શીખ ધર્મના
ઈતિહાસમાં નવમા ગુરુ ઘણા પ્રતાપી થઈ ગયા. એ ગુરુ અત્યંત તેજસ્વી હોવા ઉપરાંત
શાંતિ તેમજ સહનશક્તિના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા.
એમના
ભત્રીજાએ એમને ગોળીથી ઘાયલ કર્યા તો પણ એમણે શાંતિ જાળવી રાખી. શીખો એને
પકડીને એમની પાસે લાવ્યા ત્યારે એમણે એને મોટું દિલ રાખી ક્ષમા આપી.
એ ગુરુએ
કેટલાંય લોકોપયોગી કામો કરવા માંડ્યાં.
એ વખતે
દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન ચાલી રહ્યું હતું. ઔરંગઝેબ ધર્માંધતા તથા ધાર્મિક
ઝનૂનથી પ્રેરાઈને પંજાબ તથા કાશ્મીરમાં હિંદુઓ પર જુલમો ગુજારી રહેલો.
ત્યાંની
હિંદુ જાતિ એની જોહુકમી અને યંત્રણાથી પીડિત થયેલી ને ત્રાસી ગયેલી.
ગુરુ જ્યારે
ફરતાં ફરતાં પંજાબ આવ્યા ત્યારે ત્યાંના ત્રસ્ત લોકોએ એકઠા થઈને એમને પોતાની
રક્ષા કરવા પ્રાર્થના કરી. એમના સુપુત્ર ગોવિંદસિંહે પણ એ પ્રાર્થનાને
અનુમોદન આપ્યું ને વધુમાં જણાવ્યું કે આ ઘોર કલિયુગમાં તમારા જેવા કે તમારાથી
વધારે પવિત્ર ને પરોપકારી પુરુષ બીજા કોઈ જ નથી. માટે લોકોની લાગણીને લક્ષમાં
લઈને તમે ધર્મની રક્ષા જરૂર કરો.
ગુરુ
લોકવાણીનો અનાદર કરી શક્યા નહિ.
એ ધર્મની
રક્ષા કરવા તૈયાર થયા.
એમના
શિષ્યો, ભક્તો ને પ્રશંસકોએ એમની સંમતિથી ઔરંગઝેબને કહેવડાવ્યું કે અમારા
પ્રતાપી ગુરુ પોતે જ જો મુસલમાન બની જાય તો અમે બધા પક્ષ એક સાથે હિંદુ કે
અન્ય ધર્મનો ત્યાગ કરી મુસલમાન બનવા તૈયાર છીએ.
ઔરંગઝેબને એ
પ્રસ્તાવ પસંદ પડ્યો. એણે એને પૂરો કરવાની યોજના ઘડી કાઢી, અને એ યોજનાનુસાર
ગુરુને દિલ્હી બોલાવ્યા.
ગુરુને એણે
કોઈક કરામત કે ચમત્કાર કરી બતાવવાનું કહ્યું.
ગુરુએ
કહ્યું, 'મને
કરામત બતાવવાની ઈચ્છા નથી, મારામાં એવી કોઈ શક્તિ પણ નથી. કરામત તો ઈશ્વર કરે
છે. ઈશ્વરની દુનિયા કરામતોથી ભરેલી છે એમની આગળ બીજાથી શી કરામત કરી શકાય
?
હું તો એમનો સાધારણ બાળક છું. કરામત કરી બતાવવી એ તો ઈશ્વરની વ્યવસ્થામાં
વિક્ષેપ પાડવા બરાબર છે.'
ઔરંગઝેબે
ગુસ્સે થઈને કહ્યું, 'તો
પછી ઈસ્લામનો સ્વીકાર કરો.'
'ઈસ્લામનો
સ્વીકાર તો કેવી રીતે કરી શકાય ?
હું તો શુદ્ધ સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખું છું. એનું અમૃત મારા અંગેઅંગમાં
વ્યાપી રહ્યું છે. ધર્મ તો એક નૌકા સમાન છે. એ નૌકામાં બેસી સમુદ્રની વચ્ચે
જઈને કોઈ નીચે ન ઊતરી શકે.'
'તો
પછી એનું પરિણામ ખબર છે ?
તમારું માથું ધડ પર નહિ રહે.'
'ઈશ્વરની
ઈચ્છા એવી હોય તો ભલે એમ થાય. મને તેનો ભય નથી. ધર્મની નિષ્ઠા માટે કદાચ
મરવું પડશે તો તે મૃત્યુ મંગલમય થઈ પડશે.'
બંનેની
વચ્ચે બીજી દલીલો થઈ છતાં ગુરુ મક્કમ જ રહ્યા એટલે ઔરંગઝેબની આજ્ઞાથી એમને
કારાવાસમાં ધકેલી દેવામાં આવ્યા.
બે માસ
સુધીનો કારાવાસનો કપરો કાળ પૂરો થયા પછી એમને દેવાયેલા દેહાંતદંડનો અમલ કરવા
જલ્લાદ આવી પહોંચ્યો.
ગુરુ જરા પણ
ડર્યા કે ગભરાયા નહિ, પરંતુ શાંત જ રહ્યા.
એવા વિપરિત
વખતે શાંત રહેવું કાંઈ સહેલું ન હતું, પરંતુ ગુરુને એવી શાંતિ સ્વભાવસિદ્ધ
હતી.
એમણે
ઈશ્વરને યાદ કરીને આસન લગાવ્યું અને નાનકદેવે રચેલા ગ્રંથ જપજીનો પાઠ કર્યો.
એ પછી તરત જ
જલ્લાદે તીક્ષ્ણ તલવારથી એમનું મસ્તક ધડથી અળગું કર્યું.
ધર્માંધતાથી
પ્રેરાઈને ઔરંગઝેબે એવી રીતે એક વધારે મોટો અપરાધ કરી નાખ્યો, ને
ધર્મનિષ્ઠામાં અડગ રહીને ગુરુએ પોતાની જાતનું મહામૂલ્યવાન બલિદાન દીધું.
પોતાના
ધર્માધિકારની રક્ષા માટે ગુરુએ શરીરની આહુતિ આપી દીધી તો પણ એમની શાંતિ અક્ષય
રહી. એમણે કોઈ ક્રોધ ન બતાવ્યો કે કોઈને કશો શાપ પણ ન આપ્યો.
ઈ.સ. ૧૬૭૫ના
નવેમ્બરની અગિયારમી તારીખે અપાયેલું ગુરુનું એ શાંત બલિદાન નિષ્ફળ ન ગયું. એ
બલિદાને સમસ્ત શીખ જાતિને પ્રેરણા પૂરી પાડી, શક્તિ બક્ષી અને એક કરી. એણે
જગતને જણાવ્યું કે પીડા, યંત્રણા કે દેહાંતદંડ જેવા કઠોર દંડ પણ માણસને
પોતાની નિષ્ઠામાંથી ચળાવી નથી શકતા. માણસ ગમે તેવી ધમકી, ગમે તેવા ભય કે
પાશવી બળની સામે પણ અડગ રહી શકે છે.
એ
બલિદાનમાંથી પ્રેરણા લઈને ગુરુના પુત્ર ગોવિંદસિંહે પાછળથી ઈતિહાસ સર્જ્યો.
એ અમુલખ
બલિદાન આપનાર ગુરુ બીજો કોઈ જ નહિ, પરંતુ ગુરુ તેગ બહાદુર હતા. પોતાની આહુતિ
દ્વારા અનેકના જીવનને અજવાળનાર એ મહાન અમર ગુરુને આપણે આદરપૂર્વક અંજલિ આપીએ.