An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ईशोपनिषत्

     
   
< BACK

< Isopanishad >

NEXT >

Verse 08

 

स पर्यगाच्छुक्रमकायमव्रण- मस्नाविरँ शुद्धमपापविद्धम् ।

कविर्मनीषी परिभूः स्वयम्भू-र्याथातथ्यतोऽर्थान्

व्यदधाच्छाश्वतीभ्यः समाभ्यः॥८॥

 

અર્થઃ

સઃ - મહાપુરુષ

શુક્રમ્ - પરમ પ્રકાશમય

અકાયમ્ - સૂક્ષ્મ શરીરથી રહિત

અવ્રણમ્ - છિદ્રરહિત કે ક્ષતરહિત

અસ્નાવિરમ્ - શિરાઓ વગરના અથવા સ્થૂળ પંચભૌતિક શરીરથી રહિત

શુદ્ધમ્ - અપ્રાકૃત દિવ્ય સચ્ચિદાનંદ-સ્વરૂપ

અપાપવિદ્ધમ્ - શુભાશુભ કર્મ સંપર્કશૂન્ય પરમાત્માને

પર્યગાત્ - પામી લે છે. (જે)

કવિઃ - સર્વદ્રષ્ટા

મનીષી - સર્વજ્ઞ અને જ્ઞાનસ્વરૂપ

પરિભૂઃ - સર્વત્ર રહેનારા, સર્વનિયંતા

સ્વયંભૂઃ - સ્વેચ્છાથી પ્રકટનારા છે (અને)

શાશ્વતીસ્યઃ - અનાદિ

સમાભ્યઃ - કાળથી

યાથાતથ્યતઃ - સર્વે પ્રાણીઓના કર્મ પ્રમાણે યથાયોગ્ય

અર્થાત્ - સંપૂર્ણ પદાર્થોની

વ્યદઘાત્ - રચના કરતા આવ્યા છે.

 

ભાવાર્થઃ

પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે કેવી જાતની અસાધારણ આત્મિક યોગ્યતાની આવશ્યકતા હોય છે એનો નિર્દેશ અત્યાર સુધીની ચર્ચાવિચારણા પરથી સહેજે મળી શકે છે. શોક અને મોહમાં મગ્ન માનવને માટે પરમાત્માની પ્રાપ્તિનું કાર્ય અતિશય કઠિન, લગભગ અશક્ય જેવું થઇ પડે છે. પરમાત્માની કૃપાને મેળવવા માગનારનું જીવન નિર્મળ જોઇએ અને મન સ્વસ્થ તથા સ્થિર. નિર્મળ મનના મહાપુરુષો શ્રદ્ધાભક્તિ સહિતની સતત સાધના દ્વારા પરમાત્માને પામી અને જાણી શકે છે. એ પરમાત્મા સ્થૂળ પ્રાકૃત શરીરથી રહિત સચ્ચિદાનંદસ્વરૂપ છે. સર્વજ્ઞ, સ્વયંભૂ અને જ્ઞાનસ્વરૂપ છે. સર્વવ્યાપક તથા સૌના નિયંતા છે. એ સ્વેચ્છાનુસાર સ્વૈચ્છિક રૂપ લઇને પ્રકટ થવાની શક્તિવાળા છે. સમસ્ત સૃષ્ટિનું સંચાલન કરે છે અને સૌને એમના કર્મસંસ્કારોને અનુલક્ષીને ફળ આપે છે. સનાતન કાળથી સંસારના સૂત્રધાર તરીકે કાર્ય કરે છે.

પરમાત્મા જુદાજુદા જીવોનાં કર્મોની વ્યવસ્થા કરે છે અથવા કર્મફળપ્રદાતા બને છે તોપણ કર્મ અને કર્મફળની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. સૌના સૂત્રધાર અને સંરક્ષક હોવા છતાં સર્વે જાતની અહંતા-મમતામાંથી મુક્ત છે. એ આટલા વિશાળ વિશ્વનો ખેલ તો કરે છે પરંતુ તદ્દન ન્યારા રહીને. એમને કશું જ નથી સ્પર્શી શકતું.

એવા પરમાત્માને પામવા માટેની યોગ્યતા પણ એવી જ અનોખી હોવી જોઇએ. માનવે પોતે અહંતા, મમતા અને આસક્તિથી રહિત બનવું જોઇએ. એ સિવાય એનું જીવન ભાગ્યે જ કૃતકૃત્ય બની શકે.

એ પરમાત્મા માનવની પોતાની અંદર પણ વિરાજમાન છે. એની છેક જ પાસે. પ્રાણની પણ પાસે. એના અંતરના અંતરતમમાં. ત્યાં એમનો સાક્ષાત્કાર કરવા માટે કટિબદ્ધ બનવું જોઇએ. એને માટે અંતરંગ સાધનાનો આધાર લેવો જોઇએ. અંતરંગ સાધન દ્વારા એ પરમાત્માનો સાક્ષાત્કાર પોતાની અંદર સધાશે એટલે બહાર બધે પણ સહેલાઇથી શક્ય બનશે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer