An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 05

 

तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके ।

तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥

 

અર્થઃ

તત્ - તે

એજતિ - ચાલે છે

તત્ - તે

ન એજતિ - નથી ચાલતા

તત્ - તે

દૂરે - દૂરથી પણ દૂર છે

તત્ - તે

ઉ અન્તિકે - અત્યંત પાસે છે

તત્ - તે

અસ્ય - આ

સર્વસ્ય - સમસ્ત જગતની

અન્તઃ - અંદર પરિપૂર્ણ છે (અને)

તત્ - તે

અસ્ય - આ

સર્વસ્ય - સમસ્ત જગતની

ઉ બાહ્યતઃ - બહાર પણ છે.

 

ભાવાર્થઃ

પરમાત્મા સાચેસાચ કેવા છે તે વિશે આ શ્ર્લોકમાં વિશેષ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમનું સામર્થ્ય અને જ્ઞાન અપ્રતિમ છે એ તો આપણે જોઇ લીધું. એ અત્યંત અસાધારણ, એક અને અનુપમ હોવાથી એમનું સર્વ કાંઇ અનુપમ છે. આ શ્ર્લોકમાં એમના વિશે બહારથી કેટલાક વિરોધાભાસી ભાવો કે વિચારોની અભિવ્યક્તિ કરવામાં આવી છે. એ અભિવ્યક્તિ બહારથી વિરોધાભાસી હોવાં છતાં અંદરથી શાંતિપૂર્વક વિચારવાથી પૂરક દેખાય છે.

પરમાત્મા ચાલે છે એટલે કે ચાલનારા પદાર્થોને ચાલવાની શક્તિ અથવા ગતિ આપનારા બીજા કોઇ જ નહીં પરંતુ પરમાત્મા જ છે. પરમાત્મા જ એમની અંદર ગતિસંચાર કરે છે અથવા એમના રૂપમાં પરમાત્મા જ દ્રષ્ટિગોચર થાય છે અથવા ચાલે છે. તે નથી ચાલતા એટલે સર્વ પ્રકારની ભૌતિક પ્રવૃતિઓથી પર છે. પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત તથા સ્થિર છે. જગતનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ઉષા તથા સંધ્યા, દિવસ અને રાત, શરદ-વસંત, ગ્રીષ્મ અને વર્ષા વારાફરતી આવે છે ને જાય છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળ પોતપોતાની અને પવનની લલિત લહરી પોતાની પ્રવૃતિમાં પ્રવૃત છે. વિલક્ષણ રીતે રાસલીલા રમ્યા કરે છે. સરિતા સમુદ્રની દિશામાં સતત અભિસરણ કરતી રહે છે અને સમુદ્ર ભરતી-ઓટની વિરોધાભાસી રમત રમે છે. સમસ્ત સર્જન એક ક્ષણને માટે પણ સ્થિર હોય એમ નથી લાગતું. એનો સ્થૂળ-સુક્ષ્મ વ્યાપાર અબાધિત રીતે એકધારો ચાલતો જ હોય છે. પરંતુ પરમાત્મા એવા સર્વ પ્રકારના વ્યાપારથી પર છે. એમને કશું જ નથી સ્પર્શતું. એ સૌથી અલિપ્ત હોય છે. એ દૂર-સુદૂરવર્તી પદાર્થોમાં તો રહેલા જ છે પરંતુ પાસેમાં પાસે પણ વિરાજે છે. પ્રાણની પણ પાસે છે. એ ઉપરાંત, આસુરી સંપત્તિવાળા, કુકર્મપરાયણ, પરમાત્માથી વિમુખ માનવોને માટે પરમાત્મા દૂર છે. પરંતુ પરમાત્માભિમુખ, સત્કર્મપરાયણ, દૈવી સંપત્તિવાળા માનવોને માટે તદ્દન પાસે અથવા સુલભ છે. અજ્ઞાનની અવસ્થા દરમ્યાન દૂર છે અને આત્મજ્ઞાનની અલૌકિક અનુભવપૂર્ણ અવસ્થા દરમિયાન પાસે. જીવનને નિર્મૂળ બનાવવાનો પ્રયત્ન કરતાં જે ધ્યાનપરાયણ બને છે અને સત્સંગનો આધાર લે છે તેની છેક જ પાસે છે અને ઘોર વિષયી જનોથી દૂર. એ જગતની અંદર છે અને બહાર પણ છે. જગતમાં રહેવા છતાં જગતમાં પૂરેપૂરા કેદ નથી થઇ શકતાં. જગતમાં જે ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્ય દેખાય એ તો એમના અનંત ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્યના અંશ બરાબર પણ નથી એવું નિશંક રીતે કહી શકાય. એવી રીતે સમજવાથી સંસારનાં સાધારણ-અસાધારણ આકર્ષણોમાંથી સહેલાઇથી મુક્તિ મેળવી શકાય અને એવાં આકર્ષણોના શિકાર ના થવાય. સંસાર જ સર્વ કાંઇ છે અને એથી પર કે બહાર બીજું કાંઇ જ નથી એવી અજ્ઞાનજન્ય મોહમૂલક માન્યતાનો અંત આવે. સંસારમાં રહેલા પરમાત્માને પેખીને ભેદભાવથી છૂટવાથી વૃતિ બળવાન બની જાય ને તદનુસાર પ્રવૃતિ થવાથી જીવન સાર્થક થાય.  

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer