Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

સંતસમાગમ

NEXT >

૩૮. મહર્ષિ દયાનંદનો વૈરાગ્ય

 

છેલ્લાં દોઢસો વરસોમાં સનાતન હિંદુ ધર્મ ને હિંદુ જાતિમાં અને એ દ્વારા સમસ્ત સંસારમાં પ્રેરણા તથા પ્રકાશ પાથરનાર ને નવજીવનની અલૌકિક લહર ફેલાવનાર બે પ્રતાપી મહાપુરુષો થઈ ગયા.

બંને જ્યોતિર્ધરો હતા ને બંને પોતપોતાની આગવી રીતે જનતાના કલ્યાણનું કાર્ય કરી ગયા. બંને મેઘાવી, ત્યાગી, વૈરાગ્યવાળા અને દેશના શ્રેયની ભાવનાથી ભરપૂર.

એક વેદાંતકેસરી, રામકૃષ્ણ મિશનના પ્રણેતા સ્વામી વિવેકાનંદ અને બીજા આર્યસમાજના સંસ્થાપક આર્ષદૃષ્ટા મહર્ષિ દયાનંદ.

એ મહર્ષિ દયાનંદ જ્યારે મહર્ષિ તરીકે પ્રખ્યાત નહોતા થયા અને એક અજ્ઞાત પરિવ્રાજકના રૂપમાં ભારતનો પ્રવાસ કરી રહેલા ત્યારે ફરતા ફરતા હિમાલયના સુપ્રસિદ્ધ સ્થળ ઉખીમઠમાં પહોંચી ગયેલા.

એ સ્થળમાં એમણે થોડોક વખત શાંતિપૂર્વક પસાર કરેલો.

એ વખતે એમની ઉંમર ઘણી નાની છતાં પણ યોગ્યતા ઘણી મોટી હતી. એમની અંદર વૈરાગ્ય તથા સત્યનો પ્રેમ ઉછાળા મારતો.

ઉખીમઠના સમૃદ્ધશાળી સ્થાનના મહંતની દૃષ્ટિ એમના પર ઠરી જવાથી, એમણે એમને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો નિર્ણય કર્યો.

એમણે દયાનંદની આગળ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો તથા એમને કાયમ ઉખીમઠમાં જ રહી જઈને ત્યાંની ગાદી સ્વીકારવા કહી જોયું.

દયાનંદના જીવનનું એ એક મોટું પ્રલોભન હતું.

ઊખીમઠ જેવા સુંદર અને સમૃદ્ધ સ્થળના મહંત બનવાની માગણી તથા એની સાથે સંકળાયેલી ભોગવૈભવવાળી સુખદ જીવનની શક્યતા ! પરંતુ ત્યાગ, સંયમ તેમજ વૈરાગ્યની તીવ્ર ભાવનાવાળા ભાવિ મહર્ષિ થવા માટે અવતીર્ણ થયેલા દયાનંદને ગાદીની પ્રાપ્તિનું એ પ્રલોભન લેશ પણ ચળાવી ના શક્યું. એની સામે એ અડગ રહ્યા ને બોલ્યા : આ નાનોસરખો મઠ પોતાની સમસ્ત સંપત્તિ તથા સમૃદ્ધિ સાથે મને મારા ધ્યેયમાંથી ચળાવી કે ડગાવી નહિ શકે. આ સંપત્તિ તથા પદવી મારા મનને મોહિત નથી કરી શકે તેમ. હું સ્વયં સત્તા, સંપત્તિ ને સુખસાહ્યબીમાં બંધાવા માટે નથી આવ્યો, પણ જે બંધાયેલા છે તેમને છોડાવવા માટે આવ્યો છું.

અને એ મઠની બહાર નીકળી ગયા. મઠના મહંત એમને જોઈ જ રહ્યા.

એવો ઉત્કટ, અસાધારણ હતો મહર્ષિ દયાનંદનો વૈરાગ્ય. એ વૈરાગ્ય, ત્યાગ તથા સત્ય પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને એમણે આગળ પર જે મહાકાર્ય કર્યું તે સર્વવિદિત છે. એને લીધે એ અમર બની ગયા.

ધ્યેયની સતત સ્મૃતિ અને નિષ્ઠા માણસને સદા જાગ્રત રાખે છે ને ગમે તેવા પ્રલોભનોની વચ્ચેથી સહીસલામત આગળ વધવાની શક્તિ પૂરી પાડે છે. દયાનંદે પોતાના જીવન દ્વારા એ બતાવી આપ્યું.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સંતસમાગમ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer