ધર્મને નામે વધારે ભાગના લોકો સંકુચિતતાને પોષે છે. પોતાને જે ફાવે-પસંદ પડે
તે સંપ્રદાય જ સાચો છે, સૌથી શ્રેષ્ઠ છે અને બીજા બધા ધર્મ કે સંપ્રદાયો
નકામા, માલ વિનાના છે, એવું વલણ રાખીને ફરનારા લોકો આ જગતમાં કાંઈ થોડા નથી.
દરેક ધર્મમાં એવા લોકોની સંખ્યા વત્તાઓછા પ્રમાણમાં મળી રહે છે. એક રીતે જોઈએ
તો એવા લોકો જુદા જુદા મનુષ્યોની વચ્ચે ભેદભાવની કૃત્રિમ દીવાલ ઊભી કરે છે
અને ધર્મ-સંપ્રદાયને ને નામે વિતંડાવાદ, ચડસાચડસી, અસહિષ્ણુતા, દ્વેષભાવ,
વિરોધ ને ઘર્ષણ જગાવે છે. એવા લોકો પોતાને તો નુકસાન કરે છે, પરંતુ જે
સમાજમાં રહે છે, તે સમાજને પણ પારાવાર નુકસાન પહોંચાડે છે. એ તો વગોવાય છે
પરંતુ એમનો ધર્મ પણ વગોવાય છે. એ લોકો ભૂલી જાય છે કે ધર્મ માણસને સાચા
અર્થમાં માણસ બનાવીને, સમભાવથી સંપન્ન તથા વિશાળ હૃદયનો બનાવે છે અને વિવેકની
એવી જ્યોતિનું દાન દે છે કે જેના પ્રકાશમાં બધી જાતની કટુતા તેમજ
પૂર્વગ્રહોનો અંત આવે છે.
એવી જ્યોતિથી સંપન્ન લોકો કોઈ વાર દેખાય છે ખરા. એમની સંખ્યા જોકે ઘણી ઓછી છે
છતાં એમનો મેળાપ થાય છે ત્યારે અંતરમાં એક જાતનો અકથ્ય આનંદ છવાઈ જાય છે.
એવું પણ થાય કે જગતમાં હજુ પણ સાચા કહી શકાય તેવા મનુષ્યો જીવી રહ્યા છે ખરા.
જગતમાં જે થોડીઘણી શાંતિ કે સુખાકારી છે તે એવા આદર્શ આચારવિચારના મનુષ્યોને
જ આભારી છે એવું લાગ્યા વિના પણ નથી રહેતું. આપણી પૃથ્વી પરના એવા
માનવદેવતાને જોઈ હૃદય નાચી ઊઠે છે.
આ વાત મારા પાલીતાણાના પ્રવાસને યાદ કરીને કહી રહ્યો છું. લગભગ પાંચેક વર્ષ
પહેલાં હું પાલીતાણા ગયેલો ત્યારે ત્યાંના પ્રખ્યાત જૈનમંદિરો પણ જોયેલા.
મંદિરો ઘણાં સુંદર છે, આકર્ષક પણ છે. પર્વતના ઊંચા શિખર પર ભાવ અને ભક્તિથી
ભરેલા દેવમંદિરોની રચના જોઈ મને ખરેખર ખૂબ આનંદ થયો. કેટલી બધી શાંતિ, કેટલો
બધો આનંદ ! હજારો લોકો એ દિવસે મંદિરોના દર્શને આવ્યા હતા. તે બધા મંદિરોને
જોઈ દિગ્મુઢ જેવા બની ગયા.
થોડીવારમાં જ ત્યાં એક દંડી આવી પહોંચી. તેમાં કોઈ ધનાઢ્ય દેખાતી બાઈ બેઠી
હતી. એના શરીર પર ઘણાં ઘરેણાં હતાં. સાથે એના કુટુંબના સભ્યો હતા. દંડીવાળા
આરામ કરવા બેઠા એટલે બાઈ પણ નીચે ઉતરી. એટલી વારમાં તો અમારી સાથે બેઠેલા એક
ભાઈએ એ બાઈ અને એના કુટુંબને ઓળખી કાઢી કહ્યું,
‘તમે
અહીં ક્યાંથી ?’
‘કેમ
?
અમે યાત્રા કરવા ના આવીએ
?
ભાવનગરથી બેચાર જણનો સંગાથ મળ્યો એટલે એમ થયું કે ચાલો યાત્રા કરી આવીએ.’
મંડળીના ભાઈએ કહ્યું.
‘પણ
તમારે ને પાલીતાણાને શું
?
તમે ક્યાં જૈન છો ?
તમે તો વૈષ્ણવ છો.’
‘વૈષ્ણવ
છું તેથી તો પાલીતાણાની યાત્રાએ આવ્યો છું, નહિ તો ન આવત.’
‘એ
કેવી રીતે માની શકાય
?
પાલીતાણા જૈનોનું ધામ ગણાય છે.’
પેલા ભાઈને નવાઈ લાગી.
‘જુઓ,
હું તમને સમજાવું. વૈષ્ણવ એટલે શું
?
વ્યાપક. સૌમાં પ્રવેશીને જે સૌમાં રહેલા છે તે પરમાત્મા. એમનામાં જે ભાવભક્તિ
રાખે, એમને જે માને તે વૈષ્ણવ. એ વિષ્ણુ શું પાલીતાણામાં નથી
?
તે તો જડ ને ચેતનમાં બધે છે. એટલે મેં કહ્યું, હું
‘વૈષ્ણવ’
છું માટે જ અહીં આવ્યો છું. વૈષ્ણવ એટલે સર્વવ્યાપક ઈશ્વરમાં માનનારો, વિશાળ
હૃદયનો. કટ્ટર હોત તો હું અહીં ન આવત.’
આજુબાજુના લોકો એ શબ્દોને સાંભળી નવાઈ પામ્યા. તેમણે તો આવા ખુલાસાની કલ્પના
પણ નહોતી કરી. મને પોતાને પણ એ ભાઈનો વિવેક જોઈને આનંદ થયો. મેં તેમને મનોમન
શાબાશી આપી. મને થયું, આવા વિશાળ હૃદયના અને આવું સાચું સમજનારા માણસો કેટલા
?
જો બધા આવું સાચું સમજતા હોય તો
?
દંડી અને એ કુટુંબ આગળ ચાલ્યું પરંતુ એમનું સંભારણું પાછળ રહી ગયું. એને યાદ
કરતો હું પણ આગળ ચાલવા માંડ્યો.