|
રામકથામાં આવનારાં કેટલાંક મહત્વનાં પાત્રોમાં મંદોદરીનો સમાવેશ થાય છે.
મંદોદરીના પવિત્ર,
તેજસ્વી નિર્ભય,
પતિપરાયણ પાત્રનો કવિતામાં વિશેષ વિકાસ કરી શકાયો હોત. એ પ્રાણવાન પાત્રમાં
વિકાસની સઘળી શક્યતા સમાયેલી છે. છતાં પણ એ પાત્રનો સમુચિત કાવ્યોચિત વિકાસ નથી
કરી શકાયો એ હકિકત છે.
સ્ત્રીનો
મુખ્ય શાશ્વત ધર્મ પતિને સન્માર્ગે વાળવાનો છે. પતિનું સર્વપ્રકારે શ્રેય સધાય
તે જોવાનું અને એવી રીતે વર્તવાનું સ્ત્રીનું કર્તવ્ય છે. મંદોદરીએ એ કર્તવ્ય
સરસ રીતે બજાવ્યું. સીતા અને રામ પરસ્પર અનુકૂળ હોવાથી એમનો સ્નેહ સંબધ સહજ
હતો. સીતાને માટે રામને વળગી રહેવાનું,
વફાદાર રહેવાનું પણ એટલું જ સહજ હતું. પરંતુ રાવણ અને મંદોદરીનાં વ્યક્તિત્વો
પરસ્પર વિરોધી હોવાથી મંદોદરીનું કાર્ય ધાર્યા જેટલું સહેલું નહોતું. વિપરિત
વાતાવરણમાં વસીને પણ એણે સત્યના માર્ગે સફર કરી;
રાવણ એ માર્ગનો રાહબર બને એવી અપેક્ષા રાખી. એ કાર્ય ધાર્યા જેટલું સહજ કે સરળ
નહોતું એની એને પ્રતિતી થઇ. સીતા કરતાં એની ગુણવત્તા કાંઇ ઓછી ન હતી. સીતાને
રામ મળ્યા અને એને રાવણ મળ્યા એટલો જ તફાવત. શીલની કસોટીએ બંને સરખી ઠરી.
મંદોદરી રાવણના રાજપ્રાસાદનું જ નહીં પરંતુ સમસ્ત લંકાનું રત્ન હતું. આસુરી
સંપત્તિની ઝેરજ્વાળાઓ વચ્ચે વસવા છતાં પણ એ એનાથી પર રહીં. એણે સીતાહરણના
સમાચાર સાંભળીને રાવણને વ્યથિત હૃદયે કહેવા માંડ્યું કેઃ
कंत करष हरिसन परहरहू । मोर कहा अति हित हिँय धरहूं ॥
'હે
નાથ,
શ્રીહરિનો વિરોધ છોડી દો. મારા કથનને અતિશય હિતકારક સમજીને હૃદયમાં ધારણ કરો.'
'જો
તમારું ભલું ચાહતા હો તો મંત્રીને બોલાવીને તેની સાથે સીતાને મોકલી દો. સીતા
તમારા કુળરૂપી કમળવનને દુઃખ દેનારી શિયાળાની રાત છે. સીતાને પાછી આપ્યા વિના
શંકર તથા બ્રહ્મા કરાયેલા કલ્યાણનો લાભ પણ તમને નહિ મળી શકે. રામનાં શર
સર્પોનાં સમૂહસમાન છે તથા રાક્ષસો દેડકા જેવા. એમને એમનાં શરરૂપી સર્પો ગળી ન
જાય ત્યાં સુધી હઠને છોડી ઉપાય કરો.'
મંદોદરીએ
રાવણને એવી રીતે અનેકવાર સમજાવ્યો પરંતું રાવણ માન્યો નહીં. એ એનું દુર્ભાગ્ય.
મંદોદરી રાવણને માટે શોભારૂપ હતીં. કોઇયે પુરૂષને માટે અલંકાર રૂપ,
મહિમામયી. એના સત્કર્મે કે સદભાગ્યે એને એવી સર્વોત્તમ સન્નારી સાંપડેલી.
છતાંપણ એ એને સમજીને એનો સમુચિત સમાદર ના કરી શક્યો. એ એના સદુપદેશને અનુસરત તો
સર્વનાશમાંથી ઉગરી જાત;
અન્યને ઉગારી શકત. રામાયણને પ્રવાહ કંઇક જુદી જ દિશામાં પ્રવાહિત થાત. પરંતુ
બન્યું એથી ઉલટું જ. મંદોદરીએ પોતાનું કર્તવ્ય બજાવ્યું એ એની મહાનતા.
રાવણે અશોકવાટિકામાં સીતા પાસે જઇને એને કહ્યું કે હું મંદોદરૂ જેવી સઘળી
રાણીઓને તારી દાસી બનાવીશ. તું મારા તરફ દ્રષ્ટિપાત કર. સીતાએ એને સણસણતો ઉત્તર
આપ્યો ત્યારે એ ખૂબ જ ક્રોધે ભરાયો ને તલવાર તાણીને સીતાના મસ્તકને કાપવા તૈયાર
થયો. એની તલવારને દેખીને સીતાને ભય લાગ્યો નહીં. એ વખતે પણ મંદોદરીએ વચ્ચે
પડીને એને સમજાવીને શાંત પાડતા જણાવ્યું કે સ્ત્રીઓને મારવાનું ઉચિત નથી
કહેવાતું. પશુપક્ષીની યોનિની સ્ત્રીઓનોય વધ ના કરવો જોઇએ.
રાવણે
સીતાને પુનર્વિચાર કરવાની સૂચના આપી કહ્યું કે સીતા જો એક મહિનામાં મારું કહ્યુ
નહીં માને તો એનો તલવારથી નાશ કરીશ.
રામચરિતમાનસનું એ આલેખન પુરવાર કરે છે કે મંદોદરીને સીતા પ્રત્યે સહાનુભૂતિ
હતી. સીતાને કષ્ટમુક્ત કરવા - કરાવવામાં એને રસ હતો. કેટલું બધું સુંદર,
ભવ્ય,
આદર્શ અને સર્વોત્તમ સ્ત્રીપાત્ર !
|