An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 06

 

यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति ।

सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते ॥६॥

 

અર્થઃ

તુ - પરંતુ

યઃ - જે મનુષ્ય

સર્વાણિ - સંપુર્ણ

ભૂતાનિ - પ્રાણીને

આત્મનિ - પરમાત્મામાં

એવ - જ

અનુપશ્યતિ - નિરંતર જુએ છે

ચ - અને

સર્વભૂતેષુ - સઘળાં પ્રાણીમાં

આત્માનમ્ - પરમાત્માને (પેખે છે)

તતઃ - તે પછી

ન વિજુગુપ્સતે - એ કોઇની ઘૃણા કરતો નથી કરતો

 

ભાવાર્થઃ

માનવ બીજા પ્રત્યે ધૃણાની દ્રષ્ટિએ શા માટે દેખતો હોય છે ? સ્વાર્થ, અહંકાર, ઇર્ષા જેવી વૃતિઓને લીધે, એવી અમંગલ વૃતિઓને લીધે એની સદબુદ્ધિ ઘેરાઇને ઢંકાઇ જાય છે, અને એનું દર્શન વિપરીત તથા વિકૃત થાય છે. સદબુદ્ધિને જાગ્રત કરવા, વધારવા અને વૃતિ, દ્રષ્ટિ તથા પ્રવૃતિને પવિત્ર બનાવવા પરમાત્માની સાથે સંબધ બાંધવાનું અનિવાર્ય છે. પરમાત્માની સાથે સંબંધ બંધાવાથી પારસના સ્પર્શથી પલટાતા લોઢાની પેઠે માનવનું સર્વ કાંઇ પલટાઇ જાય છે. વ્યક્તિત્વ વિશદ બને છે અને દર્શન ઉદાત્ત અથવા અલૌકિક.

યોગી ભર્તૃહરિ પોતાના વૈરાગ્યશતકમાં જણાવે છે કે  જીવનમાં જ્યારે કામવાસનાના વેગને લીધે અજ્ઞાન છવાયેલું ત્યારે સમસ્ત જગત નારીમય દેખાયા કરતું. પરંતુ હવે અંતરમાં અને આંખમાં સદસદ્ વિવેકરૂપી અંજન અંજાવાથી કામવાસનાનો કમળો દૂર થયો છે. એટલે અખિલ બ્રહ્માંડમાં પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી દેખાતું. પ્રેમભક્તિમાં ડૂબેલી ગોપીઓ જડચેતનમાં સર્વત્ર ભગવાન કૃષ્ણનું દર્શન કરતી. આત્મજ્ઞાની, એવી રીતે ભગવદગીતાની ભાષામાં કહીએ તો સર્વે જીવોમાં અથવા સમસ્ત સંસારમાં પરમાત્માને અને સમસ્ત સંસારને પરમાત્મામાં જુએ છે. એવું દર્શન એને સારુ સ્વાભાવિક થઇ જાય

सर्वभूतस्थत्मा सर्वभूतानी चात्मनि ।

જે સૌની અંદર પરમાત્માને જ પેખે છે તે કોને તિરસ્કારે કે કોના પ્રત્યે દ્વેષ રાખે ? કોનો ભય રાખે ને કોનો મોહ ? કોને શત્રુ સમજે ને કોને મિત્ર માને ? જે સર્વત્ર પરમાત્માની જ પરમસત્તાને અનુભવતો હોય તે કોઇને તિરસ્કારી શકે જ નહિ. પરમાત્મભાવનું અનુસંધાન તૂટવાથી જ જીવનમાં એક અથવા બીજા અનર્થોની પરંપરા ઊભી થાય છે. જ્યાં પરમપવિત્ર પરમાત્મભાવ હોય છે ત્યાં અનર્થો નથી રહી શકતા. સંત તુલસીદાસે એનો મહિમા બતાવતાં રામાયણમાં કહ્યું છે તે ઉચિત જ છે કે

ઉમા જો રામચરનરત, વિગત કામ-મદ-ક્રોધ,

નિજ પ્રભુમય દેખહિ જગત, કેહિ સન કરહિ વિરોધ.

એ કથન ઉપનિષદના આ ઉદગારોની માર્મિક રજૂઆત જેવું લાગે છે. એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે, હૃદય જ્યાં સુધી કામક્રોધાદિનું ક્રીડાંગણ હોય અથવા નિર્મળ ના હોય ત્યાં સુધી પોતાની અંદર અને બહાર પરમાત્માનું પરમ પવિત્ર દર્શન કેવી રીતે થઇ શકે ? જીવનને નિર્મળ કરવાની આવશ્યકતા સૌથી મહત્વની ને મોટી છે. તેના સિવાય પરમાત્મભાવના સુમેરુ શિખર પર ના જ ચઢી શકાય.

કોઇ માનવ પરમાત્મ દર્શનનો દાવો કરતી હોય અને છતાં પણ બીજાની અવજ્ઞા કે ઘૃણા કરતો હોય તો તેનો દાવો પોકળ છે અને આચાર સાથે મેળ નથી ખાતો એવું નિશ્ચયાત્મક રીતે સમજી લેવું. પરમાત્માની પાસે પહોંચનાર માનવનાં નેન અને વેણ બદલાય છે, વિમલ બને છે, એનો વ્યવહાર વિશદ થાય છે અને એની વૃતિ પણ ઉત્તમતા ધારણ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer