Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

સંતસમાગમ

NEXT >

૨૯. સાચી સેવાભાવના

 

ભારતમાં દીનદુઃખી, વિદ્યાર્થીઓ, વિધવાઓ અને સાધુસંતોની વરસોથી જુદી જુદી રીતે સેવા કરતી સંસ્થા બાબા કાલી કમલીવાલાની સંસ્થાનું નામ ભાગ્યે જ કોઈએ નહિ સાંભળ્યું હોય. એ સંસ્થાની સુવાસ એની લોકોપયોગી પ્રવૃત્તિને લીધી દેશના વિભિન્ન ભાગોમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલી છે.

એ સંસ્થાના સંસ્થાપક મહાત્મા બાબા કાલી કમલીવાલા એક ઊંચી કોટિના જ્ઞાની, ત્યાગી, સંયમી અને સેવાભાવી પુરુષ હતા. સંસ્થાનું બીજ એમના જેવા સુયોગ્ય પુરુષના હાથે નંખાયેલું હોવાથી એનો વિસ્તાર વધ્યો છે, એ સુદૃઢ બની છે અને એક વિશાળ વટવૃક્ષમાં પરિણમી છે.

કાલી કમલીવાલાનું મૂળ નામ સ્વામી વિશુદ્ધાનંદ હતું, પરંતુ એ કાલી કામળી ઓઢતા એટલે એને લીધે બાબા કાલી કમલીવાળા તરીકે પ્રખ્યાત થયા.

એમના ચરણોમાં લક્ષ્મી આળોટતી અને મોટા મોટા શ્રીમંતો એમની ઈચ્છા પ્રમાણે એમની સેવા કરવા તૈયાર રહેતા. તો પણ એ ખૂબ જ સાદું જીવન જીવતા. સંસ્થાને એ લોકોની માનતા અને પોતાના અંગત સુખોપભોગને માટે નહિ પરંતુ લોકસેવાને માટે એનો ઉપયોગ કરતા.

એમના જીવનની જરૂરતો થોડી હતી. એ મોટે ભાગે સ્વાશ્રયી જીવનમાં માનતા. એવું જીવન જીવવાનો આગ્રહ રાખતા અને પોતાની આવશ્યકતાઓની પૂર્તિ માટે બીજા પર ન છુટકે અને ઓછામાં ઓછો આધાર રાખતા.

સ્વાશ્રયી જીવન પ્રત્યેના એમના પ્રેમને લીધે એમના જીવનમાં એ છેવટ સુધી રોજ ગંગામાંથી પાણીના ઘડા ભરી લાવતા.

ઋષિકેશની સંસ્થામાં એ રહેતા ત્યાં, સંસ્થામાં અને સંસ્થાની બહાર, એ કામ માટે એમને અનેક સેવકો મળી શકે તેમ હતા. એમને કેવળ જીભ હલાવવાની જ વાર હતી. છતાં પણ એ કામને બીજા કેટલાય કામોની જેમ મહત્વનું માનીને એ પોતાની મેળે જ કરી લેતા.

એક વાર એ ગંગાના તટ પરથી ઘડા ભરીને આવતા હતા ત્યારે એક સેવકે એ ઘડો લઈ લેવાનો પ્રયાસ કર્યો તો એ પ્રયાસ નિષ્ફળ ગયો.

સેવકે પૂછ્યું, અમારા દેખતાં તમે આવી રીતે ઘડો ઉપાડો તે સારું કહેવાય ?’

બાબા કાલી કમલીવાળાએ ઉત્તર આપ્યો, એમાં કાંઈ પણ ખોટું નથી લાગતું. સંસ્થામાં મારે મારી રીતે આટલી સેવા તો કરવી જ જોઈએ.

પરંતુ અમારી હાજરીમાં તમારે એવું કરવાની જરૂર જ ક્યાં છે ? તમે તો સંસ્થાની બીજી ઘણી રીતે સેવા કરો છો.

જુઓ ભાઈ બાબા કાલી કમલીવાળાએ કહ્યું, સેવાની કોઈ સીમા, મર્યાદા કે ગણતરી હોય જ નહિ. જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવન બીજાની સેવા માટે જ વાપરવું અને ઘસી નાખવું જોઈએ. સેવામાં નાના મોટાનો ભેદ ના હોય. બધી જ સેવા કામની છે ને માણસને સંતોષ આપે છે. જે સેવા કરે છે તેને એનો સંતોષ મળી શકે છે. સંસ્થામાં રહીને હું પણ મારા ગજા પ્રમાણે શરીરશ્રમ કરું એ જરૂરી છે. એથી બીજાને પ્રેરણા મળશે. એ પ્રમાદી નહિ બને. ઈશ્વરેચ્છા પ્રમાણે માળી બનીને મેં જે સેવાનું બીજ વાવ્યું છે તેના પર હું થોડું પાણી રેડતો જાઉં તે યોગ્ય જ છે.

આપણા નેતાઓ, સંસ્થાપકો, મહંતો અને સંસ્થાધ્યક્ષો સેવાની આ ભાવના કેળવે તો ?  સમાજને કેટલો નક્કર લાભ થાય ?

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સંતસમાગમ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer