Information on North India's Pilgrim places in Gujarati

તીર્થ-યાત્રા

ઉત્તર ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થાનોનો પરિચય

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

તીર્થયાત્રા

NEXT >

૫૦. ગયા

       

મહિમા : ભારતવર્ષનાં મુખ્ય તીર્થો પૈકીનું એ એક મનાય છે. એમાં પણ, શ્રાદ્ધ સાથે સંબંધ ધરાવતાં તીર્થસ્થાનોમાં તો એ સર્વશ્રેષ્ઠ છે. માતૃશ્રાદ્ધ માટે જેમ સિદ્ધપુર સર્વોત્તમ મનાય છે, તેમ પિતૃશ્રાદ્ધ માટે ગયા કહેવાય છે. ત્યાં જેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે તે પિતૃઓ સનાતન શાંતિ પ્રાપ્ત કરે છે ને સદ્દગતિ મેળવી લે છે. આવી શ્રદ્ધાથી પ્રેરાઈને કેટલાક ધર્મપ્રેમી લોકો એ મહાન તીર્થની મુલાકાત લે છે, અને પોતાના પિતૃઓને અંજલિ આપીને એક આવશ્યક કલ્યાણકારી કર્તવ્ય કર્યાનો સંતોષ મેળવે છે. પિતૃની પાછળના શ્રાદ્ધકર્મ કરવા માટે ગયાના એ પુણ્યક્ષેત્રમાં દેશના દૂરદૂરના ખૂણેથી લોકો આવતા હોય છે. એમનામાંના ઘણા ગોરોનાં મકાનોમાં રહે છે, તો કેટલાંક ધર્મશાળામાં ઊતરે છે. બીજાં બધાં જ તીર્થોની જેમ ગયામાં પણ ધર્મશાળાઓની વ્યવસ્થા છે. તેમાં સ્ટેશન પાસે શેઠ શિવપ્રસાદ ઝૂનઝૂનવાળાની, એ જ શેઠની ચાંદગૌરા પાસેની બીજી ધર્મશાળા, ચોકમાં ગુલરાજ રામનિવાસ, અને ભારત સેવાશ્રમ સંઘની ધર્મશાળા, તેમજ સ્ટેશનથી દોઢેક માઈલ દૂર આવેલી જૈન ધર્મશાળા, એટલી ખાસ ઉલ્લેખનીય છે.

ગયામાં પ્રવેશ કરતી વખતે શ્રી રામકૃષ્ણ પરમહંસના જન્મ પહેલાંની એક કથાનું સ્મરણ થયા વિના નથી રહેતું. કહે છે કે, પરમહંસદેવના જન્મ પહેલાં એમના પિતા ખુદીરામ ચટ્ટોપાધ્યાય તીર્થોની યાત્રાએ નીકળેલા. ફરતાંફરતાં તેઓ ગયામાં આવી પહોંચ્યા. ત્યાં તેમને ગદાધર ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, તમારી શ્રદ્ધાભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમારી યાત્રા સફળ થઈ છે. માટે વહેલી તકે ઘરે જાઓ. થોડા જ વખતમાં હું તમારે ત્યાં પુત્રરૂપે જન્મ લઈશ.

એ પ્રસંગ પછી ખુદીરામ તીર્થયાત્રાની પૂર્ણાહુતિ કરીને ઘેર આવ્યાં. પોતાની ધર્મપરાયણ પત્ની ચંદ્રામણીને એમણે એ સ્વપ્નપ્રસંગની વાત કહી સંભળાવી, અને તે બંને એ પવિત્ર પ્રસંગને યાદ કરી આનંદ પામ્યાં. તે પછી શ્રી રામકૃષ્ણદેવનો જન્મ થયો. એમનું નામ ગદાધર પાડ્યું. રામકૃષ્ણદેવના રૂપમાં પ્રકટેલી વિભૂતિ કોઈ સાધારણ વ્યક્તિ નહોતી. ગયાના સુવિખ્યાત તીર્થના શ્રાદ્ધદેવતા ભગવાન ગદાધર પોતે જ, ભારતના ભૂતકાલીન પ્રાતઃસ્મરણીય ઋષિવરોનું સાંસ્કૃતિક શ્રાદ્ધ કરવા, તેમને સંતૃપ્તિ આપવા, અને દેશ તેમજ દુનિયાની પ્રજાને આત્મશ્રદ્ધા, આત્મોન્નતિ અને શાંતિનો માર્ગ બતાવવા માનવરૂપે પ્રકટ થયા હતા. દેશમાં એમણે જે આધ્યાત્મિક નવજાગૃતિની લહર જગાડી તે ખરેખર અને ખૂબ જ મોટા પ્રમાણમાં ચિરસ્થાયી બનીને આશીર્વાદરૂપ નીવડી છે.

ગયા નામ ગય નામના અસુરની સ્મૃતિમાં પડેલું છે. એ બાબતે પંડાઓ તરફથી કહેવાતી ને પરંપરાગત વહેતી આવતી પૌરાણિક કથા જાણવા જેવી છે. [તીર્થોના સંબંધમાં પુરાણોમાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે, ને ભાતભાતની કથાઓ કહેવાઈ છે. એ પાછળ એમનો મુખ્ય ઉદ્દેશ તીર્થોનું મહત્વ બતાવવાનો અને તીર્થો પ્રત્યે પૂજ્યભાવ પેદા કરવાનો છે.] ધર્મની પુત્રી ધર્માવતીનું લગ્ન મહર્ષિ મરીચ સાથે થયેલું. એકવાર તે પોતાના પતિના પગ દબાવી રહી હતી, તે વખતે એકાએક બ્રહ્માજી પધાર્યા, એટલે એણે ઊઠીને એમનો સત્કાર કર્યો. મહર્ષિ મરીચે એમ માન્યું કે એણે વચ્ચેથી ઊઠીને પતિસેવાનો ત્યાગ કરીને દોષ કર્યો છે. પરિણામે એમણે શાપ આપ્યો, એટલે ધર્માવતી શિલા બની ગ. પરંતુ એ શિલા બની તે પહેલાં એણે કરેલા કઠોર તપથી પ્રસન્ન થયેલા દેવોએ તથા ભગવાન નારાયણે એને વરદાન આપેલું કે, તારા શિલારૂપમાં બધા જ દેવો વાસ કરશે. એ સંદર્ભમાં કથા આગળ ચાલે છે કે, ભગવાન નારાયણે તેને વરદાન આપ્યું કે તારું શરીર બધાં તીર્થો કરતાં પવિત્ર થ જાય. વરદાન મળવા છતાં એણે તપ ચાલુ જ રાખ્યું. છેવટે બ્રહ્માજીએ એની પાસે જને યજ્ઞ કરવા માટે એના શરીરની માગણી કરી. ગય સૂ ગયો અને એના શરીર પર પેલી ધર્મવતી શિલા મૂકી દીધી. તે છતાં એ અસુર ઊઠવા લાગ્યો, ત્યારે બધા દેવતાઓ સાથે ભગવાન વિષ્ણુ પોતે ગદાધર બનીને એના પર ઊભા રહ્યા.

દસેક માલના વિસ્તારવાળું ગય રાક્ષસનું એ શરીર જ ગયા કહેવાય છે. એ એટલું બધું પવિત્ર છે કે, તેના પર કરેલું પુણ્યકર્મ કે શ્રાદ્ધ પરમ મંગલ કરનારું સાબિત થાય છે.

પંડાઓ દ્વારા કર્ણોપકર્ણો કહેવાતી એ આખ્યાયિકાનો સૂક્ષ્મ ભાવાર્થ એવો હોઈ શકે કે, ગયાનો દસેક માઈલનો વિસ્તાર પ્રાચીનકાળમાં ધર્મમય હોવા છતાં, કાંઈક અંશે આસુરી વૃત્તિથી ભરેલો હતો. એ રહીસહી આસુરી વૃત્તિનો અંત આણવાના આશયથી એના પર અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાન કરવામાં આવ્યાં. તે છતાં આસુરી વૃત્તિ પૂરેપૂરી ના મટી, ત્યારે તેને મટાડવા માટે બ્રહ્મવિદ્યાનો પ્રયાગ કરવામાં આવ્યો. એથી પણ ધારેલો હેતુ ના સર્યો, ત્યારે પરમાત્મા પોતે કોઈક એકનિષ્ઠ ભક્તની ભક્તિભાવનાને માન આપીને એ પ્રદેશ પર પ્રકટ થયા. આથી એની આસુરી વૃત્તિનો અંત આવ્યો અને એ પ્રદેશ પરિપૂર્ણરૂપે પવિત્ર થયો. આજે પણ એ ભૂમિ સૌકોઈને પવિત્ર કરવાની શક્તિ ધરાવે છે. પૌરાણિક કથાને એવી રીતે સમજીશું તો કોઈ હરકત નહિ થાય.

એ આસુરી વૃત્તિ ફરી પાછી બેઠી થઈને વિસ્તરવાને બદલે તદ્દન નામશેષ બની જાય અને નામશેષ દશામાં જ કાયમ રહે એ જોવાનો તેમજ એ પ્રમાણે વર્તવાનો પ્રત્યેક ગયાવાસીનો તેમજ ત્યાં જતા સૌનો ધર્મ છે. પરંપરિત કથાની ફળશ્રુતિ એ જ હોઈ શકે.

મહાભારતના વનપર્વમાં કહેવામાં આવ્યું છે કે :

ततो गयां समासाद्य ब्रह्मचारी समाहितः ।

अश्वमेघमवाप्नोति गमनादेव भारत ॥

यत्राक्षय्यवटो नाम त्रिषु लोकेषु विश्रुतः ।

पितृणां तत्र वै दत्तमक्षंय भवति प्रभो ॥

महानद्यामुपस्पृश्य तर्पयेत्पितृदेवताः ।

अक्षयाना प्नुल्लोकान्कुलं चैव समुद्धरेत् ॥

"ગયા જઈને બ્રહ્મચર્યના પાલન સાથે મનને સ્થિર કરવા સાધના કરનાર અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ કરે છે. ત્યાં ત્રણે લોકમાં પ્રખ્યાત એવો અક્ષયવટ છે, જ્યાં પિતૃને અર્પણ કરેલું સર્વકાંઈ અક્ષય બની જાય છે. ત્યાં મહાનદીમાં સ્નાન કરીને જે પિતૃ તથા દેવતાનું તર્પણ કરે છે તેને અવિનાશી લોકની પ્રાપ્તિ થાય છે તથા તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે."

પદ્મપુરાણમાં પણ આવો જ નિર્દેશ કરવામાં આવેલો છે.

ગયામાં શ્રાદ્ધ કરવાનો કોઈ નિશ્ચિત સમય ઠરાવવામાં નથી આવ્યો. મોટા ભાગના લોકો ભાદરવા મહિનામાં શ્રાદ્ધ માટે ત્યાં જતા હોય છે, એથી એ મહિનામાં જ શ્રાદ્ધ થાય છે એવું નથી સમજવાનું. પોતાની અનુકૂળતા પ્રમાણે ત્યાં ગમે ત્યારે શ્રાદ્ધ કે યાત્રા માટે જઈ શકાય છે.

માર્ગ : દિલ્હીથી કલકત્તા જતી ગાડીમાં પહેલાં અયોધ્યા, પછી કાશી, અને પછી ગયા સ્ટેશન આવે છે. પટના જવા માટે પણ ગયાથી ગાડી મળે છે. એવી રીતે આસપાસનાં મહત્વ ધરાવતાં મોટાં શહેરો સાથે ગયા સંકળાયેલું છે.

દર્શનીય સ્થાનો : ગયાનાં દર્શનીય સ્થાનોમાં વિષ્ણુપદ મુખ્ય છે. એ ત્યાંનું મુખ્ય મંદિર ગણાય છે. એ મંદિર રેલવે સ્ટેશનથી બે માઈલ દૂર છે, પરંતુ ત્યાં જવા-આવવા માટે સ્ટેશનથી સાધન મળી રહે છે. મંદિર ફલ્ગુ નદીના કાંઠે આવેલું છે. એમાં અષ્ટકોણ વેદી છે, અને એના પર ભગવાનનું ચરણચિહ્ન છે. બહારના ભાગમાં સુંદર સભામંડપ છે. શ્રાદ્ધ કરનારાઓ માટે ત્યાં બીજા બે મોટા મંડપ પણ બાંધેલા છે. મથુરાની જેમ અહીં પણ પંડાઓ યાત્રીઓ માટે ઉત્સુક હોય છે, ને યાત્રીઓ પાછળ ફરતા દેખાય છે. કેટલાય યાત્રીઓ એમની મદદથી શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરતા હોય છે.

ફલ્ગુ નદી ઘણી નાની હોવાથી ફક્ત ચોમાસામાં સજીવન દેખાય છે. બાકી, બીજી ઋતુઓમાં તદ્દન સુકાઈ જાય છે. ગયાની પૂર્વે આવેલી નગકૂટ ટેકરીની દક્ષિણે જતાં ફલ્ગુ નદી મહાના નદીના નામે ઓળખાય છે. ગયાની દક્ષિણે ત્રણેક માઈલ દૂર નીલાંજન નદી ને મહાના નદીનો સંગમ થાય છે. એ સંગમથી એકાદ માઈલ સુધી એ નદી સરસ્વતી નામે ઓળખાવાય છે. એ ઉપરાંત, મધુશ્રવા નામની એક બીજી નાની નદી પણ મહાના નદીમાં મળે છે.

વિષ્ણપદ મંદિરથી થોડેક દૂર ફલ્ગુ નદીના તટ પર ભગવાન ગદાધરની ચતુર્ભુજ મૂર્તિનું દર્શન થાય છે.

આદિગયા ગયાનું સૌથી પ્રાચીન સ્થાન મનાય છે. તે વિષ્ણુપદ મંદિરથી થોડેક દૂર છે. ત્યાંની શિલા પર પિંડદાન દેવાની પરીપાટી છે.

વિષ્ણુપદથી થોડે જ દૂર ઉત્તરમાં સૂર્યકુંડ નામે સ્થાન છે. તે કુંડનો ઉત્તર ભાગ દધીચિતીર્થ, મધ્યભાગ કનખલતીર્થ તથા દક્ષિણનો ભાગ દક્ષિણ માનસતીર્થ કહેવાય છે. એ કુંડની પશ્ચિમે એક મંદિર છે. તેમાં સૂર્યનારાયણ ભગવાનની ચતુર્ભૂજ મૂર્તિ જોવા મળે છે.

વિષ્ણુપદ મંદિરની સામેની બાજુએ ફલ્ગુ નદીની સામેના કિનારે સીતાકુંડ છે. ત્યાંના મંદિરમાં દશરથ રાજાનો કાળા પત્થરનો હાથ છે. ત્યાં એક શિલા છે, જેને ભરતના આશ્રમની વેદી કહેવામાં આવે છે. તેને રામગયા પણ કહે છે. ત્યાં કેટલીક મૂર્તિઓ અને મતંગ ઋષિનું ચરણચિહ્ન જોવા મળે છે.

વિષ્ણુપદથી એકાદ માઈલ ઉત્તરે ઉત્તરમાનસ સરોવર છે. એમાં ચારે તરફ પગથિયાં છે. ત્યાં એક ધર્મશાળા છે તથા સૂર્ય ને શીતલાદેવીની મૂર્તિઓવાળું મંદિર છે. ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ બાંધેલું છે.

વિષ્ણુપદથી ત્રણેક માઈલ દૂર ફલ્ગુ નદીના તટ પર રામશિલા પર્વતમાળા છે. તેની નીચેના ભાગમાં રામકુંડ સરોવર છે. ત્યાં શંકરનું મંદિર પણ છે. તે ઉપરાંત, રામનું મંદિર ને ધર્મશાળા છે. ત્યાં 300 થી વધારે પગથિયાં ચઢતાં રામશિલાતીર્થ છે. ત્યાં પણ શંકર ભગવાનનું મંદિર છે. રામ આ સ્થળે આવ્યા તે પહેલાં એ પર્વતમાળા પ્રેતશિલા નામે ઓળખાતી. રામસિલાની પાસે એક વટવૃક્ષ છે, જ્યાં કાકબલિ, શ્વાનબલિ, તથા યમબલિ આપવામાં આવે છે. તે સ્થાન કાકબલિ કહેવાય છે.

ગયાના દક્ષિણ ફાટકની પાસે વૈતરણી સરોવરની બાજુમાં બ્રહ્મસરોવર નામે બીજું સરોવર છે. એમાં પડેલા ગદાના ટુકડાની લોકો પ્રદક્ષિણા કરે છે. એની બાજુમાં એક મોટા આંગણામાં અક્ષયવટ નામે વડનું ઝાડ છે. ત્યાં બાજુમાં વટેશ્વર મહાદેવનું મંદિર, રુકમણી સરોવર તથા વૃદ્ધ પ્રપિતા મહેશ્વરનું મંદિર છે.

ગયાથી બુદ્ધગયા જતાં આશરે બે માઈલ દૂર બ્રહ્મયોનિ નામે પર્વત છે. ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. નીચે બ્રહ્મકુંડ નામે સરોવર છે. બાજુમાં સાવિત્રીકુંડ તથા સરસ્વતીકુંડ છે. સાવિત્રીનું મંદિર તેમ જ કર્મનાશા સરોવર પણ ત્યાં જ છે.

એ ઉપરાંત પણ કેટલાંક જોવા જેવાં બીજાં સ્થળો ગયામાં છે.

 

(શ્રી યોગેશ્વરજી કૃત 'તીર્થયાત્રા'માંથી)

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer