Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
  Satsang - Spiritual Teachings  
< BACK

સત્સંગ

NEXT >

  ૩. અષ્ટાવક્રનું દૃષ્ટિબિંદુ

 

નાની ઉંમરના ભક્તો, જ્ઞાનીઓ અને યોગીઓ જેટલા પ્રમાણમાં ભારતમાં થયા છે તેટલા પ્રમાણમાં દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ થયા હશે. નાની ઉંમરમાં કોઈની અંદર ઉત્તમ પ્રકારનું જ્ઞાન, ઉત્તમ પ્રકારની ભક્તિ અથવા યોગશક્તિ કે યોગસાધના પ્રત્યેની અભિરુચિનું દર્શન થાય ત્યારે સમજી લેવું કે એની પાછળ જન્માંતર સંસ્કારોનું ઘણું મોટું પીઠબળ રહેલું છે. જુદા જુદા જન્મોમાં સાધના કરતો જીવ ક્રમે ક્રમે આગળ વધે છે. અને એવા સ્વાભાવિક એકધારા વિકાસના પરિણામરૂપે કોઈ એક જન્મમાં ઊંડું આત્મજ્ઞાન, અસીમ ભક્તિ અને યોગની ઉત્કટ અભિરુચિ પ્રાપ્ત કરે છે.

અષ્ટાવક્રના સંબંધમાં પણ એવું જ હતું. એમનું શરીર કુરૂપ અને વાંકુ હોવાથી એ અષ્ટાવક્ર કહેવાતા, પરંતુ એમનો આત્મા અનેક જન્મોની એકધારી સાધનાને લીધે નિર્મળ બનેલો અને એ જ્ઞાનના પાવન પ્રકાશથી પ્રકાશિત બનીને આત્મોન્નતિની ઉચ્ચોચ્ચ અવસ્થાએ આરૂઢ થયેલા. એ પરમ તેજસ્વી, નમ્ર, સંયમી અને શાંતિ સંપન્ન હતા.

એ એક વખત રાજા જનકની સભામાં પ્રવેશ્યા ત્યારે રાજા જનકે એમનું સ્વાગત કર્યું, પરંતુ એમના વક્ર, કુરૂપ શરીરને જોઈને સભાજનો હસી પડ્યા.

બીજો કોઈ સામાન્ય માનવ હોત તો એ હાસ્ય તથા ઉપહાસને લીધે ક્રોધે ભરાત અથવા સંકોચ અનુભવત, પરંતુ અષ્ટાવક્ર, તો બધી રીતે જોતાં અસામાન્ય હતા એટલે સભાજનોના મુક્ત હાસ્યથી લેશ પણ ઉત્તેજિત થયા વિના એમની સામે હસવા માંડ્યા.

એમનું હાસ્ય જોઈને રાજા જનકને નવાઈ લાગી. એમણે કહ્યું કે સભાજનોમાંના કેટલાય પંડિત કે વિદ્વાન છે. એ તો તેમને જોઈને હસે એ સહેલાઈથી સમજી શકાય તેવું સ્વાભાવિક છે, પણ તમે તેમની સામે હસો છો તે જરા વિચિત્ર છે.

'એમાં વિચિત્ર જેવું કશું જ નથી'. અષ્ટાવક્રે જણાવ્યું, 'મને એટલા માટે હસવું આવે છે કે તમારી સભા પંડિતો ને વિદ્વાનોથી ભરેલી નથી. આ સભામાં તો બધા ચમારો જ બેઠેલા છે'.

'કારણ ?' જનકથી પૂછ્યા વિના ના રહેવાયું.

'કારણ દેખીતું છે'. અષ્ટાવક્રે ખુલાસો કર્યો, 'ચમાર હંમેશાં ચામડાનું કામ કરતો હોવાથી એની દ્રષ્ટિ ચામડા પર જ પડ્યા કરે છે. એ ચામડાને જ મહત્વનું માને છે. આ સભામાં બિરાજેલા વિદ્વાનોએ પણ મારા આત્માની આભાને અવલોકવાને બદલે મારા શરીરને જોઈને જ પોતાની પ્રતિક્રિયા પ્રગટ કરી છે. માટે એમનો સ્વભાવ ચમારનો જ છે. એમનામાં ને ચમારમાં કોઈ ખાસ ફરક નથી લાગતો.'

સમસ્ત સભા સ્તબ્ધ બની ગઈ. શાંત થઈ ગઈ.

સૌને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સાથે સાથે એ પણ સમજાયું કે રાષ્ટ્રના આધ્યાત્મિક આકાશમાં એક અવનવા, મહાપ્રતાપી, તેજસ્વી, તારકનો ઉદય થયો છે. સૌએ અષ્ટાવક્રની માફી માગી.

રાજા જનક તો સ્વયં જ્ઞાની તથા હીરાપારખુ ઝવેરી હતા. અષ્ટાવક્રની અસાધારણ યોગ્યતાને પારખીને એમણે એમનું વિશેષ સન્માન કર્યું. અષ્ટાવક્રે એમના પ્રશ્નોના પ્રત્યુત્તર પૂરા પાડીને એમની શંકાઓનું સુખદ સમાધાન કર્યું એથી એ એમને ગુરુભાવે પણ જોવા લાગ્યા.

અષ્ટાવક્ર ને જનકને થયે તો વરસો વીતી ગયાં છે તો પણ આ કથા અને એની પાછળની પ્રેરણા આજે પણ એવી ને એવી કાયમ છે. એ જરા પણ પુરાણી નથી થઈ. દુનિયામાં બે જાતના મનુષ્યો હંમેશા જોવા મળે છે. એક તો માણસના ગુણને, વ્યક્તિત્વને, જ્ઞાનને કે આત્માને જુએ છે, ને બીજા કેવળ બહારના કલેવરને કે ચર્મને જ જુએ છે, અને તેની પ્રતિક્રિયાના ભોગ બને છે. એકને સૂક્ષ્મ-દૃષ્ટિ અને બીજાને સ્થૂળ દૃષ્ટિ કહી શકાય. જીવનને સુખી કરવા તથા જેને જોવાય તેને પૂરતો ન્યાય આપવો. એ અત્યંત આવશ્યક છે કે માણસ સૂક્ષ્મ દૃષ્ટિથી સંપન્ન બને. વ્યક્તિ કે વસ્તુના હાર્દમાં ઉતરવાનું પણ શીખી લે. આજની દુનિયા આગળ વધવાનો ને સુધરેલી હોવાનો દાવો કરે છે છતાં પણ અષ્ટાવક્રના દૃષ્ટિબિંદુ પ્રમાણે એમાં શ્વાસ લેતા મોટાભાગના માનવો શિક્ષિત, પંડિત, પદાધિકારી, પ્રતિષ્ઠિત, અમીર કે શૂરવીર ને સાક્ષર હોય તો પણ ચામડીને જ મહત્વની માનનારા ને ચામડીના જ સુખોપભોગમાં રમનારા હોવાથી એક પ્રકારના ચમારો જ છે એવું નથી લાગતું ? એ ચમારવૃત્તિથી મુક્તિ મેળવે તેને જ સંસ્કૃત કહી શકાય. વંદનીય અને અનુકરણીય પણ એ હોઈ શકે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સત્સંગ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer