ગીતાના પહેલા
અધ્યાયના પહેલા જ શ્લોકમાં કુરુક્ષેત્રનો ટૂંકો પરિચય વાચકને પ્રાપ્ત થાય છે.
ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે : "હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં મારા પુત્રો
તથા પાંડવો લડવાની ઈચ્છાથી એકઠા થયા હતા, તેમણે શું કર્યું
?"
धर्मक्षेत्रे
कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः
पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥
આ શ્લોકમાં
જેમ કુરુક્ષેત્રનો એક પરંપરાગત પ્રાચીન તીર્થધામ તરીકે ઉલ્લેખ છે તેમ, એના
ઐતિહાસિક મહત્વનો પણ નિર્દેશ કર્યો છે. એ શ્લોક વાંચતાં કે સાંભળતાવેંત જ
દૃષ્ટિપટ આગળ રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનું ચિત્ર ખડું થાય છે.
કૌરવો અને પાંડવોની, યુદ્ધ માટે તૈયાર થઈને ઊભેલી સેનાઓની વચ્ચે ધનુર્ધારી
અર્જુનનો રથ ભગવાને એના પોતાના કહેવાથી ઊભો રાખ્યો. અર્જુને બંને સેના પર નજર
નાખી, અને એનું મન યુદ્ધ વિશે ઉપરામ બની ગયું. ત્યાં ભેગા થયેલા મિત્રો,
સ્વજનો તથા પૂજ્યજનોને જોઈને, લાગણીવશ બનીને, એણે યુદ્ધ નહિ કરવાનો વિચાર રજૂ
કરીને, ગાંડીવ મૂકી દીધું, ને રથમાં બેસી ગયો.
અર્જુન તો
હતોત્સાહ બની ગયો, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એમ હતોત્સાહ બને તેવા ક્યાં હતા
?
અર્જુનને કર્તવ્યાભિમુખ કરવા માટે, એના એકાએક ઉત્પન્ન થયેલા મોહને ખંખેરી
નાખવાના ઉદ્દેશથી, ભગવાને જ્ઞાનની પતિતપાવની ગંગા વહેતી કરી. એ ગીતાબોધને
પરિણામે અર્જુનનો મોહ મટી ગયો. કુરુક્ષેત્ર નામ સાંભળતાં અને એની ભૂમિ પર પગ
મૂકતાં એ આખોય ઈતિહાસ આપણી આંખ આગળ તાજો થાય છે, અને વીતી ગયેલા કાળની
નાનીમોટી કેટલીય કડીઓ, એક પછી એક, તાદૃશ્ય થાય છે. કુરુક્ષેત્ર અત્યંત
પ્રાચીન તીર્થસ્થાન છે એ સાચું, પરંતુ ભારતવર્ષની મોટા ભાગની જનતા તો એને
‘ગીતાના
અલૌકિક અક્ષરામૃતની અવતારભૂમિ’
તરીકે જ ઓળખે છે;
અને એની મહત્તા એને મન એ દૃષ્ટિએ જ વધારે છે. વરસોથી એવી રીતે સંદેશાવાહક
ભગવાન શ્રીકૃષ્ણની સાથે કુરુક્ષેત્ર નામ સંકળાયેલું હોવાથી એના મહિમા ને
ગૌરવમાં તથા એની લોકપ્રિયતામાં વધારો થયો છે. અર્જુનની પેઠે કર્તવ્યવિમુખ
થયેલા, મોહગ્રસ્ત માનવોને મોહમાંથી મુક્તિ આપી, નવો પ્રકાશ પૂરો પાડી, ફરી
કર્તવ્યપરાયણ બનવાની શક્તિ એ ધરાવે છે અને એને માટેનો સંદેશ પૂરો પાડે છે.
કુરુક્ષેત્રની યાત્રાની સફળતા, એ સંદેશને ઝીલીને જીવનમાં નવું બળ પેદા
કરવામાં અને પોતાની કાયાપલટ કરવામાં રહેલી છે, એનું સ્મરણ આ તીર્થધામમાં
પ્રવેશ કરતી વખતે થયા વિના નથી રહેતું.
દિલ્હીથી
અમૃતસર જતી રેલ્વેમાં રસ્તામાં કુરુક્ષેત્ર સ્ટેશન આવે છે. સ્ટેશન એકંદરે
નાનું છે, પરંતુ બહુ મહત્વનું છે. સૂર્યગ્રહણના અવસર પર કુરુક્ષેત્રમાં
લોકોનાં ટોળેટોળાં ઊમટી પડે છે, તે વખતે કુરુક્ષેત્રની રોનક ફરી જાય છે.
કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વેળાના સ્નાનનો ને સત્કર્મનો મહિમા મોટો મનાતો
હોવાથી, એ વિશેષ અવસર પર ત્યાં મોટો મેળો ભરાય છે. ધર્મપ્રેમી લોકો એ વખતે
ત્યાં હજારોની સંખ્યામાં ઊમટી પડીને સ્નાનપાન, પાઠપૂજા, દેવદર્શન, દાન તથા
મંત્રાનુષ્ઠાન કરે છે. સૂર્યગ્રહણના ખાસ સ્નાન માટે આજુબાજુના વિસ્તારના લોકો
તો આવે જ છે, પરંતુ દૂરદૂરના પ્રદેશની પ્રજા પણ આવી પહોંચે છે. સોમવતી અમાસના
સ્નાન માટે પણ લોકો ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે.
જ્યોતિસર :
ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જ્યાં ગીતાનો ઉપદેશ આપેલો એ સ્થળનું દર્શન કરીને
પ્રત્યેક પ્રવાસીને આનંદ થાય છે. એ સ્થળ આજના કુરુક્ષેત્ર સ્ટેશનથી લગભગ પાંચ
માઈલ દૂર પેહેવા જતા પાકા રસ્તા પર આવેલું છે. સરસ્વતી નદીના તટ પર આવેલું એ
સ્થળ જૂના વખતથી જ્યોતિસર નામે ઓળખાય છે. તે સ્વાભાવિક રીતે જ ઘણું મંગલ મનાય
છે. થાનેસર શહેરથી એ સ્થળ ત્રણેક માઈલ દૂર છે. ત્યાં, ભગવાન શ્રીકૃષ્ણના
સદુપદેશનો સનાતન સાક્ષી બનીને સરસ્વતી નદીનો એ પ્રાચીન નિર્મળ પ્રવાહ વહી
રહ્યો છે. બાકી તો, ત્યાં એક પ્રાચીન સરોવર છે અને પાસે કેટલાંક જૂનાં વડનાં
વૃક્ષો છે. એમાંનો એક વડ ‘અક્ષય
વટવૃક્ષ’
કહેવાય છે. બાજુમાં એક શિવમંદિર તૂટીફૂટી અવસ્થામાં જોઈ શકાય છે. કાશ્મીરના
મહારાજા તરફથી એની પાસે લગભગ દોઢસો વરસ પહેલાં, એક શિવમંદિરની રચના કરવામાં
આવેલી, તથા બીજું મંદિર લગભગ ૬0 વરસ પહેલાં બનાવાયેલું. ઈ.સ. ૧૯ર૪માં
દરભંગાના મહારાજાએ અક્ષયવટની આજુબાજુ પાકો ચોતરો બનાવી, ભગવાન શ્રીકૃષ્ણના
નાનકડા મંદિરની સ્થાપના કરી. એવી રીતે, વિધર્મીઓનાં અવારનવારનાં આક્રમણોનો
ભોગ બનેલા એ ઐતિહાસિક સ્મૃતિસ્થાનને સાચવી રાખવાના પ્રયાસો ધર્મનિષ્ઠ તથા
સંસ્કૃતિપ્રેમી પુરુષો તરફથી આજ સુધી કરાતા રહ્યા છે. ભારતનું એ સૌભાગ્ય છે
કે એની સંસ્કૃતિમાં રસ લેનારા અને એનાં સ્મારકો કરવામાં ગૌરવ ગણનારા પ્રતાપી
પુરુષો એને ખોળે પાકતા રહે છે. કુરુક્ષેત્ર સ્ટેશનથી જ્યોતિસરના એ સુંદર
સ્થળમાં જવા માટે રીક્ષા, ટાંગા તથા બસની વ્યવસ્થા છે.
કુરુક્ષેત્ર
‘બ્રહ્માની
ઉત્તરવેદી’
નામથી પહેલાં પ્રખ્યાત હતું. યજુર્વેદમાં એનું વર્ણન જોવા મળે છે.
કૌરવપાંડવોના પૂર્વજ મહારાજ કુરુના નામ પરથી એ કુરુક્ષેત્ર તરીકે ઓળખાયું.
મહારાજા કુરુના કાળમાં એ અધ્યાત્મવિદ્યાનું મહાન કેન્દ્ર હતું અને એને એવું
બનાવવામાં મહારાજા કુરુનો બહુ મોટો યોગ હતો એમ કહેવાય છે.
‘વામનપુરાણ’ના
બાવીસમાં અધ્યાયમાં એવો ઉલ્લેખ છે કે, મહારાજા કુરુએ પવિત્ર સરસ્વતી નદીના તટ
પર આવેલા એ સ્થાનમાં અધ્યાત્મવિદ્યા તથા સદાચારયુક્ત ધર્મની ખેતી કરવાનો
નિર્ણય કર્યો. એ પોતાના સુવર્ણરથમાં બેસીને ત્યાં આવી પહોંચ્યા. લાંબે વખતે
ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ એમને વરદાન માંગવા કહ્યું તો એમણે કહ્યું :
‘પ્રભુ,
મેં જેટલી ભૂમિનો વિકાસ કર્યો છે તે બધી ભૂમિ પુણ્યક્ષેત્ર કે ધર્મક્ષેત્ર
બનીને મારા નામે વિખ્યાત થાય;
ભગવાન શંકર અહીં બધા દેવતાઓ સાથે વાસ કરે;
અને આ સ્થળમાં કરેલું સ્નાન, ઉપવાસ, તપવ્રત, યજ્ઞ-બધું જ ધર્માચરણ અક્ષય બની
જાય;
આ સ્થળમાં જે માણસનું મૃત્યુ થાય તે પોતાના પુણ્યપાપના પ્રભાવથી મુક્ત થઈને
સ્વર્ગની પ્રાપ્તિ કરે.’
ભગવાને એમની માંગણી મંજૂર રાખી. ત્યારથી એ ક્ષેત્ર કુરુક્ષેત્રના નામે
જાણીતું થયું. ભૃગુઋષિએ ત્યાં યજ્ઞોની વ્યવસ્થા કરી હોવાથી એને ભૃગુક્ષેત્ર
પણ કહેવાય છે.
કુરુક્ષેત્રના
પાવન પ્રદેશમાં પ્રાતઃસ્મરણીય વૈદિક ઋષિવરોએ વેદની રુચાઓનું જયગાન કર્યું,
તથા મહર્ષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠે તપ દ્વારા દૈવી જ્ઞાનની પ્રાપ્તિ કરી.
પાંચમા વેદ તરીકે ઓળખાતા મહાભારતના ગ્રંથની રચના પણ મહર્ષિ વ્યાસે આજ
પુણ્યક્ષેત્રમાં કરી હતી એવું કહેવાય છે. કુરુક્ષેત્રમાં પુણ્યસલીલા સરસ્વતી
નદીના તટપ્રદેશ પર ઋષિમુનિઓના એકાંત શાંત આશ્રમો હતા. એમાં રહીને અસંખ્ય
વિદ્યાર્થીઓ ધર્મ, તત્વજ્ઞાન, સંસ્કૃતિ તથા બીજા વિષયોનું શિક્ષણ મેળવતા.
મહાભારતના યુદ્ધના કાળથી માંડીને સમ્રાટ હર્ષના કાળ સુધી એ પ્રદેશ બધી રીતે
સમુન્નતિના શિખર પર પહોંચેલો હતો. બૌદ્ધોના સમયમાં પણ એ પ્રદેશ સાંસ્કૃતિક
દૃષ્ટિએ સર્વોત્તમ હતો. ઈ.સ. પૂર્વે 3ર૬ થી માંડી ઈ.સ. ૪८0
સુધી,
પહેલાં એના પર મૌર્ય રાજાઓનું આસન રહ્યું અને પછીથી ગુપ્ત રાજાઓનું. રાજા
હર્ષના રાજદરબારને શોભાવનાર મહાકવિ બાણભટ્ટે પોતાના પ્રખ્યાત પુસ્તક
‘હર્ષચરિત’માં
લખ્યું છે કે, ‘થાનેસર
સરસ્વતી નદીના તટ પર વસેલું છે, ને ધર્મ, સંસ્કૃતિ તથા વેપારનું મોટું
કેન્દ્ર છે.’
ઈ.સ. ૬ર૯ થી ૬૪પ સુધી ભારતમાં વાસ કરનાર અને કેટલાંક વરસો સુધી રાજા હર્ષના
અતિથિ તરીકે રહેનાર ચીની યાત્રી હ્યુ-એન-સંગે પણ લખ્યું છે કે,
‘ધાર્મિક
પરંપરા તથા પ્રગતિને લીધે થાનેસર ઉત્તર ભારતમાં સર્વોત્તમ સ્થાનની પ્રાપ્તિ
કરી ચૂક્યું છે. એ હકીકતનો સ્વીકાર કર્યા વિના રહેવાય તેમ નથી.’
કુરુક્ષેત્રનો
પ્રદેશ પરંપરાગત રીતે એવો ઉત્તમ છે. આજે એની અવસ્થા જરા જુદી છે. તેમ છતાં
ત્યાં શિક્ષણ કેન્દ્રો ખોલવાની ને નિરાશ્રિતોને વસાવવાની પ્રવૃત્તિ ચાલે છે.
એ ભૂમિને સંસ્કૃતિ તથા શિક્ષણના સુંદર કેન્દ્રમાં ફેરવવાની અને જનસેવાની
પ્રવૃત્તિઓથી ધમધમતી કરવાની જરૂર છે. કોઈપણ સ્થળની ભૂતકાળની ગાથા ગમે તેટલી
ભવ્ય કે મહિમાવંતી હોય, તોપણ, કેવળ એના જ આધાર પર એ સુખી, સમૃદ્ધ અને મહાન ના
બની શકે. એ ભવ્યતાને, મહિમાને ટકાવી રાખવા એને વર્તમાનકાળને અનુરૂપ પ્રગતિશીલ
પગલાં ભરવા જોઈએ. તો જ તે કાળની કૂચમાં પોતાનું સ્થાન ટકાવી કે સુરક્ષિત રાખી
શકે. એ દૃષ્ટિએ જોતાં ત્યાં કુરુક્ષેત્ર યુનિવર્સિટી સ્થપાય છે એ આવકારદાયક
છે. એ યુનિવર્સિટી ઘણાં મોટા વિસ્તારમાં પથરાયેલી છે.
‘વામનપુરાણ’માં
મળતા વર્ણન પ્રમાણે, કુરુક્ષેત્રમાં સાત નદીઓ તથા સાત વનોનો સમાવેશ થતો હતો.
સાત નદીઓ સરસ્વતી, વૈતરણી, આપગા, મધુસ્ત્રવા, કૌશિકી, દૃષુદ્રતી, તથા
હરણ્યવતી. આજે તો ચોમાસામાં ફક્ત સરસ્વતી નદી કોઈક ઠેકાણે (થાનેસર, જ્યોતિસર,
પેહેવા જેવા સ્થળોમાં) વહેતી દેખાય છે. બીજી બધી જ નદીઓ લુપ્ત થઈ ગઈ છે.
સાતવનના નામ આ પ્રમાણે છે : કામ્યકવન, અદિતિવન, વ્યાસવન, ફલકીવન, સૂર્યવન,
મધુવન અને શીતવન. એ વન પણ હવે તો નથી રહ્યા. એમની જગ્યાએ ખેતરો તથા ગામડાઓ થઈ
ગયા છે. કાળદેવતા પોતાનું કામ કર્યે જાય છે. એને લીધે જળને ઠેકાણે સ્થળ ને
સ્થળને ઠેકાણે જળ થતું રહે છે. આ સંસારમાં કશું પણ સ્થાયી ક્યાં છે
?
મોટા-મોટાં સામ્રાજ્યો માટીમાં ભળી ગયા છે, તો પછી નાનાનાનાં વન તથા નગરોનો
શો હિસાબ ?
એવો વિચાર કરતા સમજુ માણસને વૈરાગ્ય થયા વિના નથી રહેતો. એ વનની જગ્યાએ થયેલા
અને આજે જોવા મળતાં ગામો પરથી એમની સ્મૃતિ તાજી થાય છે. કામ્યક વનની જગ્યામાં
કમોસિ નામે ગામ છે, જે જ્યોતિસરથી ત્રણેક માઈલ દૂર છે. અદિતિવનની જગ્યામાં
અમીન ગામ છે, જે કુરુક્ષેત્ર સ્ટેશનથી પાંચેક માઈલ દૂર છે. વ્યાસવન પર વારસા
ગામ છે. ફલકીવનના સ્થાનમાં ફરલ ગામ તથા ફલ્વુતીર્થ છે, જે પેહેવા સ્ટેશનની
પાસે છે. સૂર્યવનના સ્થળમાં સંજુમા ગામ તથા સૂર્યકુંડતીર્થ છે. મધુવનના
સ્થળમાં મોહિના ગામ છે, જ્યારે શીતવનના સ્થળમાં શિવન ગામ છે.
દર્શનીય
સ્થળો:
કુરુક્ષેત્રના
જોવા જેવા સ્થળોમાં એક બ્રહ્મસર છે. બ્રહ્મસરને જ કુરુક્ષેત્ર કહેવામાં આવે
છે. તે કુરુક્ષેત્ર સ્ટેશનથી એકાદ માઈલના અંતર પર છે. એક જમાનામાં બ્રહ્મસર
વિશાળ સરોવર હતું. આજે બ્રહ્મસર અથવા કુરુક્ષેત્ર સરોવર
ઘણું
પવિત્ર મનાય છે. તેમાં બે દ્વીપ છે. તેમાં મંદિરો અને બીજાં કેટલાંક સ્થાનો
છે. ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિર ખાસ ઉલ્લેખનીય છે. ચંદ્રકૂપનું પવિત્ર
તીર્થસ્થાન પણ જોવા જેવું છે. સરોવર-તટ પર પ્રાચીન મંદિર, મઠ ને ધર્મશાળાઓ
છે. કાલી કમલીવાલાની ધર્મશાળામાં તેમજ શ્રવણનાથની હવેલીમાં યાત્રીઓ તથા
સાધુસંતોને ઊતરવાની વ્યવસ્થા છે. એ બાજુ ગૌડીય મઠ તથા ગીતાભવન પણ છે. ત્યાં
શીખોનું ગુરુદ્વારા પણ છે. ગુરુ નાનકદેવ તથા બીજા કેટલાક શીખ ગુરુઓએ
કુરુક્ષેત્રની તીર્થભૂમિની મુલાકાત લીધેલી. ગુરુ નાનકદેવની સ્મૃતિમાં સરોવરના
કિનારા પર એક ગુરુદ્વારાની રચના કરવામાં આવી છે. સરોવરની બાજુમાં બિરલા તરફથી
એક ગીતામંદિરની રચના થઈ છે.
સંનિહિત નામે
બીજું સરોવર છે, જે ઘણું નાનું છે. એની ત્રણ બાજુએ ઘાટ બાંધેલા છે. એની પાસે
લક્ષ્મીનારાયણનું પ્રાચીન મંદિર છે. સૂર્યગ્રહણના અવસર પર યાત્રીઓ એ સરોવર
આગળ મોટી સંખ્યામાં એકઠા થાય છે. ત્યાં શ્રાદ્ધાદિ કરવાની પ્રથા પણ ચાલી આવે
છે. ત્યાં જન્માષ્ટમી, વામનદ્વાદશી તથા દશેરાના દિવસો દરમિયાન મેળો ભરાય છે.
થાનેસર શહેરની
તદ્દન પાસે થાનેસર નામે તીર્થ છે. ત્યાં નાનું સરખું સરોવર છે, જેના કિનારા
પર ભગવાન સ્થાણ્વીશ્વરનું મંદિર છે. કહે છે કે, મહાભારતના યુદ્ધમાં વિજયી
થવાની કામનાથી પ્રેરાઈને પાંડવોએ ત્યાં શકર ભગવાનની પૂજા કરીને એમની પાસેથી
આશીર્વાદ મેળવેલા.
કુરુક્ષેત્ર
સરોવરથી ત્રણેક માઈલ દૂર બાણગંગા નામે એક બીજું સ્થળ છે. પંડાઓ એના સંબંધી
એવી કથા કહે છે કે, ભીષ્મ પિતામહ એ જ સ્થળમાં બાણશય્યા પર સૂતેલા. એ વખતે
એમને તરસ લાગી એટલે અર્જુને બાણ મારીને જમીનમાંથી પ્રકટાવેલી પાણીની ધારા
સીધી એમના મુખમાં જ મોકલી આપી. અત્યારે ત્યાં એ સુંદર સરોવર તથા નાનુંસરખું
મંદિર છે. એ સ્થળ જોઈને ભીષ્મની યાદ તાજી થાય છે.
થાનેસર
તીર્થથી થોડેક દૂર ભદ્રકાલી માતાનું પ્રાચીન મંદિર છે. તે જોવા જેવું છે.
કહેવાય છે કે, પાંડવોએ વિજયી થવા માટે ત્યાં દેવીની આરાધના કરેલી.
ભગવાન
વિષ્ણુની નાભિમાંથી પેદા થયેલા કમળમાંથી બ્રહ્માની ઉત્પતિ થયેલી એ કથા તો
જાણીતી છે. એ ઉત્પત્તિસ્થાન થાનેસર શહેરની નજીક છે. તેને નાભિકમલતીર્થ
કહેવામાં આવે છે. ત્યાં પણ સરોવર તથા વિષ્ણુ ભગવાનનું ને બ્રહ્માનું નાનકડું
મંદિર છે.
ભીષ્મ પિતામહ
જ્યાં શય્યા પર સૂતેલા તે સ્થાન પણ પંડાઓ બતાવે છે. એ સ્થાન થાનેસરથી લગભગ
દોઢ માઈલ દૂર આવેલું છે, જેને ભીષ્મશય્યા કહે છે. ત્યાંના સરોવરમાં યાત્રીઓ
સ્નાન કરે છે, ને બાજુમાં બેસીને ધર્મકર્મ પણ કરતા હોય છે.
સરસ્વતી નદીના
તટ પર જ્યાં મહર્ષિ માર્કંડેય તથા દધીચિના આશ્રમો હતા ત્યાં હાલ મારકંડાતીર્થ
તથા દધીચિતીર્થ છે. માંર્કંડેય મુનિ મહાન તપસ્વી હતા. તેમણે એ તીર્થસ્થાનમાં
રહીને તપ કરેલું. મહર્ષિ દધીચિએ દધીચિતીર્થમાં વૃત્રાસુરને મારવા માટેનું
વજ્ર બનાવવા સારુ પોતાનું શરીર દેવોને અર્પણ કરેલું.
મહાભારતના
યુદ્ધ દરમિયાન, યુદ્ધના મેદાનમાંથી ભાગી જઈને દુર્યોધન એક સરોવરમાં સંતાઈ
ગયેલો એવી કથા મહાભારતમાં આવે છે. પાંડવોએ એને ત્યાંથી બહાર કાઢેલો. એ જગ્યાએ
મુનિ પરાશરનો આશ્રમ પણ હતો. એ સ્થાન કરનાલથી કૈથલ જતી સડકથી આશરે છ માઈલ દૂર
છે. ત્યાં એક મોટું સરોવર છે. ફાગણ સુદ અગિયારસે ત્યાં મેળો ભરાય છે.
થાનેસરથી દક્ષિણમાં ર0 થી ર૬ માઈલ દૂર આવેલું એ સ્થાન દર્શનાર્થીઓને આજે પણ
સંદેશ આપે છે કે, માણસ આકાશમાં જાય, પૃથ્વી પર ફરે, કે પાણીમાં છુપાવા મથે,
તોપણ કાળ તેને નથી છોડતો. જ્યાં પણ હોય ત્યાંથી યોગ્ય કે નિશ્ચિત સમયે શોધી
કાઢીને તે તેનો કોળિયો કરે જ છે. એ સ્થાનને પરાશ અથવા દ્વૈપાયન હદ કહે છે.
એ ઉપરાંત,
અભિમન્યુનું જ્યાં મૃત્યું થયેલું તે થાનેસરથી પાંચેક માઈલ દૂર આવેલું અમીન
ગામ, તેની ઊંચી ટેકરી પાસેની ખાઈમાં જ્યાં કર્ણનું મૃત્યું થયેલું તે
કર્ણવધનું સ્થાન, તથા અમીન ગામથી આશરે અડધો માઈલ દૂર જયદ્રથના નાશનું સ્થાન
જયધર, અને એવાં કેટલાંક ઐતિહાસિક સ્થાનો પણ ત્યાં જોવા જેવાં છે.
કુરુક્ષેત્રની યાત્રા એ રીતે ઘણી પ્રેરક, માહિતીપ્રચૂર, ઐતિહાસિક અને
આનંદદાયક થઈ પડે છે. ભારતના ભવ્ય ભૂતકાળની સાથે સંબંધ ધરાવતું એ ક્ષેત્ર
ખરેખર દર્શનીય છે. એ વાતનો સ્વીકાર કર્યા વિના નથી રહી શકાતું કે, યાત્રી
ત્યાં ભક્તિભાવવશ થઈને જાય છે ખરો, પરંતુ સગવડના અભાવે વધારે નથી રહી શકતો.
જમવા માટે ત્યાં સારા ભોજનાલયની વ્યવસ્થા પણ નથી દેખાતી, એટલે જેવું ખાવાનું
મળે તેવું ચલાવી લઈને કે પછી ખાવાનું હાથે બનાવીને સંતોષ માનવો પડે છે. બિરલા
મંદિરની ધર્મશાળામાં રહેવાની સગવડ ઘણી સારી હોવાથી ત્યાં ઊતરવાનું સારું છે.
કુરુક્ષેત્રનો સ્ટેશન વિસ્તાર તથા થાનેસર ગામ તદ્દન સાધારણ હોવાથી યાત્રીઓનું
આકર્ષણ કે મનોરંજન કરી શકે તેવાં નથી, પરંતુ જ્યોતિસરની જગ્યા સારી છે. એને
ગીતાતીર્થ પણ કહે છે. ત્યાં સુંદર મોટું તળાવ કે સરોવર છે, પાકો ઘાટ છે, અને
રથમાં બેઠેલા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની મૂર્તિ છે. થોડાક વખત પહેલાં
નિજસ્વરૂપમાં વિલીન થઈ ચૂકેલા સ્વામી સત્યાનંદ સરસ્વતીએ એ સ્થાનને નવો આકાર
આપવામાં તેમજ સુંદર બનાવવામાં ઘણો મોટો ફાળો આપેલો. એ સ્થાનથી થોડે દૂર નહેર
હોવાથી એ વધારે રમણીય લાગે છે.