|
લંકાની
સામે સમુદ્રતટ પર પડેલી રામની સેના સમુદ્રને પાર કરે તો જ લંકાપુરીમાં પ્રવેશી
શકે તેમ હોવાથી રામે સૌથી પ્રથમ સમુદ્રને પ્રાર્થના દ્વારા પ્રસન્ન કરીને
સમુદ્રને પાર કરવાનો ઉપાય જાણવાનો વિચાર કર્યો.
લક્ષ્મણને પ્રાર્થનાની વાત રુચી નહીં. એણે સમુદ્રને બાણ મારી સુકવી નાખવાની
ભલામણ કરી.
એટલી
વાતને વર્ણવ્યા પછી કવિએ એ વાતને અધૂરી રાખીને રાવણના દૂતોની ઉપકથાને રજૂ કરી
છે. એ ઉપકથાને પાછળથી રજૂ કરી શકાઇ હોત. ઉપકથાની વચ્ચેની રજૂઆત કાંઇક અંશે
કવિતાના મૂળ પ્રવાહમાં રસક્ષતિ પહોંચાડનારી છે.
મૂળ
પરંપરાગત કથાપ્રવાહ પ્રમાણે ત્રણ દિવસ વીત્યા તોપણ સમુદ્રે વિનય માન્યો નહીં
ત્યારે રામ એને અગ્નિબાણથી સૂકવી નાખવા તૈયાર થયા. સમુદ્રમાં જ્વાળાઓ જાગી.
છેવટે સમુદ્ર સોનાના થાળમાં રત્નો સાથે અભિમાનને છોડીને, બ્રાહ્મણના રૂપમાં આગળ
આવ્યો. એના મુખમાં મૂકવામાં આવેલાં ઉદગારો
'ढोल
गँवार सूद्र पसु नारी । सकल ताड़ना के अधिकारी ॥'
વિવાદાસ્પદ અને અસ્થાને લાગે છે. કોઇ વર્ગવિશેષને એ ઉદગારો અન્યાય કરનારા જણાય
તો નવાઇ નહીં.
સમુદ્રે
રામને સાગર પાર કરવાનો ઉપાય બતાવ્યો. રામચરિતમાનસમાં કહેવામાં આવ્યું છે કે
સમુદ્ર છેવટે પોતાના ભવનમાં ગયો.
'निज भवन
गवनेउ सिंधु' એ કથન સૂચવે છે કે સમુદ્ર એ પ્રદેશના તટવર્તી વિસ્તારનો અધિનાયક
અથવા સમ્રાટ હશે. રામના દંડના ભયથી પ્રસન્ન બનીને એણે સમુદ્રને પાર કરવાનો
માર્ગ બતાવ્યો હશે.
એ માર્ગ
કાંઇક અંશે ચમત્કૃતિજનક દેખાય છે. 'નલ ને નીલને ઋષિના આશીર્વાદ મળ્યા છે. એમના
સ્પર્શથી પ્રચંડ પર્વતો પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરશે. હું તમને સહાય કરીશ.
એવી રીતે સેતુ બંધાવો કે ત્રણે લોકમાં આપનો ઉત્તમ યશ ગવાય.'
વાલ્મીકિ
રામાયણમાં સ્પષ્ટ રીતે વર્ણવેલું છે કે નલ અને નીલ એ જમાનાના મહાન ઇજનેરો હતા.
તેમણે અન્યની મદદથી સેતુની રચના કરેલી. એવા વર્ણનથી દેશની પ્રાચીન ભૌતિક
સંસ્કૃતિ કે વિદ્યાનું ગૌરવ સચવાય છે. રામચરિતમાનસમાં પણ સેતુ બાંધવાની વાત તો
આવે જ છે એટલે એ દ્વારા પ્રયોજનની પરોક્ષ રીતે પુષ્ટિ થાય છે. પથ્થરો કેવળ
તર્યા નહોતા પરંતુ સેતુરચના માટે કામ લાગેલા એ હકીકતને ખાસ યાદ રાખવાની છે.
|