Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
  Satsang - Spiritual Teachings  
< BACK

સત્સંગ

NEXT >

૨૦. બહારની સિદ્ધિઓ

 

ભગવાન બુદ્ધના વખતમાં ભાતભાતના તપસ્વી કે યોગીઓ વાસ કરતા.

એમનામાં કેટલાક તો લોકસમૂહથી દૂર એકાંતમાં રહીને કઠોર નિયમો તથા વ્રતોનું પાલન કરતાં તેમજ અનેક પ્રકારના અટપટા અનુષ્ઠાનોનો આધાર લઈ પોતાનો વખત નિર્ગમન કરતા.

કઠોર સાધનોનો આશ્રય લેનારા એ યોગીઓમાંના કોઈ કોઈને ઘણા અનુયાયીઓ, પ્રશંસકો ને શિષ્યો હતા. એ એમની અસાધારણ શક્તિ કે સિદ્ધિઓથી ચકિત થતા. એમની પ્રશંસા કરતા અને એમને પૂજતા પણ ખરા.

કેટલાક તપસ્વીઓ અને યોગીઓ એમની સિદ્ધિઓનો ગર્વ પણ રાખતા. પોતાના કરતા સાધારણ, સિદ્ધિઓ વગરના સાધકો અને સંતોને એ તુચ્છ લેખતા.

આત્મકલ્યાણ, આત્મચિંતન, આત્માનુસંધાન અને આત્મસાક્ષાત્કાર કરતાં અવનવી સિદ્ધિઓની પ્રાપ્તિને એ વધારે મહત્વ આપતા, એ સિદ્ધિઓની પ્રાપ્તિ જ એમનું લક્ષ્ય રહેતું. સિદ્ધિઓની પ્રાપ્તિને માટે અને એ સિદ્ધિઓનું પ્રદર્શન કરીને લોકોને ચકિત કરવા માટે જ સાધના, તપશ્ચર્યા કે ઉપાસના છે એવી એમની માન્યતા હતી. એને લીધે એમનો સમસ્ત પુરુષાર્થ એ જ હેતુની સિદ્ધિ માટે વપરાયા કરતો.

બુદ્ધને એવા સિદ્ધિપ્રાપ્ત યોગી પુરુષનો મેળાપ અવારનવાર થયા કરતો.

કોઈ કોઈ એમના સંસર્ગથી પલટાતા પણ ખરા, તો કોઈ બીજા એમની ઉપર પોતાનો પ્રભાવ પાડીને એમને પોતાના શિષ્ય બનાવવાનો પ્રયાસ પણ કરતા રહેતા.

પરંતુ એ સફળ થવાને બદલે બુદ્ધના વિરાટ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને પાછા ફરતા. બુદ્ધની પાસે જ એક વિશેષ જીવનદર્શન હતું. તે એમને સઘળા સંજોગોમાં જાગૃત રાખીને એમની પોતાની તો રક્ષા કરતું જ પરંતુ બીજા અનેકને માટે પણ ઉપયોગી ઠરતું. બીજા અનેકના જીવનપરિવર્તનમાં એ મદદરૂપ બનતું.

 એકવાર એમની પાસે એક યોગીએ આવીને કહેવા માંડ્યું, 'યોગની સાધના કરીને મેં અત્યંત વિલક્ષણ શક્તિ મેળવી છે.'

'મેળવી હશે.' બુદ્ધે કહ્યું.

તમને ખબર નહિ હોય પરંતુ એ શક્તિની પ્રાપ્તિ કરતાં મને લાંબો વખત લાગ્યો છે.' પેલા યોગીએ ઉત્સાહથી ઉભરાઈને પોતાની વાતના અનુસંધાનમાં આગળ કહ્યું.

'લાંબો વખત એટલે કેટલો વખત ?'

'પૂરાં બાર વરસ. બાર વર્ષ સુધી કઠોર તપ કરીને મેં એ સિદ્ધિની પ્રાપ્તિ કરી છે. નજરે જોયા વિના વિશ્વાસ કદાચ નહિ બેસે એટલે એ સિદ્ધિનો ચમત્કાર તમને તમારા શિષ્યોની હાજરીમાં પ્રત્યક્ષ બતાવવા માંગુ છું.'

'તમારે એનો પ્રયોગ કરી બતાવવો હોય તો મને એને જોવામાં કશી હરકત નથી.'

બીજે દિવસે નિશ્ચિત સમયે એ યોગીની સમસ્ત શિષ્યમંડળી એકઠી થઈ. ભિક્ષુઓ પણ ભેગા થયા. એક બાજુ બધાની વચ્ચે ભગવાન બુદ્ધ બેસી ગયા. અને એ યોગી પણ આવી પહોંચ્યા.

યોગીએ જણાવ્યું :

'તમે જેની કલ્પના યે નહિ કરી હોય એવી સિદ્ધિની મેં પ્રાપ્તિ કરી છે. એને જોઈને તમે સૌ આશ્ચર્યચકિત બની જશો અને મારા શિષ્યો થશો, એવો પ્રયોગ હવે તમારી આગળ કરી બતાવું છું.'

યોગીનો એ વિલક્ષણ શક્તિ પ્રયોગ જોવા સૌ ઉત્સુક બની ગયા. ભગવાન બુદ્ધ સિવાય બધાની જિજ્ઞાસા વધી ગઈ.

યોગીએ સૌના કુતૂહલને સંતોષવાની તૈયારી કરી. ભગવાન બુદ્ધ તરફ ગૌરવ તથા ગર્વથી ભરેલી દૃષ્ટિથી જોઈને એ સામેની નદી તરફ આગળ વધ્યા. જોતજોતામાં તો એ નદીના ઊંડા પાણી પર પગ મૂકીને જમીન પર ચાલે તેમ કોઈ પણ જાતના સંકોચ વિના ચાલવા માંડ્યા. નિમીષમાત્રમાં નદી પાર કરીને એ સામે કિનારે જઈને થોડીવાર ઊભા રહ્યાં ને ફરી પાછા એ જ પ્રમાણે નદીના પ્રબળ વેગથી વહેતા પાણી પરથી ચાલીને બીજી જ બાજુ સૌની આગળ આવી પહોંચ્યા.

સૌના વિસ્મયનો પાર ન રહ્યો. સૌએ હર્ષધ્વનિ કર્યો.

કેવળ ભગવાન બુદ્ધ શાંત રહ્યા એમને શાંત જોઈને યોગીએ પૂછ્યું:

'તમને મારી સિદ્ધિ ના ગમી ?'

'ગમી.'

'તો પછી ? તમે બીજાની પેઠે મને ધન્યવાદ કેમ નથી આપતા ? તમને મારી ઈર્ષા થાય છે ? કે પછી તમારા શિષ્યો મારા શિષ્યો બની જશે એવો ભય લાગે છે ?'

'મને એવો ભય લેશ પણ નથી થતો. મને તો એ જાણીને દુઃખ થાય છે કે આવી સાધારણ શક્તિને મેળવવા માટે તમે બાર વરસનો લાંબો વખત વિતાવી દીધો.'

'નદીના પાણી પર પગ મૂકીને ચાલવાની શકિત શું સાધારણ કહેવાય ?' યોગીને હવે ક્રોધ થયો. પરંતુ બુદ્ધે શાંતિથી કહ્યું :

'હા. એકદમ સાધારણ કહેવાય. નાવમાં બેસીને થોડી જ વારમાં નદી પાર જઈ શકાય છે. પછી આવી શક્તિ શા માટે મેળવવી ? અહંકારની નદીમાં મમતાના મગરમચ્છ, રાગદ્વેષના ખાડા તેમજ કામક્રોધના કુંડાળા છે. એ નદીને સંયમ, શીલ અને જ્ઞાન તથા સદાચારની મદદથી પાર કરવાની કળા શીખવાની જરૂર છે. ત્યારે જ શાંતિ મળી શકે. બુદ્ધને એ નદી પાર કરવામાં વધારે રસ છે.'

યોગીનો ગર્વ ગળી ગયો. એ બુદ્ધનો શિષ્ય બન્યો.

બહારની સિદ્ધિઓ ખોટી નથી. એ એકદમ અનાવશ્યક છે એવું પણ નથી. એમનું મહત્વ એમના સ્થાનમાં છે જ. પરંતુ એમના મોહમાં પડીને અને એમને વધારે પડતું મહત્વ આપીને તથા સાધનાનું મહત્વ સર્વસ્વ ગણીને સાધક પોતાની અંદરની આત્મસિદ્ધિ પ્રત્યે ઉદાસીન બને ને ઈશ્વરવિમુખ થાય એ જરાય આવકારદાયક નથી. એ સદા યાદ રહેવું જોઈએ.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સત્સંગ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer