છે.

શિવપાર્વતીના લીલાપ્રસંગોના આલેખનના અંતે કવિ કહે છે કે શિવનું ચરિત્ર સાગર સમાન અપાર છે. વેદ પણ તેનો પાર પામતા નથી તો અત્યંત મંદમતિ ગમાર તુલસીદાસ તેનું વર્ણન કેવી રીતે કરી શકે ? એમની નિરભિમાનીતાને વ્યક્ત કરતો એ ભાવનો દોહો આ રહ્યોઃ

चरित सिंधु गिरिजा रमन बेद न पावहिं पारु ।

बरनै तुलसीदासु किमि अति मतिमंद गवाँरु ॥

ભક્ત કવિ તુલસીદાસની સરળતા, સહજતા, નમ્રતાના મહામૂલ્યવાન શાશ્વત દસ્તાવેજ સરખા એ શબ્દોને વાંચી વિચારીને આપણે કહીશું કે કવિવર, તમે તમારા કર્તવ્યને ખૂબ જ સરસ રીતે સફળતાપૂર્વક પૂરું કર્યું છે. મોટામોટા મેઘાવી મહાબુદ્ધિશાળી પુરુષો કે પંડિતપ્રવરો પણ ના આલેખી શકે એવી સરસ રીતે તમે શિવપાર્વતી પ્રત્યેના પ્રેમથી પ્રેરાઇને એમના લીલાપ્રસંગોને આલેખ્યા છે. એમના સુવિશાળ ચરિત્રસિંધુમાં નિમજ્જન કરીને જનતાને એનો દેવદુર્લભ લાભ આપ્યો છે. એવી રીતે હે ભક્તપ્રવર, સંતશિરોમણિ, ભગવાન શંકર, રામ, સીતા તથા સત્પુરુષોના પરમકૃપાપાત્ર, તમે જે મહાન લોકોત્તર સાંસ્કૃતિક સત્કાર્ય કર્યું છે એને માટે સંસ્કૃતિ તમારી ઋણી રહેશે. તમને અમારાં આત્મિક અભિનંદન !

શિવપાર્વતીપ્રસંગની પૂર્ણાહુતિ સમયે એક બીજી વાત પ્રત્યે અંગુલિનિર્દેશ કરી દઉં.

પાર્વતીને વળાવતી વખતે એમની માતા મેનાએ શિખામણ આપતાં જણાવ્યું કે શંકરના પવિત્ર ચરણોની સદા પૂજા કરજે. સ્ત્રીનો ધર્મ એ જ છે. એને માટે પતિ બીજોથી કોઇ મોટો કે નાનો દેવ નથી.

नारिधरमु पति देउ न दूजा

વળી કહ્યું કે વિધાતાએ સ્ત્રીને જગતમાં શા માટે પેદા કરી ? પરાધીનને સ્વપ્ને પણ સુખ હોતું નથી.

कत बिधि सृजीं नारि जग माहीं । पराधीन सपनेहुँ सुखु नाहीं ॥

મેનાના મુખમાં મુકાયેલા એ શબ્દો વ્યથામાં ઉચ્ચારાયેલા છે. આપણે તટસ્થ રીતે શાંતિપૂર્વક વિચારીશું તો સમજાશે કે સ્ત્રી સર્જનની શોભા છે. એના સિવાયનું સર્જન નીરસ અથવા અપૂર્ણ લાગે. પુરુષ તથા પ્રકૃતિની સંયુક્ત રાસલીલા કે રસલીલા એ જ જગત. સ્ત્રી પરાધીન નથી, સર્વતંત્ર સ્વતંત્ર, સ્વાધીન છે. પુત્રી રૂપે, ભગિની રૂપે સંપૂર્ણ સન્માનનીય છે. પત્ની થઇને પણ ગુલામ બનવાને બદલે ઘરની સ્વામિની, સામ્રાજ્ઞી બને છે. માતા રૂપે સંતાનોમાં સંસ્કારોનું સિંચન કરે છે. દેશ તથા દુનિયાને મહત્વની મહામૂલ્યવાન ભેટ ધરે છે. વિધાતાએ કરેલું એનું સર્જન અભિશાપ નથી, આશીર્વાદ છે. એ વિભુનું વરદાન છે.

શિવપાર્વતીના સુંદર લીલાપ્રસંગો કેવળ પાઠ કે પારાયણ માટે નથી, પરંતુ ભગવાન શંકર તથા પાર્વતીના પવિત્ર પદારવિંદમાં પ્રેમ પ્રકટાવીને જીવનનું શ્રેય સાધવા માટે છે, એ યાદ રાખીએ. સાચું શાશ્વત સુખ એમાં જ સમાયેલું છેઃ જીવનને પરમાત્માપરાયણ કરવામાં.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer