Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

. સારનાથ

       

સારનાથ બૌદ્ધ ધર્મનું પ્રમુખ તીર્થ છે એ તો ખરું જ, પરંતુ બીજા ધર્મમાં રસ લેનારી જનતા પણ એના પ્રત્યે આદરભાવથી જુએ છે. ભગવાન બુદ્ધના જીવન સાથે એ સ્થાન ખાસ સંબંધ ધરાવતું હોવાથી એના દર્શન માટે ભારતમાંથી ને જુદાજુદા દેશોમાંથી અનેક લોકો આવે છે અને ભગવાન બુદ્ધને પોતાના અનુરાગની અંજલિ ધરે છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ એ સ્થાન ઘણું મહત્વનું મનાય છે. ભગવાન બુદ્ધને ગયાના બોધિવૃક્ષ નીચે શાંતિ મળી અને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે પછી, પોતાના જીવનનો સૌથી પ્રથમ ઉપદેશ એમણે અહીં જ આપીને, ધર્મચક્રપ્રવર્તનનો પ્રારંભ કરેલો. એની પાછળ એમની પ્રખર નિઃસ્વાર્થ કરુણાવૃત્તિ કામ કરી રહેલી. એમને થયું કે, મને તો શાંતિ મળી છે, પરંતુ અશાંતિનો અંત આણવા માગતા બીજા અનેક જીવો આ જગતમાં જીવી રહ્યા છે એમનું શું ? એમના જીવનને પણ શાંતિમય કરવા ને જ્ઞાનના પવિત્ર પ્રકાશથી પ્રકાશિત બનાવવા મારે બનતો પ્રયાસ કરવો જોઈએ. એવી સદ્દભાવનામાંથી એમની સાધના શરૂ થઈ. એ સેવારૂપી સરિતાને વહેતી કરનારી ભૂમિ તરીકે સારનાથનું મહત્વ ધાર્યા કરતાં ઘણું વધારે છે.

સારનાથ બનારસ સિટી સ્ટેશનથી ત્રણ માઈલ, બનારસ છાવણી સ્ટેશનથી પાંચ માઈલ, અને સડકના રસ્તે ચાર માઈલ દૂર છે. એ સ્ટેશન છે તથા બનારસથી ટાંગા કે રીક્ષા દ્વારા પણ ત્યાં જઈ શકાય છે. ત્યાં રહેવા માટે ધર્મશાળા છે.

દર્શનીય સ્થળો : અહીંનું બુદ્ધ ભગવાનનું મંદિર ખાસ દર્શનીય છે. એની રચના સુંદર છે. પહેલાં એ સ્થાન બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર હતું, પરંતુ એમ કહેવાય છે કે, મહમદ ઘોરીએ આક્રમણ કરીને બીજાં કેટલાંક સ્થળોની સાથે એની પણ દુર્દશા કરી દીધી. તેણે અહીંની કેટલીક કલાત્મક મૂર્તિઓનો નાશ કર્યો, ને સોનાની મૂર્તિઓ લઈ લીધી. સારનાથ નષ્ટભ્રષ્ટ બની ગયું. ત્યાંનો ધમેખસ્તૂપ જીર્ણ દશામાં બાકી રહી ગયો એટલું જ. જોકે આખરે એ સ્થાનનો ભાગ્યોદય થયો. ઈ.સ. ૧૯0પ માં પુરાતત્વ વિભાગ તરફથી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું. એને લીધે ઘણી મહત્વની માહિતી મળવાથી ઘણા ધર્મપ્રેમી અને વિદ્વાન પુરુષોનું ધ્યાન એના પ્રત્યે ખેંચાયું. પરિણામે, એ પ્રાચીન મહત્વ ધરાવતા તીર્થસ્થાનનો જીર્ણોદ્ધાર થયો. ત્યારથી એની ચઢતી કળા શરૂ થઈ છે.

જૈન ધર્મીઓ માટે પણ એ ભૂમિનું મહત્વ ઓછું નથી મનાયું. જૈન ગ્રંથોમાં એને સિંહપુર તરીકે ઓળખાવાયું છે. શ્રેયાંસનાથના જન્મ ને તપને લીધે એ ભૂમિ વિશેષ મહિમાવતી મનાય છે. ત્યાંના જૈન મંદિરમાં એમની મૂર્તિ છે. એ મંદિરની સામે સમ્રાટ અશોકે તૈયાર કરાવેલો અશોકસ્થંભ જોવા મળે છે.

સારનાથનાં જોવા જેવાં સ્થળોમાં સારંગનાથ મહાદેવ, મૂલગંધકુટિવિહાર, સીતારસોઈ તથા મ્યુઝિયમ છે. મૂલગંધ વિહારમાં બુદ્ધની સોનેરી મૂર્તિ છે. ત્યાંની દીવાલો પર જાપાન સરકારની સંમતિથી ચાર વરસના પરિશ્રમથી ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. એ ચિત્રો અત્યંત આકર્ષક છે. એનાથી થોડે દૂર પ્રાચીન વિહારો ને કૂવાઓના ભગ્નાવશેષો છે. એના પરથી અનુમાન થાય છે કે, એક સમયે એ સ્થળ ખૂબ જ સમૃદ્ધ હશે. બાજુના મ્યુઝિયમમાં ત્યાથી મળી આવેલી મૂર્તિઓ અને બીજી સામગ્રી છે, જે અભ્યાસીઓ માટે અત્યંત ઉપયોગી થઈ પડે તેમ છે. ટેકરી પર આવેલું સીતારસોઈનું સ્થળ એક સ્મૃતિસ્થળ છે એટલું જ, બાકી ત્યાં ખાસ જોવા જેવું કાંઈ નથી.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer