Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

સંતસમાગમ

NEXT >

૨૭. કુંડલિનીનો અનુભવ

 

જેમ ભારતમાં તેમ ભારતની બહારના દેશોમાં પણ યોગવિદ્યાના રસિયા અથવા તો અધ્યાત્મમાર્ગના મુસાફરો થાય છે જ.

એમાંના કેટલાય ઊંચી કોટિની જિજ્ઞાસાવૃતિથી પ્રેરાઈને આ દેશોમાં આવે છે તો કેટલાક એમના દેશમાં રહીને જ સાધનાના ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયાસો કરે છે.

એમની પ્રકૃતિ ને રૂચિ ભિન્ન ભિન્ન હોવા છતાં, યોગની સાધનામાં એમને વધારે રસ હોય છે એ સાચું છે અને પોતપોતાની રૂચિ કે પ્રકૃતિ પ્રમાણેના પથપ્રદર્શકની પ્રાપ્તિ પણ એમને થઈ રહે છે.

પરંતુ કોઈ કોઈ જિજ્ઞાસુ સાધક એવા પણ હોય છે જેમને યોગ્ય માર્ગદર્શક નથી મળતા અને એને લીધે એ એકલે હાથે જ પ્રયોગો કર્યા કરે છે.

અમેરિકાના એવા જ એક પ્રયોગવીરને ભારતના યોગગ્રંથોનો અભ્યાસ કરીને પ્રશ્ન થયો કે યોગના ગ્રંથોમાં જે મૂલાધાર ચક્રમાં રહેલી, સર્પાકાર, કુંડલિની શક્તિનું વર્ણન કરવામાં આવે છે અને જે જુદાં જુદાં છ ચક્રોનો ઉલ્લેખ છે તે ચક્રો તથા કુંડલિની શક્તિ શરીરમાં ખરેખર છે કે પછી તેમનું ખોટું જ વર્ણન કરવામાં આવ્યું છે ? જો તેમની હયાતી હોય તો તેમનું દર્શન શરીરમાં થવું જ જોઈએ, નહિ તો પછી તેમનું વર્ણન કોઈ પણ જાતના આધાર વિના જ, મનમાની રીતે કરવામાં આવ્યું છે એમ માની લેવું જોઈએ.

બસ પછી તો શું ?

પ્રયોગવીર કોઈ સાધારણ માણસ ન હતા, પરંતુ ડોક્ટર હતા. પોતાની જિજ્ઞાસાવૃતિ સંતોષવાનો એમણે સંકલ્પ કર્યો. અને એ જ સંકલ્પના અમલ માટે એક વિચિત્ર પ્રકારની પ્રવૃતિ શરૂ કરી.

એમણે શું કરવા માંડ્યું તે જાણો છો ?

તમે કદાચ તેની કલ્પના પણ નહિ કરી શકો, પરંતુ તેમણે મરેલા માણસના શરીરને મેળવીને ચીરવા માંડ્યું. આખા શરીરને ચીરી નાખ્યું, પરંતુ એમને જે જોઈતુંતું તે ના મળ્યું. ચક્ર કે કુંડલિની કશું જ નહિ દેખાયું.

છતાં પણ એ હતાશ થાય એવા ક્યાં હતા ?

એવી જ રીતે ઊંડી જિજ્ઞાસા અને અદમ્ય ઉત્સાહ વૃતિથી પ્રેરાઈને એમણે બીજા મડદાંને ચીર્યું, ત્રીજાને ચીર્યું, ચોથાને ચીર્યું, અને એ પ્રમાણે બીજા કેટલાય મડદાંને ચીરી નાખ્યા. તો પણ એમને કુંડલિની કે ચક્ર કશાનો અનુભવ ના થયો ત્યારે એમની ધીરજ ખૂટી. યોગના ગ્રંથો પરથી એમનો વિશ્વાસ ઊઠી ગયો અને એ જ્યાં ત્યાં તથા જેને તેને કહેવા માંડ્યા કે ભારતના યોગગ્રંથો ખોટા છે અથવા તો વધારે પડતા મિથ્યા વર્ણનોવાળા છે.

પરંતુ જેના દિલમાં સત્યનો સાક્ષાત્કાર કરવાની સાચી લગની હોય છે તેને ઈશ્વર એક કે બીજી રીતે અને વહેલી કે મોડી મદદ કરે છે જ. એ એક અચૂક નિયમ છે. એ પ્રમાણે એ દિવસોમાં ભારતના એક પ્રતિભાશાળી અનુભવી, મહાન યોગી સ્વામી યોગાનંદ અમેરિકાના પ્રવાસે ગયા.

તે દરમિયાન પેલા પ્રયોગવીર છતાં પ્રયોગ કરીને થાકેલા તેમજ પ્રયોગો પરથી શ્રદ્ધા ખોઈ બેઠેલા ડોક્ટર એમના સંપર્કમાં આવ્યા.

વિષય નીકળતા એમણે યોગાનંદની આગળ પોતાની યોગમાર્ગની અશ્રદ્ધા વ્યક્ત કરી ને ચક્રો તથા કુંડલિની બધું ખોટું છે એવું કહી બતાવીને પોતે કરેલા પ્રયોગોનો ઈતિહાસ કહી સંભળાવ્યો.

યોગાનંદે કહ્યું, યોગના ગ્રંથોની વાતો ખોટી નથી, પરંતુ તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ ખોટી છે. તેથી જ તમને નિરાશા થઈ છે. જો યોગ્ય માર્ગદર્શન મેળવીને સાચી દિશામાં પ્રયાસ કરો તો ગ્રંથોમાં કહેલા અનુભવો તમને જરૂર થઈ શકે. કુંડલિની, ચક્ર ને આત્મા સુક્ષ્મ પદાર્થો હોવાથી, હજારો મડદાંને ચીરશો તો પણ નહિ જોઈ શકો. એમના અનુભવ માટે તો અંદરની સાધનાનો આધાર લેવો પડશે.

યોગાનંદે ડોક્ટરની ઈચ્છા પ્રમાણે એમને યોગની દીક્ષા આપી ને સાધનાનો ક્રમ બતાવ્યો. એ સાધનાના પરિણામરૂપે એ લાંબે વખતે કુંડલિની ને ચક્રોનો અનુભવ કરી શક્યા. ત્યારે એમને સમજાયું કે બધી વાતો સાચી છે.

પછી તો એમણે કુંડલિની પર પોતાના અનુભવના આધાર પર એક પુસ્તક લખ્યું ધી સરપન્ટ પાવર.

સાધના કે યોગની શાસ્ત્રીય વાતોને કોઈ પણ જાતના વ્યક્તિગત અનુભવ કે એ અનુભવ માટેના અખંડ અભ્યાસ વિના મિથ્યા માનનાર કે મનાવનાર માણસો આ પ્રસંગમાંથી કાંઈ ધડો લેશે ખરા ?  એમને માટે ને બીજા બધાને માટે આ પ્રસંગ બોધપાઠરૂપ છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સંતસમાગમ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer