|
હનુમાન
અને રાવણનો મેળાપ ઐતિહાસિક હતો. એમની વચ્ચેનો વાર્તાલાપ ચિરસ્મરણીય.
હનુમાને
અવસર આવ્યો ત્યારે રાવણને પોતાની રીતે સમજાવવાનો, સીતાનો ત્યાગ કરી રામનું શરણ
લેવા માટે તૈયાર કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ એ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો.
'વિનાશકાળે વિપરીત બુદ્ધિ'ની જેમ એની વિપરીત બુદ્ધિ સન્માર્ગગામિની ના બની શકી.
એણે હનુમાનનો વધ કરવાનો આદેશ આપ્યો ત્યારે રાજ્યસભામાં આવેલ વિભીષણે જણાવ્યું
કે નીતિશાસ્ત્ર દૂતના વધની અનુમતિ નથી આપતું. એને બદલે બીજો દંડ કરી શકાશે.
ત્યારે રાવણે જણાવ્યું કે વાનરની મમતા પુચ્છ પર હોય છે માટે તેલમાં કપડાને
બોળીને એને વાનરનાં પુચ્છ પર બાંધીને અગ્નિ લગાડી દો.
कपि कें
ममता पूँछ पर सबहि कहउँ समुझाइ ।
तेल बोरि
पट बाँधि पुनि पावक देहु लगाइ ॥
રાવણની
આજ્ઞાનું પાલન કરવામાં આવ્યું. હનુમાને પોતાના પુચ્છને ખૂબ જ લાંબુ કર્યુ. એમની
દ્વારા લંકાદહન થયું. એ કથા સુપ્રસિદ્ધ છે.
પ્રશ્ન
એટલો જ રહે છે કે હનુમાનજીને પુચ્છ હતું ખરું ? વાલ્મીકિ રામાયણમાં ને
રામચરિતમાનસમાં પુચ્છનો ઉલ્લેખ કરેલો છે. રામચરિતમાનસમાં લખેલું છે કે રાવણે
હનુમાનને અંગભંગ કરીને મોકલવાની આજ્ઞા કરી. પુચ્છનો વિચાર પાછળથી ક્ષેપક તરીકે
રામકથામાં અને રામાયણમાં પ્રવેશ પામ્યો હોય તો આશ્ચર્ય પામવા જેવું નથી. કારણ
કે વાનરજાતિના યોદ્ધાઓને - સુગ્રીવ તથા વાલિ જેવા યોદ્ધાઓને પુચ્છ હતાં એવો
ઉલ્લેખ ક્યાંય નથી મળતો. પુચ્છનો ઉલ્લેખ હનુમાનને માટે અને એ પણ પ્રસ્તુત
પ્રસંગ પૂરતો જ થયેલો જોવા મળે છે. એ ઉલ્લેખ
વાસ્તવિકતાં કરતાં વિપરીત લાગે છે. વિદ્વાનો અને સંશોધકો એ સંબધમાં સવિશેષ
પ્રકાશ પાડે એ ઇચ્છવા જેવું છે.
|