|
રામચરિતમાનસમાં એનું વર્ણન સંક્ષેપમાં પણ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે.
અશોકવાટિકામાંથી રાવણે વિદાય લીધી તે પછી હનુમાને સીતા પાસે પહોંચી સીતાને
આશ્વાસન આપ્યું. છેવટે જણાવ્યું કે માતા, હું તમને લઇને હમણાં જ રામ પાસે
પહોંચી જાઉં, પરંતુ રામના સોગંદ ખાઇને કહું છું કે એમની આજ્ઞા એવી નથી. માતા,
થોડોક વખત ધીરજ ધરો. રઘુવીર અહીં વાનરો સાથે આવી પહોંચશે ને રાવણને નાશ કરીને
તમને મુક્ત કરશે.
એ વખતે
સીતાના મનમાં એક સંદેહ થયોઃ
हैं सुत
कपि सब तुम्हहि समाना । जातुधान अति भट बलवाना ॥
मोरें
हृदय परम संदेहा ।
હે
પુત્ર, રામની સેનાના સઘળા વાનરો તમારા જેટલા નાના હશે. રાવણના રાક્ષસયોદ્ધાઓ
અતિશય બળવાન છે. વાનરો પ્રચંડ બળવાળા રાક્ષસોને શી રીતે જીતી શકશે ?
सुनि कपि
प्रगट कीन्हि निज देहा ॥
સીતાના
સંશયને દૂર કરવા માટે હનુમાનજીએ સત્વર પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું. એ સ્વરૂપ
સુમેરુ પર્વત જેવું સુવિશાળ, અતિશય બળવાન અને ભયંકર હતું.
એવા
અસાધારણ અલૌકિક સ્વરૂપને નિહાળીને સીતાનો સંશય મટી ગયો. હનુમાને પહેલાં જેવું
સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું કે અમે સાધારણ બળબુદ્ધિવાળા વાનરો છીએ પરંતુ
પ્રભુની કૃપાદ્રષ્ટિ પામ્યા છીએ. અમારી પાછળ એમની અસામાન્ય ચેતના, સત્તા કે
શક્તિ કાર્ય કરી રહી છે. એટલે અમે નિર્ભય અને નિશ્ચિંત છીએ. પ્રભુના પ્રતાપથી
સાધારણ સર્પ ગરુડને ખાઇ શકે છે.
सुनु मात
साखामृग नहिं बल बुद्धि बिसाल ।
प्रभु
प्रताप तें गरुड़हि खाइ परम लघु ब्याल ॥
સીતાએ
સંતુષ્ટ થઇને હનુમાનને આશીર્વાદ આપ્યાઃ તમે બળ, શીલ, ગુણના ભંડાર,
વૃદ્ધાવસ્થાથી રહિત અને અમર બનો. હનુમાને સીતાના ચરણે મસ્તક નમાવ્યું.
માનવ
મોટેભાગે ભૂલી જાય છે કે એની પાછળ, અંદર, બહાર, સર્વત્ર પ્રભુની પરમ પ્રતાપી
મહાન શક્તિ, ચેતના કે સત્તા કામ કરે છે. એને લીધે જ એનું જીવન કાર્ય કરે છે. એ
શક્તિ, ચેતના કે સત્તામાં શ્રદ્ધાભક્તિ પ્રગટતાં એ નિશ્ચિંત અને નિર્ભય બને છે.
એના મહિમાને જાણ્યા પછી પોતાનું સમગ્ર જીવન એમનાં શ્રીચરણે સમર્પિત કરે છે.
એમનો બને છે, એમનું કાર્ય કરે છે, જીવનની ધન્યતાને અનુભવે છે. પ્રભુની
સર્વશક્તિમત્તામાં કે વિરાટ શક્તિ અથવા કૃપામાં વિશ્વાસ ધરાવે છે.
|