Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
  Satsang - Spiritual Teachings  
< BACK

સત્સંગ

NEXT >

  ૪. બુદ્ધિની શ્રેષ્ઠતા

 

રામાયણમાં એક સુંદર, પ્રેરક, રોચક પ્રસંગ છે મહર્ષિ વાલ્મીકિ તથા સંત તુલસીદાસ બંનેએ પોતપોતાના રામાયણમાં એનું વર્ણન કરેલું છે.

એ પ્રસંગ હનુમાન અને સુરસાનો છે.

સીતાની શોધ કરવા માટે જામવંતના વચનોથી ઉત્સાહિત થઈને હનુમાનજી સમુદ્રને પાર કરીને લંકામાં પહોંચવા માટે તૈયાર થયા. સૌને વંદન કરીને હૃદયમાં રામને ધારણ કરીને પ્રસન્નતાપૂર્વક આગળ વધીને સમુદ્ર તટ પરના એક પર્વત પર ચઢીને એ આકાશમાર્ગે ચાલી નીકળ્યા.

દેવોએ એમને પ્રયાણ કરતાં નિહાળીને સર્પોની માતા સુરસાને એમના બળ અને બુદ્ધિની પરીક્ષા કરવા મોકલી.

એણે હનુમાનજી પાસે પહોંચીને કહ્યું, 'આજે મારા સૌભાગ્યનો સૂરજ ઉગ્યો છે, કારણ કે દેવતાઓએ મને ઉત્તમ આહાર મોકલી આપ્યો છે.'

હનુમાને એને જણાવ્યું કે હમણાં હું ખૂબ જ જરૂરી કામે જઈ રહ્યો છું માટે મને જવા દે. મારા કાર્યમાં વિધ્નરૂપ ન થા. રામના આદેશાનુસાર સીતાને શોધીને પાછો આવું ને સીતાના સમાચાર રામને સંભળાવું પછી તારી પાસે આવી પહોંચીશ. તે વખતે તું મને ખાઈ જજે.

પરંતુ સુરસા એવી રીતે ભોળવાઈને હનુમાનની માંગણીને મંજૂર કરે તેવી ન હતી.  એણે તો હનુમાનને મારી નાંખવાનો મક્કમ નિર્ધાર કરેલો. એટલો એ એમનો રસ્તો રોકીને ઊભી રહી.

હનુમાનને ગળી જવાના ઉદ્દેશથી એણે પોતાની માયાનો આશ્રય લઈને પોતાના વદનનો વિસ્તાર એક યોજન જેટલો કરી દીધો.

હનુમાને એથી જરા પણ અંજાયા વિના પોતાના વદનનો વિસ્તાર એના કરતાં બમણો કરી દીધો.

સુરસાએ પોતાનું મુખ સોળ યોજન જેટલું મોટું કર્યું તો હનુમાને એથી બમણું સ્વરૂપ ધારણ કર્યું.

આ બંનેમાં એવી રીતે એક પ્રકારની હરીફાઈ ચાલી.

સુરસા એના મુખને મોટું કરતી ગઈ અને હનુમાનજી એના કરતાં ઉત્તરોત્તર મોટું ને મોટું રૂપ ધરતા રહ્યા.

એમ કરતાં કરતાં સુરસાએ મુખને સો યોજન જેટલું વિશાળ કર્યું. એ વખતે એની ભયાનકતાનો પાર ન રહ્યો. એ ખૂબ જ બળવાન હતી. હનુમાને વિચાર્યું કે આ આસુરી શક્તિ સંપત્તિવાળી રાક્ષસી સામે કેવળ બળનું પ્રદર્શન કરવાથી કાંઈ જ નહિ વળે. એની સામે તો બુદ્ધિનો પ્રયોગ જ કરવો પડશે. બળથી નહિ પરંતુ કળથી કામ લેવું જોઈશે.

એવું વિચારીને એમણે પોતાના રૂપને અતિશય નાનું કરી દીધું ને સુરસાના વિશાળ વિશ્વવ્યાપી વદનમાં પ્રવેશીને તરત બહાર નીકળીને એને પ્રણામ કરીને લંકાપ્રવેશ માટે આગળ વધવાની અનુજ્ઞા માંગી.

એ જોઈને સુરસા પ્રસન્ન થઈ ને બોલી, 'દેવોએ મને જે કામ માટે મોકલેલી તે તારી શક્તિની કસોટી કરવાનું કામ પૂરું થયું. તું બળવાન તો છે જ પરંતુ સાથે સાથે ખૂબ જ બુદ્ધિશાળી પણ છે. એની મને ખાતરી થઈ. તું રામનું કામ સારી રીતે કરી શકીશ. હું તને તે માટે આશીર્વાદ આપું છું.'

હનુમાનને આશીર્વાદ આપીને સુરસા વિદાય થઈ એટલે હનુમાનજી રામનું કાર્ય કરવા માટે આગળ વધ્યા.

તુલસીકૃત રામાયણના સુંદરકાંડમાં સંક્ષેપમાં છતાં સરસ રીતે આલેખાયેલો આ પ્રસંગ શું સૂચવે છે ? એ જ કે કેટલીય વાર બહારનાં બળ કરતાં બુદ્ધિબળ વધી જાય છે. જે પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ બળથી નથી થતો તેમનો ઉકેલ કળથી થઈ જાય છે. પશુબળ સામે ઝઝૂમવામાં ને તેને પરાસ્ત કરવામાં પણ કેટલીક વાર બુદ્ધિ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કેટલાકનું કહેવું છે કે બળની સામે બળ જ ટકી શકે છે, માટે જગતમાં જે વિઘાતક બળોનો વિકાસ થઈ રહ્યો છે, એમનો પ્રતિકાર કરવા એવી જ વિઘાતક તૈયારી કરવી જોઈએ. એવી માન્યતાવાળી પ્રજા શસ્ત્રસજ્જ થાય છે, એટલું જ નહિ પણ શસ્ત્રોની હોડમાં પડે છે. એવી રીતે એક બાજુ ભૌતિક શક્તિ, શસ્ત્રશક્તિ, સુરસા છે ને બીજી બાજુ માણસની બુદ્ધિ, સૂઝ કે માનવતા-હનુમાન છે. બંને વચ્ચેના ઘર્ષણમાં અંતિમ વિજય બળનો નહિ પરંતુ બુદ્ધિનો ને દાનવતાનો નહિ પરંતુ માનવતાનો થશે, એટલી આશા આપણે અવશ્ય રાખીએ. સંસ્કૃતિની સુરક્ષા તથા શાંતિ માટે એ આવશ્યક છે. વિકાસની આગેકૂચમાં સુરસાને નહિ પણ હનુમાનને આદર્શ માનીને આગળ વધનારી પ્રજા જ સફળ થાય છે ને વિજયી બને છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સત્સંગ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer