મહાભારતકાળમાં, પાંડવોની રાજધાની તરીકે વખણાયેલું હસ્તિનાપુર ઘણું વિશાળ
હતું. મેરઠથી ર૬ માઈલ દૂર ગંગાના તટ પર વસેલું પ્રસિદ્ધ તીર્થધામ
ગઢમુક્તેશ્વર, હસ્તિનાપુરના એક વિભાગરૂપ હતું. એની જાહેજલાલી પણ એવી જ અનેરી
હતી. પરંતુ આજે તો એની દશા તદ્દન જુદી છે. કવિ નર્મદે સુંદર અને સુસમૃદ્ધ
સુરત શહેરની પ્રાચીન ભવ્યતાનું સ્મરણ કરીને જેમ ઉદ્દગાર કાઢેલા કે
‘સુરત,
તું સોનાની મુરત’,
તેમ હસ્તિનાપુરની અત્યારની અવદશા દેખીને, એની પ્રાચીન સમૃદ્ધિ કે સમુન્નતિનો
વિચાર કરતાં, આપણું અંતર પણ કરુણામય બનીને બોલી ઊઠે છે કે,
‘હસ્તિનાપુર,
ક્યાં ગયું તારું નૂર ?’
ખરેખર, હસ્તિનાપુરનું એ નૂર અથવા એના પ્રતાપનું પૂર આજે નથી રહ્યું. જે
કાળદેવતા ઉત્થાન ને પતનના પાસા ફેરવ્યા કરે છે તે કાળદેવતાએ હસ્તિનાપુરને પણ
નથી છોડ્યું. આ ભૂમિ પર પગ મૂકતાંવેંત આપણું કાળજુ કરુણાર્દ્ર બને છે અને
આપણને જાણે કે મોટો બોધપાઠ મળે છે કે સંસાર પરિવર્તનશીલ છે, એમાં કશું જ
સ્થાયી નથી;
કાળ સૌનો કોળિયો કરે છે. એવો વિચાર આવતાં સંસારની મમતા અથવા આસક્તિ મોળી પડે
છે.
હસ્તિનાપુર
મેરઠથી લગભગ રર માઈલ દૂર છે. મેરઠથી ઉત્તરપ્રદેશનું પ્રખ્યાત શહેર ખતૌલી ર૧
માઈલ દૂર છે. તે રેલ્વે સ્ટેશન છે. દિલ્હી કે મેરઠથી હરિદ્વારના મોટરમાર્ગમાં
પણ વચ્ચે આવે છે. ત્યાંથી હસ્તિનાપુર જવાય છે. મેરઠથી નવાત સુધી પાકા માર્ગે
જઈને ત્યાંથી કાચા રસ્તે પણ હસ્તિનાપુર જઈ શકાય છે.
હસ્તિનાપુર
પહેલાં ગંગાકિનારે હતું. પણ હવે તો ત્યાંથી ગંગા કેટલાય માઈલ દૂર જતી રહી છે.
હસ્તિનાપુરની દુર્દશાથી પોતાને થયેલું દુઃખ સહન ના થવાથી જાણે એણે દૂર
રહેવાનું જ પસંદ કર્યું છે. આ સ્થળમાં ગંગાની જે જૂની ધારા છે તે
‘ખેડ’
અથવા ‘બૂઢી
ગંગા’ના
નામથી ઓળખાય છે. પ્રાચીન શહેર તથા સામ્રાજ્યનાં સોનેરી સ્વપ્નાં સંઘરીને એ
સૂઈ રહી છે. ભૂમિ એની એ જ છે ને જળની ધારા પણ, ભલે જીર્ણ દશામાં હોય તો પણ,
એની એ જ છે. એમાં કોઈ ફેર નથી પડ્યો. ભારતનાં ભૂતકાલીન સાંસ્કૃતિક ગૌરવ જેવાં
આવાં કેટકેટલાં સ્થળો કાળની અસર નીચે આવીને લુપ્તપ્રાય કે જીર્ણ બની ગયાં
હશે, એનો હિસાબ કોની પાસે છે ?
કાળ અને એના નિયંતા ઈશ્વર સિવાય બીજા કોઈનીય પાસે નથી.
કારતકી પૂનમે
આ સ્થળમાં મોટો મેળો ભરાય છે. જૈન ધર્માવલંબીને માટે પણ આ ક્ષેત્ર મહત્વનું
મનાય છે. આદિ તીર્થંકર ઋષભદેવજીને રાજા શ્રેયાંસે અહીં શેરડીનો રસ આપેલો તેથી
એને દાનતીર્થ કહે છે. શાન્તિનાથ, કુન્થુનાથ અને અર્હન્નાથ એ ત્રણે
તીર્થંકરોના જન્મની તથા તપની ભૂમિ તરીકે પણ એની પ્રસિદ્ધિ છે. ત્યાં એમનાં
ચરણચિહ્ન છે. જૈન મંદિર છે, ને ધર્મશાળા છે.