Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

સંતસમાગમ

NEXT >

૩૭. જગદંબાના ત્રણ રૂપ

 

શાસ્ત્રો કહે છે કે પરમાત્માની પવિત્ર પ્રખર પ્રેમભક્તિનો પ્રવાહ જેના જીવનમાં વહેવા લાગે છે તેનું જીવન ધન્ય થાય છે. પરમાત્માના પ્રેમનો પવિત્ર પ્રકાશ જેના પ્રાણમાં પથરાઈ જાય છે તેનો પ્રાણ પુલકિત અને પ્રસન્ન થાય છે. તથા તેના નેત્રોમાં પરમાત્મા સિવાય જાણે કે કોઈ રહેતું જ નથી. એ સર્વત્ર ને સર્વકાળે પરમાત્માની જ ઝાંખી કરે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એ અનુભવ-વચન જાણે કે એના સંબંધમાં સાચું ઠરે છે.

શ્રી રામકૃષ્ણ પરહંસદેવ એ શાસ્ત્રકથનના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા. એમની અંદર પ્રકટ થયેલી પરમાત્માની પાવન પ્રેમભક્તિ વખતના વીતવા સાથે પરાકાષ્ઠાએ પહોંચી હતી. એ પ્રખર પ્રેમભક્તિએ એમનું આમૂલ પરિવર્તન કરી દીધેલું અને એમના અસ્તિત્વના અણુએ અણુમાં ફરી વળીને એને અલૌકિક કરેલું.

એ પરમાત્માની પ્રેમભક્તિથી સદા તરબોળ રહેતા એમ કહીએ તો ચાલે. પરમાત્માને એ મા રૂપે ભજતા ને મા કહીને પોકારતા. એ મહાશક્તિ મા, અથવા જગદંબાના પદો ગાતા કે સાંભળતા. એને યાદ કરતાં, અને એના ગુણાનુવાદ કરતાં એ ભાવવિભોર બની જતાં ને અવારનવાર સમાધિમાં પણ ડૂબી જતાં.

ભક્તિના પ્રભાવથી એમનું અંતર એકદમ નિર્મળ બની ગયેલું. એમાં કામવાસનાના અંકુરો જાણે કે ઉગતા જ નહિ. એ એક પ્રકારની ઊંચી નખશીખ નિર્મળતાનો અનુભવ કર્યા કરતા. આગળ પર એમણે એમના પ્રશંસકો કે ભક્તોને કહેલું તે પ્રમાણે એમની પવિત્રતાની કસોટી કરવા માટે એ પોતાની પત્ની શારદાદેવી સાથે લગભગ છ મહિના લગી એક જ પલંગ પર સૂઈ રહેલા.

એ વખતના અનુભવનો ઉલ્લેખ કરતાં શારદાદેવીએ પાછળથી કહેલું કે એ મારી પાસે એક નિર્દોષ બાળકની પેઠે શાંતિથી પડી રહેતા. કોઈ કોઈ વાર રાતે હું જાગી જતી ને જોતી તો એ પલંગ પર મારી બાજુમાં જ સમાધિમાં બેઠેલા દેખાતા. મને કોઈ જાતનો ભય ન લાગે એટલે એમણે મને સમાધિની એ અનેરી અવસ્થાની માહિતી આપેલી ને કહેલું કે એ અવસ્થાને જોઈને જરા પણ ગભરાવું નહિ. એટલું જ નહિ, પરંતુ કોઈ વાર લાંબા વખત લગી મને ભાન ન આવે તો મારા કાનમાં પ્રણવનો અથવા કોઈ પણ ભગવાનના નામનો ઉચ્ચાર કરવો એથી મને ભાન આવી જશે. એમના કહેવા પ્રમાણે એમને સમાધિની ઊંડી દશામાં લાંબા વખત લગી ડુબેલા જોઈને કેટલીય વાર મારે એ પ્રયોગ કરવા પડતા, ત્યારે એ એમાંથી જાગ્રત થતાં ને મને શાંતિ વળતી. આરંભમાં મને એ બધું અવનવું લાગેલું પરંતુ પછી તો હું એથી ટેવાઈ ગઈ અને એમને સાધનામાં સહાય કરતી થઈ.

રામકૃષ્ણદેવની જેમ શારદાદેવીને પણ એ માટે ધન્યવાદ ઘટે છે. એ પણ નખશીખ નિર્મળ તથા વાસનારહિત હોવાથી પોતાના પતિ રામકૃષ્ણદેવની સાધનામાં અનેક રીતે મદદરૂપ થઈ શક્યાં ને પોતે પણ સર્વોચ્ચ કોટિના સાધિકા બન્યાં.

એમનો સંબંધ કેટલો બધો ઉદાત્ત, અસાધારણ અને દિવ્ય હશે ? જે કેવળ શરીરસંબંધને જ સ્ત્રી-પુરુષના લગ્નજીવનનું ધ્યેય અથવા એક માત્ર પ્રયોજન કે લાયસન્સ માને છે તે એમના એ અતિ અદભુત, ઉદાત્ત, આત્મસંબંધને નહિ સમજી શકે. પરંતુ એથી કાંઈ એ મિથ્યા નથી બનતો અને એનું મૂલ્ય પણ જરા પણ ઓછું નથી થતું.

એમની પવિત્ર પ્રેમભક્તિને લીધે એ સૌમાં જગદંબાના અપાર્થિવ પ્રકાશની ઝાંખી કરતાં. એવી ઝાંખી એમના માટે તદ્દન સ્વાભાવિક બની ગયેલી. એવા જીવનમાં પછી કામુકતા કેવી રીતે પેદા થાય ? એ સંબંધી એક બીજા સુંદર પ્રસંગનું સ્મરણ આપોઆપ થઈ આવે છે.

એક વાર રાતના વખતે રામકૃષ્ણદેવ સુતા હતા ને શારદાદેવી એમના પગ દબાવી રહેલા. એ વખતે એમને એકાએક વિચાર થઈ આવ્યો કે રામકૃષ્ણદેવની મનોવૃત્તિ ક્યાં રમે છે તે જરા જોઉં તો ખરી.

એ વિચારથી પ્રેરાઈને એમણે પૂછ્યું, કહો તો હું તમારી શું થાઉં ?’

રામકૃષ્ણદેવે એક પળનાય વિલંબ વિના તરત જ ઉત્તર આપ્યો,

કેમ ? એમાં વળી પૂછવાનું શું છે ? એક રૂપમાં મા મંદિરમાં બિરાજે છે, બીજા રૂપમાં એણે જનેતા બનીને મને જન્મ આપ્યો છે, ને ત્રીજા રૂપમાં એ તારી દ્વારા મારા પગ દાબી રહી છે. તમે ત્રણે એક જ છો, તમારામાં કોઈ જ ભેદ નથી એવો મારો વિશ્વાસ છે.

શારદાદેવી તો આભા જ બની ગયાં.

આજે, એ પ્રસંગને આટલા બધાં વરસો વીતી ગયાં છે તો પણ રામકૃષ્ણદેવનો એ લાક્ષણિક ઉત્તર અનેકને આભા બનાવશે. પરંતુ એમાં આભા બનાવા જેવું કશું જ નથી. સંસારના પ્રત્યેક પદાર્થમાં પોતાના ઈષ્ટની ઝાંખી કરવી એ આદર્શ, સાચા ભક્તનો સ્વભાવ હોય છે. એ સ્વભાવનો આછોપાતળો પાવન પડઘો જ આ પ્રસંગમાં પડી રહ્યો છે.

ધન્ય એ રામકૃષ્ણદેવ અને ધન્ય એ શારદાદેવી ! એમના ચરણમાં પ્રણામ ! કોટિ પ્રણામ ! એ પોતાની અહેતુકી અલૌકિક કૃપાવૃષ્ટિ વરસાવીને આપણા અંતરને પણ એવું અલૌકિક કરે કે પરમાત્મભાવથી ભરે !

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સંતસમાગમ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer