Shri Yogeshwarji's

 

Teachings

 

Inspirational incidents and examples

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
  Satsang - Spiritual Teachings  
< BACK

સત્સંગ

NEXT >

3૪. વિવેકાનંદ અને વાંદરા

 

વેદાંત કેસરી સ્વામી વીર વિવેકાનંદના જીવનની વાત છે.

એ વાત એમણે પોતે જ પરદેશમાં કરેલાં પોતાનાં પ્રવચનોમાં કહી બતાવી છે.

વાત ઘણી સરસ તથા પ્રેરણાત્મક છે એથી એનું અવારનવાર સ્મરણ થઈ આવે એ સ્વાભાવિક છે.

પોતાની પ્રખ્યાતિના વખત પહેલાં સ્વામી વિવેકાનંદે દેશના પ્રત્યક્ષ દર્શનની અને દેશની પરિસ્થિતિને જાણવાની ઈચ્છાથી પ્રેરાઈને અમુક ચોક્કસ સમય સુધી દેશનું પરિભ્રમણ કરેલું.

એ દરમિયાન દેશના વિવિધ પ્રદેશોમાંથી પસાર થતાં એ મધ્યપ્રદેશમાં આવી પહોંચ્યા.

ત્યાંના પોતાના પ્રવાસ દરમિયાન એ એકવાર એક અરણ્ય જેવા પ્રદેશમાંથી આગળ વધી રહેલા ત્યારે એકાએક એમની દ્રષ્ટિ પાછળ પડી તો એમના આશ્ચર્યનો પાર રહ્યો નહિ.

એમણે પોતાની પાછળ થોડેક દૂર વાંદરાના એક નાના સરખા ટોળાને આવતું જોયું.

વાત એકદમ સાધારણ અને વનના વાતાવરણને માટે તદ્દન કુદરતી હતી. તો પણ વિવેકાનંદને એથી આશ્ચર્ય તો થયું જ, પરંતુ વધારામાં ભયની લાગણી થઈ આવી.

એ લાગણીથી પ્રેરાઈને એ રસ્તા પર દોડવા લાગ્યા.

આગળ વિવેકાનંદ અને પાછળ વાંદરાનું ટોળું, બન્ને વચ્ચે જાણે કે દોડવાની હરિફાઈ શરૂ થઈ.

વિવેકાનંદ વચ્ચે વચ્ચે પાછળ નજર કરીને જોવા લાગ્યા તો વાંદરાઓની સંખ્યા એમને વધતી લાગી.

વાંદરા એમને પકડી પાડવા અને એમના પર આક્રમણ કરવા ઉત્સુક હોય એવું લાગવા માંડ્યું.

વિવેકાનંદને સમજ ના પડી કે આ દશામાં શું કરવું.

એ વધારે ને વધારે વેગથી આગળ દોડવા માંડ્યા.

પરંતુ વાંદરાનું ટોળું પાસે ને પાસે આવતું ગયું અને એમની નિરાશા વધતી ગઈ. એ વધારે ભયભીત થયા.

એ જ વખતે દૂરના એક ખેતરમાંથી કોઈ ખેડૂતનો અવાજ આવ્યો, 'સ્વામીજી, દોડો નહિ. દોડવાને બદલે હિંમતપૂર્વક વાંદરાઓની સામે ઊભા રહો.'

વિવેકાનંદને એ શબ્દોથી પ્રેરણા મળી. એ તરત જ વાંદરાઓની સામે ઊભા રહ્યા. એની અસર એવી તો ચમત્કારિક થઈ કે વાંદરાઓનું ટોળું દોડતું અટકી ગયું, ને ધીમે ધીમે વીખેરાયું.

એ હકીકતને વારંવાર યાદ કરીને સ્વામી વિવેકાનંદ કહેતા કે એવી જ રીતે માયાનો પ્રતિકાર કરો, એવી જ રીતે ભ્રાંતિ અથવા અજ્ઞાનનો સામનો કરો.

એ ઉદ્દગાર સમજવા જેવા છે. જીવનમાં જ્યારે સંકટો, પ્રલોભનો કે ભયસ્થાનોથી ઘેરાઈ જવાનો અવસર આવે ત્યારે હતપ્રભ કે હતાશ થવાને બદલે, પોતાના મૂળભૂત આત્મસ્વરૂપને યાદ કરી, એમાં પ્રતિષ્ઠિત થઈને, એમની સામે હિંમતપૂર્વક ઊભા રહેવાની જરૂર છે. એવી રીતે પ્રતિકૂળતાથી નાસીપાસ થવાને બદલે જે પરમાત્મામાંથી પ્રેરણા મેળવીને બનતી શાંતિ રાખીને માર્ગ કરે છે તે જ ભયમાંથી મુક્ત બને છે અને જીવનના વિકાસની સર્વોત્તમ સફરમાં સફળતાપૂર્વક આગળ વધે છે. નિરાશા નહિ પણ આશા, નિર્બળતા નહિ પણ બળ, ને નાહિંમત નહિ પણ હિંમતને ધારણ કરવાથી જ લાભ થાય છે. આજે પણ એ સંદેશ એવો જ અસરકારક અને અમર છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'સત્સંગ' માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer