હરિદ્વારના
બીજાં જોવા જેવાં સ્થળોમાં ગૌઘાટ, કુશાવર્તઘાટ, નીલધારા, ચંડીદેવી, ભીમગોડા,
સપ્તસરોવર, બિલ્કવેશ્વર મહાદેવ તથા રામઘાટ મુખ્ય છે.
રામઘાટ:
અહીં
શ્રી મહાપ્રભુજીની બેઠક છે. ત્યાં વલ્લભ સંપ્રદાય અથવા પુષ્ટિમાર્ગનાં ઘણાં
ભાવિક સ્ત્રીપુરુષો દર્શન કરવા આવે છે.
બિલ્વકેશ્વર મહાદેવ:
હરિદ્વાર સ્ટેશનથી હરિકી પૈડી જતાં રસ્તામાં નદી પર જે પાકો પૂલ આવે છે
ત્યાંથી ફંટાતા રસ્તે આગળ જતાં વિલ્વકેશ્વર મહાદેવ આવે છે. રેલ્વેના પાટાની
પેલે પાર બિલ્વ નામે પર્વત પર મહાદેવનું એ મંદિર આવેલું છે. મંદિરની અંદર અને
બહાર મહાદેવની બે મૂર્તિઓ જોવા મળે છે. એ સ્થળમાં પહેલાં એક મોટું બિલ્વવૃક્ષ
હતું. મહાદેવની ડાબી બાજુએ ગુફામાં દેવીની મૂર્તિ છે. બંને મંદિરોની વચ્ચે
શિવધારા નામની નાનકડી નદી છે. ‘કેદારખંડ’
અધ્યાય
૧0૭માં એ
સ્થળનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે:
"એ
પર્વત પરની કલ્યાણકારી શિવધારામાં સ્નાન કરનાર શિવસદૃશ બની જાય છે. ત્યાં
બિવ્લવૃક્ષની નીચે શિવલિંગ છે. હે નારદ, એની દક્ષિણે અશ્વતર નામનો મહાનાગ રહે
છે. એનું મસ્તક મણિવાળું છે. પાતાળગામી બિલ્વવૃક્ષની મદદથી એ પાતાળમાં આવજા
કરે છે, અને કોઈવાર
હરણ તો કોઈવાર
મુનિનું રૂપ લઈને
તીર્થોમાં સ્નાન કરે છે."
બિલ્વકેશ્વર
મહાદેવનું એ નાનું, શાંત અને એકાંત સ્થળ ખરેખર દર્શનીયય છે. એકાંતપ્રેમીઓની
સાધના માટે એ અનુકૂળ છે.
સપ્તસરોવર:
ભીમગોડાથી લગભગ એકાદ માઈલ
દૂર છે. એને ‘સપ્તધારા’
પણ કહેવામાં આવે છે. એના વિશે એવી વાત પ્રચલિત છે કે જ્યારે ગંગાએ હિમાલયના
ઉપરના પર્વતીય પ્રદેશમાંથી વહેતાંવહેતાં આવીને એ શાંત સ્થળમાં પ્રવેશ કર્યો
ત્યારે સાત મહાન ઋષિઓ તપ કરતા હતા. એથી એને થયું કે કોઈ
એક ઋષિના આશ્રમ આગળથી વહીશ તો બીજા ઋષિઓને અન્યાય થશે ને તેમને માઠું લાગશે,
એટલે એણે બધા ઋષિઓની પર્ણકુટિ પાસેથી એકીસાથે વહેવાનો વિચાર કર્યો;
અને એના પરિણામે એણે પોતાના પ્રવાહને સાત વિભાગોમાં વહેંચી દઈને
સાતેય ઋષિઓના આશ્રમ પાસેથી એકીસાથે વહેવા માંડ્યું. ત્યારથી એ સ્થળ
સપ્તસરોવરના નામથી પ્રસિદ્ધિ પામ્યું.
ભીમગોડા:
હરિકી પૈડીથી હૃષીકેશ જતાં રસ્તા પર આવેલું છે. પંડાઓનું કહેવું છે કે એ
સ્થાનમાં ભીમસેને તપશ્ચર્યા કરેલી. ત્યાં જે કુંડ છે તે પણ ભીમસેને તૈયાર
કરેલો એમ કહેવાય છે. ગોડા એટલે ઘૂંટણ. ભીમસેનના ઘૂંટણના ટેકાથી એ કુંડ બની
જવાથી તેને ભીમગોડા કહેવામાં આવે છે. ત્યાં એક નાનુંસરખું મંદિર પણ છે. લોકો
ત્યાં દર્શન, પૂજન ને સ્નાન માટે મોટી સંખ્યામાં એકઠા થાય છે. દેશનાં કોઈક
વિરલ સ્થળોમાં જોવા મળતું બ્રહ્માનું મંદિર પણ ત્યાં જોઈ
શકાય છે.
હરિદ્વારમાં
એક બાજુ દેખાતા નીલપર્વત પર યાત્રીને ચંડીદેવીના મંદિરનું દર્શન થાય
છે. એ મંદિરના દર્શન માટે કોઈકોઈ
ભાવિક યાત્રીઓ એના લગભગ બે માઈલ
જેટલા ચઢાણની, તેમ જ શાંત, એકાંત જંગલમાર્ગની પરવા કર્યા વિના નીકળી પડે છે.
કહે છે કે પહેલાં ત્યાં અત્યંત ઉચ્ચ કોટિના સમર્થ સંતપુરુષો, દેવીભક્તો કે
યોગીઓ નિવાસ કરતા. એમના વિશે ભાતભાતની ને જાતજાતની વાતો સાંભળવા મળે છે.
ચંડીદેવીના મંદિરનો એક માર્ગ ગૌરીશંકર મહાદેવના મંદિર પાસેથી અને બીજો માર્ગ
કામરાજની કાલીના મંદિર પાસેથી પસાર થાય છે. એમાં કાલીના મંદિર પાસેનો માર્ગ
જરા વધારે સહેલો છે. પહેલા માર્ગે ચંડીદેવીના મંદિરે જઈને
ત્યાંથી બીજા માર્ગે નીચે ઊતરવાથી કેટલાંક મંદિરો જોવા મળે છે ને પર્વતની
પ્રદક્ષિણા પૂરી થાય છે. પર્વતની બીજી તરફ કેળનું વન છે. તેમાં સિંહ, હાથી ને
બીજાં જંગલી પ્રાણીઓ છે. ચંડીદેવીના મંદિરમાં રાતે કોઈ
રહેતું નથી. પૂજારી તથા પંડાઓ સાંજ સુધીમાં નીચે ઊતરી જાય છે. એના કારણમાં એમ
કહેવાય છે કે ત્યાં દેવીના દર્શન માટે રોજ રાતે સિંહ આવતો હોવાથી ત્યાં
રહેવું જોખમભરેલું છે. છતાં નિર્ભય મનના, એકાંતપ્રેમી સાધનાપરાયણ પુરુષોને
માટે એ સ્થાન આશીર્વાદરૂપ છે. એવા કોઈ
સમર્થ સંત, મહાત્મા કે તપસ્વી એ સ્થાનમાં રહેતા હશે ત્યારે એની શોભા અનેરી
હશે, એ સજીવ લાગતું હશે.
નીલપર્વત નીચે
આવેલી, નહેરની પેલી પારની, ગંગાની ધારાને નીલધારા કહે છે. ભગવાન
શંકરના નીલ નામના ગણે એ પર્વત પાસે શંકરને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કરેલું,
તેથી એ પર્વત નીલપર્વત તરીકે ઓળખાયો અને એની નીચેની ધારા નીલધારા કહેવાઈ,
તથા એણે સ્થાપેલું શિવલિંગ નીલેશ્વરના નામથી પ્રખ્યાતિ પામ્યું. નીલધારા
ગંગાની મૂળ ધારા છે. હરિદ્વારમાં ઘાટ પર જોવા મળતી ગંગાની ધારા તો મૂળ
ગંગામાંથી નહેર બનાવીને આણેલી ધારા છે. નીલધારામાં કેટલાય યાત્રીઓ સ્નાન કરે
છે તથા પર્વત પર આવેલા નીલેશ્વર મહાદેવનું દર્શન કરે છે.
ગૌઘાટ:
હરિકી પૈડા અથવા બ્રહ્મકુંડની પાસે છે. ત્યાં સ્નાન કરવાથી ગૌહત્યા દૂર થાય
છે. એનાથી થોડેક દૂર કુશાવર્તઘાટ છે. ત્યાં પિંડદાનનો ખાસ મહિમા મનાય
છે. એના વિશે તથા કુશાવર્તઘાટના નામકરણ વિશે પંડાઓ એક પરંપરાગત કથા કહી બતાવે
છે. કહે છે કે એ ઘાટ પાસે ભગવાન દત્તાત્રેયે દશ હજાર વરસ સુધી તપ કરેલું.
એકવાર એ તપમાં સંલગ્ન હતા ત્યારે ઘાટ પર મૂકેલાં એમનાં વસ્ત્ર, કુશ, દંડ તથા
કમંડલને ગંગા તાણી ગઈ.
દત્તાત્રેયના તપનો પ્રભાવ એવો ભારે હતો કે એ બધી વસ્તુઓ ગંગાની ધારામાં
વહેવાને બદલે, એમની આજુબાજુ ગોળગોળ ફરતાં ગંગાજળમાં ફરવા લાગી. એમની સમાધિદશા
પૂરી થતાં એમણે એ જોયું તો ક્રોધે ભરાઈને
એ ગંગાને શાપ આપવા માટે કે ભસ્મ કરવા માટે તૈયાર થયા. એ વખતે બ્રહ્મા તથા
બીજા દેવતાઓએ આવીને એમની પ્રસન્નતા માટે સ્તુતિ કરી, ત્યારે દત્તાત્રેયે
કહ્યું
: "તમે
આ સ્થળમાં નિવાસ કરો. ગંગાએ મારી કુશ જેવી વસ્તુઓને અહીં ચક્કર ચક્કર ફેરવી
હોવાથી હવેથી આ સ્થળ ‘કુશાવર્ત’
કહેવાશે. આ સ્થળમાં પિતૃઓને પિંડદાન દેવાથી એમની મુક્તિ થશે ને એમનો
પુનર્જન્મ નહિ થાય."
ત્યારથી એ ઘાટ કુશાવર્તઘાટ કહેવાયો.
હરિદ્વારમાં
સ્વામી શ્રદ્ધાનંદે સ્થાપેલી સંસ્થા કાંગડી ગુરુકુળ તથા રામકૃષ્ણ મિશન
સેવાશ્રમ પણ જોવાલાયક છે. હરિદ્વારના સ્ટેશનથી બહાર નીકળીને રસ્તા પર આગળ
ચાલતાં જે ભગવાન શંકરની પ્રતિમા આવે છે તે અત્યંત આકર્ષક, સુંદર ને કાયમને
માટે યાદ રહી જાય તેવી છે. એમના મસ્તક પરથી પડતું ગંગાનું પવિત્ર પાણી આપણને
મૂક રીતે સંકેત કરે છે કે જીવનને શાંતિમય ને કલ્યાણકારી બનાવવા માટે આપણા
મનને એવી જ રીતે સ્વસ્થ અને શાંત રાખતાં શીખવું જોઈશે;
અને તો જ જીવન અને જગત
ઈશ્વરના
મંગલમય, પાવન પ્રવેશદ્વાર જેવું બની શકશે.